Columns

બનાવટી બેન્ડ-બાજા અને બારાત : AI વડે કરોડોની ઠગાઈ

અમુક લોકોની જન્મકુંડળીમાં ઠગ શિરોમણિ બનવાના યોગ બળવાન હોય છે. તેઓ રાખને પણ સોનું બતાવી વેચી શકે છે. સામાન્ય માણસને કોઇ 200 રૂપિયા પણ ઉધાર આપતું નથી અને એક સત્ય હકીકત મુજબ પેરિસના એફિલ ટાવર નજીક ઊભેલા એક માણસે બીજા એક માણસને એ એફિલ ટાવર વેચી નાખ્યો હતો. લોકો લાલચ અને લોભની કેવી કેવી જાળમાં ફસાઈ જાય છે તે આજના ડિજિટલ એરેસ્ટના યુગમાં આપણને સમજાય છે.
મૂળ કર્ણાટકના તિહાર જેલવાસી સુકેશ ચન્દ્રશેખરે મોબાઈલ એપ્લિકેશન અને વોઇસ મોડયુલેશન સોફટવેરનો ઉપયોગ કરી દેશના કાયદા સચિવ અને ગૃહ સચિવની નકલી ID બનાવી, તિહાર જેલમાં બંધ રેનબેકસી દવા કંપનીના માલિક શિવેન્દ્ર સિંહને મુકત કરવા માટે શિવેન્દ્રની પત્ની અદિતિ પાસેથી 200 કરોડ રૂપિયા માગ્યા. અદિતિએ એ સચિવોને મળીને ક્રોસ ચેક પણ ન કર્યું. નકલી કાયદા અને નકલી ગૃહ સચિવના સ્વાંગમાં જે ઠેકાણું ઇંગિત કર્યું ત્યાં પહોંચાડી પણ દીધા. પૂરા 200 કરોડ. કલ્પના કરો.


આ વાત 2020ની છે. જયારથી ડિજિટલ યુગ શરૂ થયો છે ત્યારથી ઠગાઈ, ધોખેબાજી, એકસટોર્શન, બ્લેક મેઇલિંગ, બેન્કોના ઓનલાઈન ખાતાઓમાં સેંધ મારવી, ડિજિટલ એરેસ્ટ વગેરે ગુનાઓનો પણ એક મોટો જુવાળ આવ્યો છે. સિપાહીઓ કરતાં ચોર નવી ટેકનોલોજીના ઉપયોગમાં આગળ રહેતા હતા અને હજી રહે છે. મ્યૂઝિક સ્ટ્રીમિંગ કંપનીઓ સ્પોટીફાય, એપલ મ્યૂઝિક અને અમેઝોન મ્યૂઝિક જેવી જગપ્રસિદ્ધ, ગંજાવર અને ખુદ ટેકનોલોજીના ધંધામાં છે એવી કંપનીઓ સાથે પણ ફ્રોડ થઇ જાય છે.
અમેરિકાના નોર્થ કેરોલાઈન સ્ટેટના વતની માઈકલ સ્મિથ નામના એક તથાકથિત મ્યુઝિશિયન સામે અમેરિકાની સરકારે એક કેસ માંડયો છે. ગયા વરસે આ ઘટના બહાર આવી ત્યારે સંગીતજગત તેમ જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા)નું જગત વિચારે ચડી ગયું. આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. ન્યુયોર્કની અદાલતમાં સરકારી વકીલોએ કેસ માંડ્યો છે તે અનુસાર માઈકલ સ્મિથ અને એના અમુક સાગરીતો AI વડે નવાં નવાં સંગીતની રચનાઓ કરતાં અને સ્પોટીફાય,એપલ મ્યૂઝિક, અમેઝોન, મ્યૂઝિક વગેરે મ્યૂઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર તે રજૂ કરતા. સ્મિથ ટોળીએ એવા સ્વચાલિત બોટની રચના કરી હતી જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર માઈકલ સ્મિથના અલગ અલગ બેન્ડસ દ્વારા રચાયેલ (AI) મ્યૂઝિકની ફરમાઈશ આપોઆપ કરતા રહેતા. તેને કારણે માઇકલ સ્મિથને સાંભળનારાઓની સંખ્યા લાખોમાં પહોંચતી હતી. સૌ જાણે છે કે પ્લેટફોર્મ પર જેટલા ફેન્સ, ફોલોઅર્સ કે વિઝિટર્સ વધુ એટલી વધુ રોયલ્ટીની રકમ કલાકારને મળે પણ અહીં ફેન્સની જગ્યાએ કોમ્પ્યુટર્સના બોટ્સ ગોઠવેલાં હતાં. માઈકલ સ્મિથની ટોળીએ AI વડે લાખો ગીતો અને સંગીત રચીને એ પ્લેટફોર્મ્સ પર વહેતાં મૂકી દીધાં. વળી તેઓ કલાકારોનાં નામ પણ બનાવટી રાખતાં હતાં. આ કરતૂત માટે મોટી સંખ્યામાં બનાવટી ઇમેલ એડ્રેસો અને હજારો નકલી બોટ એકાઉન્ટસ પેદા કર્યાં હતાં. આ સોફટવેરના આધારે અબજો વખત પોતાનાં ગીતો સાંભળવાનો સ્પોટીફાય વગેરેને ઓર્ડર આપ્યો હતો. અનેક વર્ચ્યુઅલ કોમ્પ્યુટર્સ કામે લગાડયાં હતાં.
