સુરત: (Surat) શહેરના જાણીતા રાજહંસ (Rajhansh) અને બાદમાં રાજગ્રીન (RajGreen) ગ્રુપના બિલ્ડર (Builder) સંજય મોવલિયા (Sanjay Movaliya) અને મનોજ મોવલિયા (Manoj Movaliya) સહિતના દ્વારા સરકારી બેંકમાંથી (Bank) કરોડો રૂપિયાની લોન (Loan) લીધા બાદ તેમની પેઢી રાજહંસ ઈન્ફ્રાબિલ્ટ એલએલપી (Rajhansh Infrabuilt LLP) કાચી પડતાં આજે કલેકટર (Collector) દ્વારા પેઢીની અડાજણ ખાતેની કરોડો રૂપિયાની મિલ્કત જપ્ત (Property Sized ) કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. કલેકટરના આકરા તેવરને લઇને બેક લોન ભરવામાં અખાડા કરતા સુરતના વિવિધ રિઅલ એસ્ટટે ડેવલપર ગૃપમાં હડકંપ મચી જવા પામ્યો છે.
જાણીતા બિલ્ડર સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિત પરિવારજનોએ રાજહંસ ઈન્ફ્રાબિલ્ટ એલએલપી કંપનીના નામે સને 2019માં બેંક ઓફ બરોડામાંથી કન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ માટે 84.95 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, આ લોન ભરપાઈ કરવામાં આ કંપની ધરાર નિષ્ફળ નિવડતાં બેંક દ્વારા 2020માં એનપીએની કાર્યવાહી હાથ ધરીને નોટિસો (Notice) પાઠવવામાં આવી હતી. આમ છતાં કંપની (Company) દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન સાંપડતા અંગે બેંક દ્વારા કંપનીની મિલ્કત પર કબ્જો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં અંતે આજે જિલ્લા કલેકટર દ્વારા રાજહંસ ગ્રુપની અડાજણ ખાતે આવેલ મિલ્કતને જપ્ત કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે આજે સરફેસી એક્ટ 2002ની કલમ 14 હેઠળ બેંક ઓફ બરોડાને (Bank Of Baroda) મિલકતનો ફીઝિકલ કબ્જો સોંપવાનો હુકમ કર્યો હતો. જિલ્લા કલેકટરે અડાજણમાં આવેલી મિલકત એફ.પી 133 બ્લોક નં. 333 રેવન્યુ સર્વે નં. 36/+416 નો કબ્જો લેવા હુકમ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ડેવલપરની બીજી બે ત્રણ બેંકોમાં પણ કેસ ચાલી રહ્યા છે.
રૂપિયા 84.95 કરોડમાંથી 79.42 કરોડની લોન બાકી
એક સમયે સુરત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન મેળવનાર રાજહંસ ગ્રુપના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા દ્વારા સને 2019માં બેંક ઓફ બરોડમાંથી કન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ માટે 84.95 કરોડની લોન મેળવવામાં આવી હતી. અલબત્ત, લોન મેળવ્યા બાદ કંપની બેંકમાં નિયમિત રીતે હપ્તા ભરવામાં નિષ્ફળ નીવડતાં બેંક દ્વારા એક વર્ષમાં જ કંપની વિરૂદ્ધ એન.પી.એ.ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેંકમાં અત્યાર સુધીમાં વ્યાજ સાથે માત્ર 5.53 કરોડ રૂપિયાની રકમ જ જમા કરાવવામાં આવી છે. બિલ્ડર જૂથ કાચું પડતા આખરે નાછૂટકે કંપનીની મિલ્કત જપ્ત કરવા માટે બેંકના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બે બેંકોના રૂપિયા પણ ડુબવાની ચર્ચા
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રાજહંસ ગ્રુપના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા દ્વારા શહેરની અન્ય બે અગ્રણી બેંકોમાંથી પણ કરોડો રૂપિયાની લોન મેળવવામાં આવી છે અને તેની ચૂકવણી કરવામાં અત્યાર સુધી તેઓ નિષ્ફળ નીવડ્યા છે. આ સંદર્ભે આ બેંકો દ્વારા પણ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.