આજકાલ બજારમાં એટલું બધું નકલી આવી ગયું છે કે હવે તો લોકોએ નકલી કે ભેળસેળના સમાચાર વાંચીને ઉત્તેજિત થવાનું પણ જાણે બંધ કરી દીધું છે. નકલીની જાણે કે બોલબાલા! ઘી, પનીર, બટન, તેલ, લસણ, અનેક નકલી ખાદ્ય પદાર્થો, કોસ્મેટીક, માર્કશીટ, વેબસાઈટ, સર્ટિફિકેટ, ચલણી નોટ અને હવે તો નકલી લોહીના પણ સમાચાર વાંચવા મળ્યા. આ બધી નકલી વસ્તુઓની યાદી એટલી બધી લાંબી છે કે ગુજરાતમિત્ર દૈનિકનું આખે આખું પાનું ભરાઈ જાય. કેટલીક વખત તો અસલી કરતા નકલી વસ્તુ વધુ ચમકદાર અને છેતરામણી હોય છે. દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે બજારમાં નકલી ઘી ખુલ્લેઆમ વેચાઈ રહ્યાના સમાચાર સામાન્ય બની ગયા છે.
નકલી વસ્તુઓની વાત તો જાણે હવે કોઠે પડી ગઈ છે. નકલી સંસ્થાઓનો જાણે રાફડો ફાટ્યો છે. બોગસ નકલી શાળા, કોલેજ, સરકારી ઓફિસ, બેંક અને હવે તો નકલી કોર્ટ પણ નકલી ચુકાદાઓ આપતી થઈ ગઈ છે. 21 મી સદીના ડિજિટલ યુગમાં આપણે જાણે ખૂબ પ્રગતિ કરી હોય એમ નકલી માણસો પણ મળતા થઈ ગયા છે. ડોક્ટર, પોલીસ ઓફિસર, આઈ.એ.એસ. અધિકારી .. હદ તો ત્યારે થાય છે કે જ્યારે નકલી ગરીબો પણ મળે છે. અસલી જુગારીઓને નકલી પોલીસ દ્વારા લૂંટી લીધાના સમાચાર પણ વાંચવા મળે છે. નકલી ચીજ વસ્તુઓની માયાજાળ એવી છે કે હવે તો કોઈપણ ચીજ ખરીદતી વખતે શંકા જાય છે કે એ ચીજ અસલી હશે કે નકલી? નકલીની બોલબાલાના આ સમયમાં સૌને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના.
નવસારી – ડૉ જે એમ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આંતરમનનો દીપ પ્રગટાવીએ
ખૂબ જ આનંદનો, સૌને પ્રિય દિવાળીનો તહેવાર આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ઠેર ઠેર રોશની, પ્રકાશ, અજવાસ. આ બધું જ બાહ્ય જગતમાં છે. આંતરિક જગતનું શું? ત્યાં તો હજી અંધકાર જ ડોકિયા કરે છે. દીપાવલી બે છે, એક બાહ્ય અને બીજી આંતરિક.બાહ્ય દીપાવલી જે આપણે મનાવીએ છે તે. દર વર્ષે આવે છે અને જાય છે. એકવાર આપણે અંદરનાં રાવણને એટલે કે અજ્ઞાનતાને હરાવતા શીખી લઈશું પછી દરેક રાત દીપાવલી બની રહે છે. રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. અયોધ્યા એટલે અ-યુધ્ધ. યુધ્ધોથી મુક્ત સ્થળ. જ્યાં દ્વેષ, આસકિત, અણગમો, અપમાન, દુઃખ નથી.
છે તો માત્ર આંતરિક સુખ, શાંતિ અને આનંદ! આપણું આંતરિક મન અશાંતિ, અસંતોષ, પીડા, દુઃખ, કડવાશ, બીજાને અપમાનિત કરવામાં, નીચા દેખાડવામાં, વેદના, યાતના આપવામાં વ્યસ્ત છે. પરિણામે બહારની રોશની આપણને સ્પર્શતી નથી. જ્યાં સુધી આપણે આંતરમનમાં કરૂણા, ભલાઈ, પ્રેમ, લાગણીનાં દીપ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પ્રકાશના પર્વ દીપાવલીને બાહ્ય જગતમાં મનાવીને ક્ષણિક સંતોષ વ્યક્ત કરતા રહીશું. જે આંતરમનમાં દીપ પ્રગટાવે છે તે જ બાહ્ય અને આંતરિક જ્ઞાનના પ્રકાશનો અનુભવ કરે છે.
સુરત – અરૂણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.