Business

મહેસાણામાંથી 35 લાખનું નકલી ઘી ઝડપાયું, ફુડ સેફ્ટી વિભાગનું ઓપરેશન

ગાંધીનગર : સેન્ટ્રલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેશનલ ક્રાઇમ બ્યુરો તરફથી મળેલી ફરિયાદના આધારે એક બહુ મોટા ઓપરેશનમાં મહેસાણાના કમલી ખાતે રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતે દરોડા પાડી અમૂલના જેવું જ લેબલિંગ અને પેકિંગ કરી અમૃત ઘી નામે વેચાતા શંકાસ્પદ ઘીનો પાંચ હજાર કિલો અંદાજે ૩૫ લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પણ જપ્ત કરી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અને રૂલ્સની જોગવાઇ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાડની લાગણી ફેલાઇ ગઇ છે.

સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતેથી શંકાસ્પદ ઘી (અમૃત ઘી)ના વિવિધ નમૂનાઓ લઇને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટ્રલ લેબોરેટરીમાં આ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, નેશનલ ક્રાઇમ બ્યુરો તરફથી સેન્ટ્રલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદના આધારે મહેસાણાના કમલી ખાતે રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતે અધિકારીઓની ટીમે દરોડો પાડી સમગ્ર ગોડાઉન અને સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, રજવાડી ડેરી પ્રોડક્ટસ પાસે લાયસન્સ જ ન હતુ. જનરલ મેન્યુફેકચરીંગનું લાયસન્સ હોવા છતાં તેઓ ગેરકાયદે રીતે આ પ્રકારે અમૂલ જેવું જ લેબલિંગ, પેકિંગ અને કલર સહિતની બાબતોમાં બિલકુલ અસલ લાગે તે જ પ્રકારની નકલ કરી અમૃત ઘીના નામે ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ કરતા હતા.

નમુના ફેલ જશે તો, રજવાડી ડેરી પ્રોડકટ્સ વિરૂદ્ધ ગુનો નોંધાશે
સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરોએ અમૃત ઘીના ઉત્પાદનમાં વનસ્પતિ ઘી અને અન્ય ભેળસેળની ખરાઇ માટે રજવાડી ડેરી પ્રોડકટ્સના શંકાસ્પદ ઘીના નમુના લઇને સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે અને જો આગામી દિવસોમાં તેના પૃથ્થકરણ રિપોર્ટમાં આ સેમ્પલ ફેલ જશે તો, રજવાડી ડેરી પ્રોડકટ્સ વિરૂધ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ હેઠળ એઝ્યુકેટીંગ કોર્ટમાં કેસ દાખલ કરાશે. આ કસૂરવાર એકમને નોટિસ ઉપરાંત આકરો દંડ ફટકારાય તેવી પણ શકયતા છે.

Most Popular

To Top