માઇકલ સ્મિથે પોતે જે કબૂલાત કરી છે તે મુજબ એણે વરસ 2017થી આ છેતરપિંડીની શરૂઆત કરી હતી. એના બોટ અકાઉન્ટસ રોજની લગભગ 6,61,440 સ્ટ્રીમ પેદા કરતા હતા અને બદલામાં એને વાર્ષિક 12,07,128 અમેરિકી ડોલરની રોયલ્ટી મળતી હતી.
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ (કંપનીઓ)ની શરતો મુજબ આ પ્રકારના વર્તન કે ગોઠવણની મનાઈ છે. વળી આ બાબતમાં કંપનીઓ એલર્ટ પણ રહે છે. AI બોટ્સ દ્વારા બનાવટી ફરમાઈશો બાબતમાં કંપનીઓ સંવેદનશીલ એટલા માટે રહે છે કે કંપનીઓએ રોયલ્ટીના રૂપમાં લાખો ડોલર ચૂકવવા પડતાં હોય છે. તે માટે કંપનીઓ અમુક સલામત દીવાલો અથવા સેફગાર્ડસની રચનાઓ કરતી હોય છે. દુરુપયોગની કંપનીઓને ગંધ આવી જતી હોય છે પરંતુ તેઓની આંખોમાં ધૂળ ઝોકવા માટે માઈકલ સ્મિથની ટોળીએ VPN તેમ જ બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ બોટ્સને વ્યાપકપણે અલગ અલગ હજારો ગીતોમાં વહેંચી નાખ્યાં હતાં. છતાં કંપનીઓના, ખાસ કરીને સ્પોટીફાયના કોમ્પ્યુટર નિષ્ણાતોની નજરે એ વાત ચડી કે માઈકલ સ્મિથ કોઇક રમત રમી રહ્યો છે પણ તે જાણવામાં કંપનીઓને સાત વરસનો સમય લાગી ગયો એટલો ડિજીટલી ચતુર અને ચબરાક માઈકલ સ્મિથ હતો. કલાકારોનાં બોગસ નામો સાથે ‘ઝાયગોટિક વોશસ્ટેન્ડસ’, ‘ઝીમોટેક્નિકલ’ જેવાં શીર્ષકથી મ્યૂઝિક સ્ટ્રીમ કરતો અને સંગીતકારોના બેન્ડના બોગસ નામો આપતો, જેમ કે, કેલસ પોસ્ટ, કેલેરી સ્ક્રીમ, કાલ્વિનિક ડસ્ટ વગેરે. આ રીતો વડે સ્મિથે રોયલ્ટીના રૂપમાં એક કરોડ ડોલરથી વધુ રકમ મેળવી હતી. બેન્ડસ અને ફેન્સ બનાવટી હતા પણ ડોલર સાચા હતા.
