મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન ‘બટેંગે તો કટંગે’ ના નારા પર એકબીજામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. એનસીપીના વડા અજિત પવારે આનો ખુલ્લેઆમ વિરોધ કરતા ભાજપના નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અજિત પવાર દાયકાઓ સુધી હિંદુ વિરોધી વિચારધારા સાથે રહ્યા હતા તેથી તેમને સમજવામાં સમય લાગશે.
નોંધનીય છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલ ‘બટેંગે તો કટંગે’નું સૂત્ર આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ તેને તરત જ ઉઠાવી લીધો છે. જો કે NDA ગઠબંધન સાથે ભાજપના કેટલાક નેતાઓએ ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ સૂત્ર સાથે અસંમતિ વ્યક્ત કરી છે.
દરમિયાન ફડણવીસે અજિત પવારના સૂત્રોચ્ચારના વિરોધ પર પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે કહ્યું કે અજિત પવારને જનતાનો મૂડ સમજવામાં સમય લાગશે, કારણ કે તેઓ લાંબા સમયથી હિન્દુ વિરોધી વિચારધારા સાથે જોડાયેલા છે. ફડણવીસે કહ્યું કે દશકોથી અજિત પવાર ધર્મનિરપેક્ષ અને હિંદુ વિરોધી વિચારધારાઓ સાથે છે. પોતાને બિનસાંપ્રદાયિક ગણાવનારાઓમાં વાસ્તવિક ધર્મનિરપેક્ષતા નથી. તેઓ એવા લોકો સાથે રહ્યા છે જેમના માટે હિન્દુત્વનો વિરોધ કરવો એ બિનસાંપ્રદાયિકતા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે માટે ભાજપના દરવાજા બંધ છે. મહારાષ્ટ્રમાં પાર્ટી ભવિષ્યમાં તેમની સાથે નહીં જાય. શિંદેને સીએમ બનાવવા વિશે મને પહેલેથી જ ખબર હતી. હું મુખ્યમંત્રી કે અધ્યક્ષ કોઈપણ રેસમાં નથી.
ફડણવીસે કહ્યું કે NCP (SP) ચીફ શરદ પવાર પરિવાર અને પાર્ટીને તોડવામાં નિષ્ણાત છે. એનસીપી અને શિવસેના તેમની વધુ પડતી મહત્વાકાંક્ષાઓને કારણે તૂટી પડ્યા. ઉદ્ધવ સીએમ બનવા માંગતા હતા તેથી તેમણે અમારી સાથે નાતો તોડી નાખ્યો. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ આદિત્ય ઠાકરેને આગળ લાવવા માંગતા હતા તેથી તેમણે એકનાથ શિંદેને સફોકેટ કરવાના પ્રયાસ કર્યા. બટેંગે તો કટંગે ના નારા અને ભાજપમાં વિપક્ષની મહાયુતિ પર તેમણે કહ્યું કે મને યોગીજીના નારામાં કંઈ ખોટું નથી લાગતું. આ દેશનો ઈતિહાસ જુઓ, જ્યારે પણ આ દેશ જાતિ, પ્રાંત અને સમુદાયમાં વહેંચાયો છે ત્યારે આ દેશ ગુલામ બન્યો છે.