પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના વરેલી ગામે વી.ટી. પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં ગત વર્ષે આગના (Fire) બનાવમાં બે કામદારનાં મોત (Death) નીપજ્યાં હતાં. ત્યારબાદ સુડાએ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. જેમાં કોઇ અજાણ્યા ઇસમો સુડાનું સીલ તોડી ૩.૪૫ લાખની મત્તાની ચોરી (Stealing) કરી નાસી જતાં આ અંગે ફેક્ટરીના સંચાલકે કડોદરા પોલીસમથકે (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા જકાતનાકા ખાતે રહેતા શૈલેષ વિનુભાઇ ઝાગાણી (ઉં.વ.૩૨)એ પલસાણાના વરેલી ગામે તુલસીપત્ર એમ્બ્રોઇડરી પાર્કમાં પ્લોટ નં.૧,૨,૩માં ચાર માળનું બિલ્ડિંગ બનાવી વી.ટી. પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં બેગો બનાવી તેનું વેચાણ કરવાનો ધંધો ચાલુ કર્યો હતો. ત્યારે ગત તા.૧૮-૧૦-૨૦૨૧ના રોજ અચાનક ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં બે કામદારનાં મોત નીપજ્યાં હતાં. જેને લઇ સુડા દ્વારા ફેક્ટરીના બીજા ત્રીજા અને ચોથા માળે સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યારે ફેક્ટરીના સંચાલક અવારનવાર તેઓની ફેક્ટરીએ જોવા માટે આવતા હતા.
દરમિયાન તેમણે તેમની ફેક્ટરી પર મારેલાં સુડાનાં સીલ તૂટેલી હાલતમાં જોયાં હતા. અને દરવાજો પણ ખુલ્લો હતો. જેને લઇ તેમણે અંદર જઇ તપાસ કરતાં સિલાઇ મશીન નંગ ૫૦, જનરેટરની બેટરી નંગ-૨, આરો પ્લાન્ટની મોટર નંગ-૨, બિલ્ડિંગના નળ તેમજ ફુવારા, રસોડાનાં વાસણો, વાયરિંગ તેમજ લોખંડનો સામાન, પાણીની મોટર નંગ-૨, ૫૪ ઇંચનું ટીવી નંગ-૧, સ્ટેબિલાઇઝરની કોઇલ નંગ-૧૨, પંખા નંગ-૮, લોખંડની ગ્રીલ ૨૪૨ કિલો મળી કુલ ૩,૪૫,૫૦૦ રૂપિયાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. પરંતુ જે-તે સમયે કુટુંબમાં લગ્નપ્રસંગ હોવાથી મંગળવારે તેમણે આ અંગે કડોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચમાં પુત્રીના ઘરે જતી માતાના ગળામાંથી ચેઈન તોડી ગઠિયો ફરાર
ભરૂચ: વાગરાના કલમ ગામના પરમાર ફળિયામાં રહેતાં અંબાબેન માથુર વાઘેલા ગત સોમવારે ભરૂચ શહેરમાં આવેલા ઉન્નતિનગર સોસાયટીમાં રહેતી પોતાની પુત્રી પુષ્પાબેનના ઘરે આવી રહ્યાં હતાં. દરમિયાન શક્તિનાથથી મામલતદાર કચેરી સામેથી ચાલતા-ચાલતા જતાં હતાં. જેઓ ઉન્નતિનગર સોસાયટીમાં ચાર-પાંચ મકાન દૂર હતાં, એ સમયે પાછળથી આવેલા અજાણ્યા ઇસમે મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો, એ વેળા મહિલાએ બૂમરાણ મચાવતાં સોસાયટીના રહીશો એકઠા થઇ ગયા હતા અને ચેઈન તોડી ભાગી રહ્યો હતો તેને પકડવા જતાં તે નજીકમાં મૂકેલી બાઈક લઇ ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.