Charchapatra

ધર્મપ્રેમી સુરતીઓની આસ્થા ‘અધિક માસ’

હિંદુ કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે વધારાનો મહિનો આવે છે, જે અધિક માસ તરીકે ઓળખાય છે.અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.અધિક માસમાં શુભ કાર્યો થતાં  નથી. આ મહિનામાં ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. અધિક માસમાં દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. અધિક માસમાં સુરતીઓ ધાર્મિક બની જતાં હોય છે. પહેલાં તાપી નદી બે કાંઠે વહેતી હતી ત્યારે તાપી કિનારે સુરતીઓ સ્નાન કરવા જતાં. તાપીના ઓવારે માનવ મહેરામણ ઉમટી પડતો.તાપી ઓવારે કાંઠા ગોર બેસતા હતા ત્યાં પૂજા પાઠ થાય અને દાન પુણ્ય કરવામાં આવતું, તાપી કિનારે બેસતા જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરી પુણ્ય કમાતા. તાપીમાં ઓછા પાણીના કારણે સ્નાનનો મહિમા ઓછો થયો છે.

આખો મહિનો શેરી શેરીએ અધિક માસની કથા બેસતી,બ્રાહ્મણો દ્વારા કથાનું વાંચન કરવામાં આવતું અને યજમાનો દ્વારા સીધું આપવામાં આવે. હજુ પણ સુરતીઓ અધિક માસમાં બેન ભાણેજો માટે જમણવાર યોજે છે જેમાં માલપુઆ અને દૂધપાક અથવા લાડુનું જમણ હોય છે.આ પ્રસંગે સંયુક્ત પરિવારના નાના મોટા ભાણેજોને એક બીજાને મળવાનો લ્હાવો મળે છે.અધિક માસમાં સુરતીઓ એક વાર ડાકોરના રણછોડરાયનાં દર્શને અચૂક જાય છે. અધિક માસમાં સુરતીઓને ત્યાં બિનશાકાહારી ભોજન બનાવવામાં આવતું નથી.આ મહિનામાં સાત્ત્વિક ભોજન બને છે. ઘણાં સુરતીઓ એક ટાણું કરે છે. મગ અને રોટલી ખાઈને અધિક માસનું વ્રત પણ ઘણાં લોકો દ્વારા કરવામાં આવે છે. રાધા પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસી ચઢાવવામાં આવે છે. સુરતમાં તાપી માતાની મહેર છે. ‘અધિક માસમાં દુકાળ’ કહેવતને સુરતીઓને લાગતું વળગતું નથી.’અધિકસ્ય અધિકમ ફલમ’ માં આસ્થા ધરાવે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સત્ય અને અહિંસાથી મળેલી આઝાદીની કદર કરો છો?
બસો વર્ષનાં અંગ્રેજોના શાસનને ભારતમાંથી હટાવવા સુકલકડી, એક પોતડીધારી મોહનચંદ કરમચંદ ગાંધીએ સત્ય અને અહિંસાના સિધ્ધાંત અને જરૂરત પડે તો અન્નત્યાગ કરી ભારત દેશમાં દેશ પ્રત્યે પ્રેમ અને લાગણી જગાવી, જેને અંગ્રેજોએ અનેક હિંસા અને શસ્ત્રોનો ઉપયોગ કર્યા છેવટે સત્ય અને અહિંસાનો વિજય થયો. ભારત દેશ આઝાદ થયો સ્વતંત્ર થયો તેમાં અનેક દેશપ્રેમી શહીદ થયા. જેને દેશદાઝ હતી. સ્વતંત્રતાની સાથે જ ભારત બિનસાંપ્રદાયિક દેશ તરીકે જાહેર થયો, વર્ષો વિત્યાં. શું આપણે સત્ય અને અહિંસાનું સાતત્ય જાળવી રહ્યા છીએ?! બિનસાંપ્રદાયિકતાને ઉજાગર કરી રહ્યા છીએ. શું આપણને દેશ માટે શહીદ થયેલાની કુરબાનીની જરાય દરકાર છે ખરી?! દિલ પર હાથ રાખી કહી શકો ખરા કે અમે દેશ પ્રત્યે વફાદાર છીએ?
અમરોલી          – બળવંત ટેલર

Most Popular

To Top