સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી(vnsgu)ની ઓનલાઇન(Online) પરીક્ષા(Exam)માં ફરી છબરડાની બૂમ ઉઠી છે. આજે બી.એસસી કોમ્પ્યુટર સાયન્સની સેમેસ્ટર-૪ની ઓનલાઇન પરીક્ષામાં બીજા જ વિષયનું પેપર અપલોડ થઈ ગયું હતું.
- નર્મદ યુનિ.ની કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં સેમેસ્ટર-૩નું પ્રશ્નપત્ર અપાયું
- પરીક્ષા ૧૨.૩૦ વાગ્યાને બદલે બે વાગ્યા પછી શરૂ થઈ
હાઈટેક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ટેકનિકલ ભૂલ થઈ હતી. પરીક્ષાઓમાં છબરડાની વણઝારમાં આજે બી.એસસી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-૪ ની ઓનલાઇન પરીક્ષાનું નામ પણ ઉમેરાઇ ગયું છે. આજે ૧૨.૩૦ વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. જે વિષયની પરીક્ષા હતી તેની તૈયારી કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં સજ્જ થઇને બેસી ગયા હતા. પરંતુ બિઝનેસ સિસ્ટમ વિષયને બદલે સેમેસ્ટર-૩નું આઈ.ડી.એસ વિષયનું પ્રશ્નપત્ર આવ્યું હતું. જેના કારણે ચોંકી ગયેલા વિદ્યાર્થીઓએ આ અંગે યુનિવર્સિટી તંત્રને જાણ કરી હતી. આવા અણધાર્યા બનાવથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
એજન્સી સાથે સંપર્ક કરીને પ્રશ્નપત્ર અપલોડ કરાવ્યું
યુનિવર્સિટી તંત્રએ ઓનલાઇન પરીક્ષા લેતી એજન્સી સાથે સંપર્ક કરીને બિઝનેસ સિસ્ટમ વિષયનું પ્રશ્નપત્ર અપલોડ કરાવ્યું હતું. પરીક્ષા ૧૨.૩૦ વાગ્યાને બદલે બે વાગ્યા પછી શરૂ થઈ હતી. જોકે હવે શિક્ષણતંત્ર રાબેતા મુજબ રહ્યું છે. તેવા સંજોગોમાં યુનિ.કયા કારણોસર ઓનલાઇન પરીક્ષાઓનો મોહ રાખે છે. તે સમજાતુ નથી. તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડની રાજય લેવલની પરીક્ષાઓ પણ ઓફલાઇન લેવાઇ હતી. આ પરીક્ષામાં પંદર લાખથી વધુ ઉમેદવારો બેઠા હતા. આગામી સપ્તાહથી સેન્ટ્રલ બોર્ડની રાષ્ટ્રીય સ્તરીય પરીક્ષા યોજાનાર છે. તેવા સંજોગોમાં યુનિ.એ પણ હવે ઓફલાઇન પરીક્ષા અંગે વિચારવુ જોઇએ.
આગામી વર્ષથી યુનિવર્સિટીની ટ્યુશન ફીમાં 10 ટકા વધારો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની આજરોજ બેઠક યોજાઇ હતી. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવનાર બ્રોશર, પ્રોસ્પેકટસ માહિતીમાં નાણા સમિતિ અને સિન્ડિકેટના ઠરાવ મુજબ લાગુ કરવાની થતી ફી અંગે વિચારણા કરવામાં આવી હતી.
નાણાં સમિતિની સભાની ભલામણ મુજબ ટ્યુશન ફીમાં અન્ય તમામ હેડને ઉમેરી ટ્યુશન ફી તરીકેનો એક જ હેડ રાખવો. આ હેડમાંથી ડેવલોપમેન્ટ ફંડ યુનિવર્સિટીને ચૂકવવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી એફ.આર.સી. દ્વારા નવુ ફી માળખું લાગુ ન પડે ત્યાં સુધી, તમામ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં (જયાં એપેક્ષ બોડીના નિયમો અને ફી સ્ટ્રકચર લાગુ પડતા નહીં હોય તેવા સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં) વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવર્તમાન ટ્યુશન ફીના ૧૦ ટકા, પ્રવર્તમાન ટયુશન ફીમાં ઉમેરી ટ્યુશન ફી ગણતરીમાં લેવાની રહેશે. વધુમાં આ વ્યવસ્થા ક્રમશઃ પ્રથમ વર્ષથી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માટે પ્રત્યેક વર્ષની પ્રવર્તમાન ટ્યુશન ફીમાં ૧૦ ટકા મુજબ આગામી ત્રણ શૈક્ષણિક વર્ષ સુધી વધારવાપાત્ર રહેશે. પ્રવર્તમાન દ્વિતીય અને તૃતીય વર્ષના જે વિદ્યાર્થીઓ પાસેથી જે સંસ્થાઓએ વધારાની ડેવલોપમેન્ટ ફી ટ્યુશન ફીમાં ઉમેરી લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને જે તે સંસ્થાઓએ પરત ચૂકવવાની રહેશે.