સુરત(Surat) : શહેરના સચિન(Sachin) વિસ્તારમાં ચાલતા ડિજિટલ ગ્રામીણ સેવા(Digital Rural service) નામના બોગસ(Fake) જનસુવિધા કેન્દ્ર(Public convenience Center)ના કૌભાંડ ઉપરથી પડદો હટી ગયા બાદ કૌભાંડીઓ પોલીસથી બચવા પુરાવાઓ નાશ કરવા સક્રિય થયા હોવાનું જાણવા મળે છે.
- સચિનના ડિજિટલ ગ્રામીણ સેવાના બોગસ જનસુવિધા કેન્દ્રના કારભારીઓ પુરાવાઓના નાશ કરવા સક્રિય બન્યા
- ગામેગામ ફરી રસીદો પરત લઇ રોકડા પરત કરી પોલીસથી બચવા હવાતિયા
સુરત શહેરના સચિન વિસ્તારમાંથી ગયા સપ્તાહમાં ડિજિટલ ગ્રામીણ સેવાના નામે લોકો સાથે આર્થિક ઠગાઇ કરતું જનસુવિધા કેન્દ્ર પકડાયું હતું. સચિનના સ્ટેશન રોડના ક્રિષ્ણા કોમ્પ્લેકસની દુકાનમાં કૌભાંડીઓએ બેધડક બોગસ જનસુવિધા કેન્દ્ર શરુ કરી દીધું હતું. કૌભાંડીઓએ સામાન્ય અને ભોળી પ્રજાને ઠગવા જાતજાતના કામ કરી આપવાની લાલચો આપી હતી. પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત ચૂંટણીકાર્ડ અને સરકારી અનેકવિધ યોજનાઓ એક છત નીચે પૂરા પાડવાનાં સપના બતાવી લોકોને આબાદ છેતરી લીધા હતાં. કૌભાંડીઓ સરકારી કચેરીમાં મળે તેવી સહી સિક્કાવાળી રસીદો પણ આપતા હતા. જેને લઇને અનેક લોકો તેમની ચુંગાલમાં ફસાઇ ગયા છે. સૌથી કઠિન હાલત કાંઠા વિસ્તારના ગામોની વિધવા બહેનોની થઇ છે.
પુરાવા નાશ કરવાનો પ્રયાસ
કાંઠા વિસ્તારની વિધવા બહેનોને 1.90 લાખનું સુરક્ષા કવચ આપવાના નામે કૌભાંડીઓએ અધધ રકમ પડાવી લીધી છે. વિધવા બહેનો પાસે એક એક હજાર પ્રોસેસ ફી ભરાવાઇ હતી. સચિનના બોગસ ડિજિટલ ગ્રામીણ કેન્દ્રના કૌભાંડીએ એટલી સીફતાઇથી કૌભાંડ ચાલું રાખ્યું હતું કે જેનાથી અંજાઇ અનેક લોકોના ધાડેધાડા કામો માટે ઊમટી પડયા હતાં. પરંતુ જિલ્લા કલેકટર આયુષ ઓકને થયેલી ફરિયાદ બાદ કૌભાંડીઓ જનસુવિધા કેન્દ્રના પાટિયા ઉતારી લઇ રાતોરાત છૂમંતર થઇ ગયા છે. છેલ્લા બે દિવસથી કૌભાંડીઓ ગામેગામ ફરી રહ્યાં છે અને જેમની પાસે નાણાં પડાવ્યા છે તેમની પાસે રસીદ પરત લઇ રહ્યાં છે. આજે તેમણે અનેક બહેનોનો સંપર્ક કરી રસીદો પરત લઇ પૈસા ચૂકવવા શરુ કરી દીધું છે. કૌભાંડીઓએ જેલના સળિયા પાછળ નહીં જવુ પડે તે માટે તેમને પુરાવાઓ નાશ કરવાના ચાલું કરી દીધા છે.
કાંઠાવિસ્તારના ગામોમાં એજન્ટ પણ રાખ્યા હતાં
ડુમસના આગેવાન રમેશ લશ્કરીએ કહ્યું હતું કે, સચિનના બોગસ જનસેવા કેન્દ્રમાં કાંઠા વિસ્તારના સેંકડો લોકો ફસાઇ ગયા છે. તેમણે વિધવા સહાય અને પેન્શનના નામે લાભ લેવા કૌભાંડીઓ પાસે લાઇનો લગાવી દીધી હતી. આ માટે કૌભાંડીઓએ કાંઠા વિસ્તારના લોકોની નાડ પારખતાં હોય તેવા ગામના સાગરીતો રાખ્યા હતાં. આ એજન્ટો ભરોસો બતાવી મહિલાઓને મારૂતિવાનમાં ભરી સચિન લઇ જતા હતાં. કહેવાય છે કે કૌભાડીઓએ ગામેગામ એજન્ટ રોકી રાખ્યા હતાં. હવે કૌભાંડીઓ સાથે સાથે આ એજન્ટને પણ જેલના સળિયા ગણવા પડે તવી હાલત થઇ છે.