સુરત શહેરનો કોટ વિસ્તાર જેને તળ સુરત કે મૂળ સુરત પણ કહેવાય છે તે આજે ઉપેક્ષિત છે. કોટ વિસ્તારમાં શહેરની અનેક યાદો સમાયેલ છે. જેમ કે ગાંધીબાગ જ્યાં વર્ષો પૂર્વે શહેરનાં પ્રબુધ્ધ નાગરિકો ભેગાં થઇ વિચારવિમર્શ કરતાં. રંગઉપવન જેણે અનેક કલાકારો જોયાં છે. ભાગળનું લાલ ક્લોક ટાવર, સુરતનું ભૂલેશ્વર એટલે ચૌટાબજાર, પ્રત્યેક સુરતીની આસ્થાનું પ્રતીક પ્રાચીન અંબાજી મંદિર, સૌથી જૂની ચોર્યાસી ડેરી અને સાયકલ ઉપર હોર્ન વગાડી આવતા તેના ફેરિયાઓ સુરતની આન બાન અને શાન હોપપુલ સ્થાપત્યનો બેમિસાલ નમૂનો કિલ્લો, રૂખમાભાઇ અને ભટ્ટની હોસ્પિટલ, જેશંકર ભજીયાવાળા, કવિ નર્મદનું મકાન, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર સાહિત્ય સંગમ.
શહેરનાં અનેક નાટ્ય કલાકારો અને સંગીતકારો પણ કોટ વિસ્તારની જ દેણ છે. પણ અફસોસ અહીંનાં વર્ષો જૂનાં રહેવાસી હવે રીતસરની હિજરત કરી બીજે રહેવા જવા માંડ્યા છે. છાશવારે થતું ખોદકામ અને પાણીકાપ આ બધાથી લોકો ત્રાહિમામ છે, મેટ્રોની મંથર ગતિની કામગીરીથી વેપારધંધા પડી ભાંગ્યા છે. અશાંત ધારાના અમલીકરણમાં સરકારી તંત્રની અણઘડ નીતિને લઇને હિંદુઓનાં ઘરો વેચાતાં નથી અને બંધ પડ્યાં છે અને પોતાની સલામતી માટે આ વિસ્તાર છોડવાની ફરજ પડી છે. ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો, ધારાસભ્યો અને નગરસેવકો શહેરના કોટ વિસ્તાર માટે સદંતર દુર્લક્ષ સેવી રહ્યા છે એ અત્યંત દુ:ખદ વાત છે અને છેલ્લે 22 વર્ષ ગોપીપુરામાં રહ્યા બાદ મારે પણ હિજરત કરવાની ફરજ પડી છે.
સુરત – ભાર્ગવ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે