Comments

ફાટ ફાટ ફાગણ આયો…!

સુરેશ દલાલ સાહેબની રચના….
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ!
માંગણ-નાગણ-નાચણ જેવા શબ્દો કાને પડે ત્યારે, માથે હથોડા ઝીંકાતા હોય એવું તો લાગે, પણ એ રહ્યા આપણા  સહવાસી ને સહયોગી. બાકી, ફાગણ શબ્દ પડે એટલે સાફામાં કેસુડાનું ફૂલ નાંખ્યું હોય ને જીવવાનું પણ મઘમઘ થવા લાગે એનું નામ ફાગણ..! ચારેય બાજુ કેસુડાના પાયે ઋતુ બેઠી હોય એમ, ફાગણ  જુવાનજોધ  ફૂટડો યુવાન લાગવા માંડે. દરેકના દિલમાં એક તાજમહાલ છે, એવી અનુભૂતિ થવા માંડે.  ફાગણનો પ્રભાવ જ એવો કે, જેને બારાખડીના બાર અક્ષર ના આવડતા હોય, એ પણ હોળી-ધુળેટીનાં ગીત લખીને ‘કવિરાજ’ તરીકે પ્રગટ  થવા માંડે.

ફાગણનો નજારો જ એવો કે, વૃક્ષે-વૃક્ષે નહિ, ડાળીએ-ડાળીએ નહિ, પણ પાંદડે-પાંદડે ઈશ્વર  સમાધિષ્ઠ થઈને બેઠા હોય એવું લાગે. ચશ્માના નંબર પણ ઊતરી જાય, એવી એની રંગીન પ્રકૃતિ..! કાવ કાવ કરતી કાગડીનો અવાજ પણ  કળાયેલ ઢેલના રણકાર જેવો લાગે..! ને કાગડા કેકારવ કરતાં હોય એવું સંભળાય..! ચીમળાવા આવેલા દિલમાં પણ, વસંતનું રોપાણ થતું હોય એવું લાગે..! એવો વાસંતી વાયરો ભરાય કે, જે મળે એને ‘હાઈઇઇ’  કહીને એનું હૈયું ભીજવી નાંખે.  

ઘરવાળી ભલે મણીબેન જેવી લાગતી હોય, તે પણ ‘મોનાલીસા’ દેખાવા માંડે. (એની જાતને, વધારે પડતું તો લખાઈ ગયું નથી ને..?સાલું થાય જ એવું..! ફાગણનો ફાગ છૂટે એટલે, હૈયું હાથમાં નહિ રહે તો શબ્દો ક્યાંથી માપમાં રહે..? )  સાવ નાસ્તિકને પણ કુદરતને ભેટવાની ઈચ્છા થઇ આવે એનું નામ ફાગણ..! આ બધી  કુદરતની કમાલ છે મામૂ..! ફાગણ આવે એટલે કુદરત  ઉદાર બની જાય. એવો રીઝે કે, ફાટ ફાટ ફાગણની ભેટ આપીને ઉપકારક બની જાય. રીઝે તો  પ્રયાગરાજમાં ડૂબકી લગાવવાના શકુન આપે ને વિફરે તો ધોળે દિવસે તારા પણ બતાવે..!

ફેબ્રુઆરી અને માર્ચ એટલે, ફાગણને પાંગરવાનો મહિનો. જેને અંગ્રેજી કેલેન્ડર જોવાની આદત છે, એને ફાગણ-ચઈતર કે વૈશાખની જાહોજલાલી નહિ સમજાય. ફાગણમાં તો અનેક સૌંદર્યવાન તહેવારોનો આવિષ્કાર છે..! ફેબ્રુઆરી અને માર્ચ એ ફાગણના બંને વિશ્વાસુ પાડોશી છે. ફેબ્રુઆરીમાં પ્રેમના ભરચક તહેવારો આપીને, યુવાનોને એવા રંગા ખુશ રાખે કે, પ્રેમાંધ બનીને યુવાનો બહારવટિયા (બહાર વટ પાડવાવાળા) બની જાય.! ‘રમશો’ રાજકપૂરના વ્હેમમાં, કેસુડાના ઝાડવે ચઢી છોડિયાફાડ રાગડા તાણવા માંડે કે, “પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ પ્યારસે ફિર કયું ડરતા હે દિલ..!’ 

