યુપીના ગાઝિયાબાદમાં એક નકલી દૂતાવાસનો પર્દાફાશ થયો છે. મંગળવારે એસટીએફએ દરોડો પાડીને હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી હતી. તેમની પાસેથી વીઆઈપી નંબરવાળી 4 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. આ સાથે વિવિધ દેશો અને કંપનીઓના 34 સીલ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલયના સીલ ધરાવતા બનાવટી દસ્તાવેજો અને 44.70 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ના નોઈડા યુનિટે ગાઝિયાબાદના હર્ષવર્ધનની ધરપકડ કરી છે અને એવો ખુલાસો કર્યો છે જેનાથી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. હર્ષવર્ધન જૈન ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં નકલી ‘દૂતાવાસ’ ચલાવતો હતો. તે પોતાને એવા દેશોનો રાજદૂત કહેતો હતો જે ખરેખર વિશ્વના નકશા પર અસ્તિત્વમાં નથી. આ નેટવર્ક માત્ર નકલી ઓળખની મદદથી જ ચાલતું ન હતું પરંતુ હવાલા અને તેના દ્વારા વિદેશી ચલણના ગેરકાયદેસર સંચાલન જેવી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યું હતું.
STFના SSP સુશીલ ઘુલેએ જણાવ્યું હતું કે- હર્ષવર્ધન KB 35 કવિનગરમાં ઘર ભાડે રાખીને ગેરકાયદેસર રીતે ‘વેસ્ટ આર્કટિક એમ્બેસી’ ચલાવતો હતો. તે પોતાને વેસ્ટ આર્કટિક, સબોર્ગા, પુલાવિયા, લાડોનિયા દેશોનો કોન્સ્યુલ એમ્બેસેડર કહે છે. જોકે આ નામોવાળા કોઈ દેશો નથી. આ દેશોનો ઇન્ટરનેટ પર ક્યાંય ઉલ્લેખ પણ નથી.
જો તમે ગુગલ પર સબોર્ગા શોધશો તો તમને ખબર પડશે કે એવો કોઈ દેશ નથી પરંતુ એક ગામ અને સૂક્ષ્મ રાષ્ટ્ર છે જેને દેશનો દરજ્જો મળ્યો નથી. બીજું નામ પાલવિયા હતું જેને શોધવા પર તમને કેટલાક લોકોના નામનું શીર્ષક મળે છે. તેવી જ રીતે જ્યારે લાડાનિયા શોધવામાં આવે છે ત્યારે તે એક પ્રયોગશાળાનું નામ બહાર આવે છે. આ વ્યક્તિ એક દેશનું નામ વેસ્ટ આર્ક્ટિકા લખતો હતો, શોધવા પર જાણવા મળ્યું કે તે સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતી એક બિન-લાભકારી સંસ્થાનું નામ છે.
હર્ષવર્ધન રાજદ્વારી નંબર પ્લેટવાળા વાહનોમાં મુસાફરી કરતો હતો. લોકોને પ્રભાવિત કરવા માટે તે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય ઘણા મોટા લોકો સાથે તેના મોર્ફ કરેલા ફોટાનો ઉપયોગ કરતો હતો. તેનું મુખ્ય કામ કંપનીઓ અને ખાનગી વ્યક્તિઓને વિદેશમાં કામ અપાવવાના નામે દલાલી કરવાનું અને શેલ કંપનીઓ દ્વારા હવાલા રેકેટ ચલાવવાનું હતું.
હર્ષવર્ધન પાસેથી બે નકલી પ્રેસ કાર્ડ, બે નકલી પાન કાર્ડ, સૂક્ષ્મ દેશોના 12 રાજદ્વારી પાસપોર્ટ, ઘણા દેશોના વિદેશી ચલણ, વિવિધ કંપનીઓના દસ્તાવેજો અને 18 રાજદ્વારી નંબર પ્લેટ પણ મળી આવી છે. આરોપીએ આ બધી વસ્તુઓનો ઉપયોગ પોતાને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વ્યક્તિ તરીકે સાબિત કરવા માટે કર્યો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ કવિનગર પોલીસ સ્ટેશન ગાઝિયાબાદમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. STF એ પણ તપાસ કરી રહી છે કે નાણાકીય વ્યવહારો કયા લોકો સાથે થયા હતા.