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ દ્વારા કલાકારો, બેન્ડસ વગેરેને પ્રત્યેક સ્ટ્રીમ દીઠ ખૂબ નજીવી રકમ અપાતી હોય છે. જો કે તે માટેની શરતો અલગ અલગ કલાકારો કે બેન્ડસ માટે અલગ અલગ હોઇ શકે. તેમાં પ્રોડયુસર, લીડ સિંગર, સાઉન્ડ રેકોર્ડિસ્ટ, કવિ અને બીજા કલાકારોમાં રકમ વહેંચાતી હોય છે. તેથી અમુકતમુક ગીતો લાખો કે કરોડો વખત સ્ટ્રીમ થાય, સાંભળવામાં આવે ત્યારે કલાકારોને નોંધપાત્ર માનધન મળતું હોય છે પણ અમુક કિસ્સામાં સાચા ગાયકો અને સંગીતકારોનાં ગીતોને AI વડે ઝડપી કે મંદ ટયુનમાં ફેરવી નખાયા છે. સાથે થોડું કૃત્રિમ સંગીત ઉમેરી દેવાય છે. અમુક ઠગ ટોળીઓ આ રીતે સ્ટ્રીમ કરે તેમાં સાચા કલાકારો, કસબીઓની રોયલ્ટી તેઓ મારી ખાય છે. દુનિયામાં આ પ્રકારનો આ પ્રથમ કેસ ગણાય છે કારણ કે તેની વ્યાપકતા વધુ હતી પરંતુ આ અગાઉ ડેનમાર્કના એક નાગરિકને અન્ય સંગીતકારોના કોપીરાઈટનો ભંગ કરવા બદલ ઉઠાંતરી કરેલું સંગીત પોતાને નામે ચડાવવા તેમ જ સ્ટ્રીમિંગના આંકડા ખોટી રીતે ઊંચે લઇ જવા બદલ 18 મહિનાની જેલની સજા થઇ હતી.
વરસ 2006માં ડેનીઅલ એક નામના ટેકનોલોજીના ખાં યુવાને બીજા અનેક સાથે મળીને સ્વીડનમાં સ્પોટીફાયની સ્થાપના કરી હતી. શરૂશરૂમાં દ્વિધા હતી કે સ્પોટીફાય પર શું શું સ્ટ્રીમ કરવું? પરંતુ મ્યૂઝિક પર વધુ ભાર મુકાયો. કો-ફાઉન્ડર સાથેની ચર્ચામાં ભૂલથી ‘સ્પોટીફાય’ શબ્દ બોલાઈ ગયો અને તેને નામ તરીકે પસંદ કરાયો. આજે સ્પોટીફાયે ખૂબ પ્રગતિ કરી છે. કંપનીની કુલ આવકમાંથી 84 % આવક રેકોર્ડેડ મ્યૂઝિકના સ્ટ્રીમિંગમાંથી મળે છે. કુલ માર્કેટનો 31% હિસ્સો સ્પોટીફાય ધરાવે છે. કોઇ પણ સમયે દુનિયાના 67 કરોડ 50 લાખ લોકો સ્પોટીફાય સાંભળતાં હોય છે. સ્પોટીફાય પાસે મ્યૂઝિકના 10 કરોડ ટ્રેકસ અવેલેબલ છે. ઉપરાંત 65 લાખ પોડકાસ્ટસ અને સાડા ત્રણ લાખ ઓડીઓ બુકસ અવેલેબલ છે. સંગીતના અને બીજા ચાહકો માટે આ મફતમાં મળતો ખજાનો છે.
સ્પોટીફાયે (અને બીજી સ્ટ્રીમિંગ કંપનીઓ) જાણીતા સંગીતકારોના અભિપ્રાય મેળવીને, સ્પોટીફાયના કર્મચારીઓના અનુભવો જાણીને લોકો કયું સંગીત કે પોડકાસ્ટ કયા સમયે, કઇ ઋતુમાં વધારે સાંભળે છે તે માટેનું એક મૂડ મશીન તૈયાર કર્યું છે. જો કે આ હવે નવાઈની વાત રહી નથી. યુટયુબ પર પણ સાંભળનારને પસંદ હોય એવા સંગીતની કે એવા વિષયની ચર્ચાઓ એક સામટી સ્ટ્રીમ થવા માંડે છે. પ્રત્યેક સાંભળનારનો જૂનો ડેટા કંપની પાસે હોય છે.