એના કપાળમાં કાંદા ફોડું, Rose day તો એક જ દિવસનો હોય, પણ એ દિવસે એવો લબળ-ફફળ થઇ જાય કે, પાંગરેલો  પ્રેમ, છેડા-ગાંઠીએ  જઈને અટકે. પછી આખી જિંદગી અવતારનો ‘બોજ-day’ ઉજવે..!  એમાં બે-ચાર બચ્ચાનો આસામી થયો  એટલે ખલ્લાસ..! રોઝ-day-પ્રપોઝ-day-ટેડીબેર-day-પ્રોમિસ-day-કીસ-dayનું એવું ઉલાળિયું થઇ જાય કે, આખી જિંદગી“ડીમાન્ડ-day”  જ ઉજવવાનો..! એવી એવી ડીમાન્ડ આવે કે,  બિચારો ઊંઘમાં લવારે ચઢી જાય કે, મને ઊંઘવા-day, જીવવા-day, એકલો પડી રહેવા-day ને શાંતિથી મરવા-day..! વગેરે..વગેરે ! પહેલાં ફાગણ ફાટે ને પછી એ ફાટે..!.

દોસ્ત…! રાત અને ઋતુ ગમે એટલી રળિયામણી હોય, પણ ઉભરો આવે ત્યાં સુધી જ ‘સોજ્જું-સોજ્જું’ લાગે. જેવા ઉભરા પૂરા થાય, એટલે કાનમાં મધમાખી માળો બાંધવા માંડે. કોણ   સમજાવે કે, ઉદય અને અસ્તાચલમાં સુરજ જેટલો રળિયામણો લાગે, એટલો મધ્યાહ્ને લાગતો નથી. એવી ગરમી છોડે કે, શરીરે જજેલા પડવા માંડે..! કુદરતના ખેલ છે મામૂ..! પ્રેમ ભલે આંધળો હોય, પણ સહનશીલતા આંધળી બનતી નથી. કુદરતના ઘાત-આઘાત ને પ્રત્યાઘાતના અગનખેલ તો જાતે જ સહેવાના આવે..! તંઈઈઈઈ..!

પ્રેમ ભૂખ્યાઓને ડરાવવાની  મારી કોઈ મુરાદ નથી, આ તો મારી વીતક કથા છે મામૂ..! ફાગણિયો અભિષેક જ એવો કે, જીવ લેવા આવેલા યમરાજને પણ ભાંગડા કરવાની મસ્તી જાગે અને જીવ લેવાનું ભૂલી જાય..! તોફાને ચઢેલું છોકરું રમકડું મળતાં, જેમ હરખઘેલું થઇ  જાય, એમ ફાગણની લપેટમાં આવેલાને, સામેવાળા(ળી)નાં દિલમાં જ લયલા-મજનુના ચકરડા દેખાવા માંડે..!  વેન્ટીલેટરમાં તાણી બાંધેલા દર્દીમાં પણ પ્રાણનો સંચાર થવા માંડે..! નાથિયો ‘નિકોલસ’ બની જાય..! 

પેટછૂટી વાત કરું તો, ફાગણ નખરાળી વહુ જેવો છે. એ નખરો કરે તો જ ચિત્તને શાંતિ વળે. નહિ કરે તો સુરસુરિયા જેવો લાગે. ફાગણની ફોરમ જ એવી કે, બરડામાં બરફ ભરાઈ ગયો હોય, એવી ગુદ્ગુદી થવા માંડે. ઝાડવે-ઝાડવે ફાટ-ફાટ થતો કેસુડો જોઇને, મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી જાય. સારું છે કે, ઘોર તપસ્યા કર્યા વિના ફાગણની ફોરમ મફતમાં અને ફાટ ફાટ મળે છે. ફાગણ નશીલો છે. એની પ્રકૃતિ ‘ગર્લફ્રેન્ડ’ જેવી છે. સમય આવે ત્યારે જ ખીલે..! ફાગણ એટલે મોજનો મહિનો. એટલે તો દેવોના દેવ મહાદેવ પણ મહાશિવરાત્રીએ ફાગણની સાક્ષીમાં આવે. જેમાં રંગ છે, વ્યંગ છે, મસ્તી છે, બહાર છે, ને પ્રીયાંસ-પ્રિયંકાના ઉમળકા છે, ત્યાં ફાગણ ફાટ ફાટ કરતો પ્રગટ થાય છે…!

લાસ્ટ બોલ
ચંચીએ પુત્રને પરીક્ષા માટે આપેલી આખરી સૂચના :
આવતી કાલથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે ચંપુ…! કાપલા લઈ જાય એનો વાંધો નહિ, પણ ખિસ્સામાંથી કાપલા કાઢતી વખતે પકડાઈ જવો જોઈએ નહિ. મારી અને તારા પપ્પાની ઈજ્જત જશે. તને ખબર છે કે, તારા પપ્પા શિક્ષણ બોર્ડના ચેરમેન છે. એને નીચું જોવાનું નહિ આવે એની કાળજી રાખજે બેટા..! 
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top