SURAT

ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું

સુરતઃ શહેરમાં નકલી ધી, નકલી પનીર જેવી ખાવાની વસ્તુઓ સિવાય નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. અવાર નવાર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી આવી નકલી ચીજ વસ્તુઓ પકડવામાં આવી રહી છે. તેમજ આવા ગોરખધંધાઓના પર્દાફાશ પણ કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન આજે વધુ એક વખત પોલીસ દ્વારા પુણા કેનાલ રોડ પર આવેલા સાશ્વત પ્લાઝામાં આવેલી એક દુકાનમાં દરોડા પાડી નકલી અને હલકી કક્ષાનું મોસ્ચ્યુરાઇઝર ક્રીમ વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ એક શંકાસ્પદ ઈસમની ધરપકડ પણ કરવામાં આવી છે. લાખોની કિંમતની ક્રીમની બોટલો કબ્જે કરવામાં આવી હતી. ઉપયોગ માટે હાનિકારક કહી શકાય તેવી આ ક્રીમની બોટલો અડવા ભાવે ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક જાણીતી કંપનીના લીગલ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવતા બુધવારે તા. 17 ડિસેમ્બરના રોજ પોલીસે પુણા કેનાલ રોડ પર આવેલા સાશ્વત પ્લાઝાના ભીજી મળે આવેલી એક દુકાનમાં દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી શંકાસ્પદ રીતે અશિત દેસાઈ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય પોલીસે સ્થળ પરથી ફેસ ઉપર લગાડવા માટેના મોઈસ્ચરાઈઝર ક્રીમની 800 બોટલો સહીત 3 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે દુકાનની અંદર આ ક્રીમની બોટલ રાખવામાં આવતી હતી. તેમજ ત્યાં બનાવવાની સાથે સાથે તેનું ઓનલાઈન વેચાણ પણ કરવામાં આવી રહ્યું હતું. હલકી ગુણવત્તવાળા ક્રીમને બોટલોમાં ભરીને તેની ઉપર એક જાણીતી કંપનીના નામના સ્ટીકરો લગાડી અડધી કિંમતમાં ઓનલાઈન વેચવામાં આવતું હતું.

એટલુંજ નહી આ રેકેટમાં સામેલ તત્વો દ્વારા આ ક્રીમની બોટલોને ઓરીજનલ કરતા અડધા ભાવમાં વેચવામાં આવતું હતું અને લોકોને છેતરવામાં આવી રહ્યું હતું. આ રેકેટ છેલ્લા લગભગ દોઢ માસથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકાસ્પદ યુવકની અટક કરી છે અને આ સમગ્ર રેકેટ અંગે ઊંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top