ડેનીઅલ એકે, કંપની શરૂ કરી ત્યારે એ 22 વરસનો હતો અને ‘સ્ટારડોલ’ નામક એક કોમ્પ્યુટર ગેમ ડેવલપ કરી રહ્યો હતો. એ વખતે એને માર્ટીન લોરેન્ઝન નામનો મૂડી રોકાણકાર મળી ગયો. શરૂશરૂમાં અનેક વિકલ્પો વિચાર્યા અને છેવટે વિગતવાર અભ્યાસ કરાવ્યા બાદ સંગીત પર પસંદગી ઉતારી. સ્વાભાવિકપણે જેમાં વધુ જાહેરખબરો મળે તે પ્રવૃત્તિ પસંદ કરવાની હતી. કંપનીની એક મીટિંગમાં ડેનીઅલ એક બોલ્યા હતા કે કંપનીનો એક જ હરીફ છે અને તે છે શાંતિ. જો શાંતિ છવાઈ જાય તો કંપનીનો ધંધો ન ચાલે માટે લોકો જે કંઇ પણ સાંભળે, પણ તે સાંભળતા હોવા જોઈએ. કમ સે કમ બ્રેકગાઉન્ડમાં કોઇક અવાજ વહેતો હોવો જોઈએ. વરસ 2016માં ડેનીઅલે કહ્યું હતું કે કરોડો લોકો રાત્રે સ્પોટીફાય પર સંગીત સાંભળતાં સાંભળતાં ઊંઘી જાય છે. એક વર્ગમાં યુટયુબ ભલે પોપ્યુલર હોય પણ સંગીતના સ્ટ્રિમિંગ ક્ષેત્રે લગભગ 31%ના હિસ્સા સાથે તે પ્રથમ ક્રમે છે. લગભગ પંદરથી સહેજ ઓછા ટકા સાથે ટેન્સેન્ટ મ્યુઝિક બીજા સ્થાને, લગભગ 12% સાથે એપલ મ્યુઝિક, 11% સાથે એમેઝોન અને 10%ની નજીક સાથે યુટયુબ ચોથા સ્થાને છે.
સ્પોટીફાયના પોતાના મ્યુઝિક કયુરેટરો અને સંગીતકારો છે. તેઓ ચિલ મોર્નિંગ મિકસ, લો-ફાય બીટસ જેવી ધૂનોની હારમાળા રચી રજૂ કરતાં રહે છે. ઘણાને ગીત-સંગીતની પોતપોતાની પસંદ હોય છે અને ઘણા સ્પોટીફાય પોતાની રીતે પ્લેલિસ્ટ તૈયાર કરી, સંગીત પીરસે તેમાં આનંદ માણતાં હોય છે. પોતાની રીતે સંગીત રચનાઓ યોજીને રજૂ કરવામાં કંપનીના ખર્ચમાં ઘટાડો થાય છે. રોયલ્ટી ચૂકવવી પડતી નથી. આજે તો AI વડે જથ્થાબંધ સંગીતનું સર્જન થઇ શકે છે તો બીજાઓને શા માટે રોયલ્ટી ચૂકવવી? AIને કારણે કલા અને કલાકારોની કિંમત ઘટતી જશે. અસંખ્ય માત્રામાં સંગીત તત્કાળ પ્રાપ્ત થાય છે તેથી લોકો એક ટ્રેક અમુક સેકન્ડ સાંભળી ન સાંભળી, તેને સ્કીપ કરે છે. આથી સ્પોટીફાયની શરત રહે છે કે જે ટ્રેક 30 સેકન્ડ કે તેથી વધુ સમય સાંભળવામાં આવે તેને જ રોયલ્ટી માટે લાયક ગણવામાં આવશે. મ્યુઝિકના એક સ્ટ્રીમ બદલ 0.0035 ડોલરની નજીવી રકમ ચૂકવાય છે. તેને પાઇ અથવા પેન્સમાં બોલવી હોય તો પણ મુશ્કેલ પડે. સમજો કે એક હજાર રૂપિયામાં અડસટ્ટે ત્રણ પૈસા
પણ અહીં ટીપે ટીપે સરોવર ભરાય. વાસ્તવમાં સ્પોટીફાય પરના ટ્રેકસમાં વરસે હજારથી પણ ઓછો વખત સંભળાતા હોય તેવા 86% ટ્રેક છે. મતલબ કે કંપની કુલમાંથી માત્ર 14 % માટે રોયલ્ટી ચૂકવે છે.આ નીતિ એક રીતે સાંભળનારાઓ માટે પણ સારી છે. લોકો આડેધડ ફાલતું, ઢંગધડા વગરનું સંગીત ઘૂસાડતા અટકશે. આજના સંગીતમાં પણ ટેકનોલોજી ઘૂસી ગઇ છે. એ મધુરતા કયાં છે? કુછ દિલને કહા? કુછ ભી નહીં. ઐસે ભી (મૌન રહી)ને બાતે હોતી હૈ…. સ્પોટીફાય વગર ઘોંઘાટ ઓછો હતો.

Most Popular

To Top