Comments

ચીનની ફેક્ટરીઓ ફરીથી બંધ થઈ રહી છે – પણ આ વખતે કોવિડને કારણે નહીં

શાંઘાઈમાં વ્યાપક કોવિડ લોકડાઉનને કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ અને ઉત્પાદકોને કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. હજુ પરિસ્થિતિ માંડ થાળે પડી હતી ત્યાં ચીનમાં ફરી ફેક્ટરી શટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે કારણભૂત કોરોના વાયરસ નથી, પરંતુ યાંગ્ત્ઝે નદીના તટ પ્રદેશની આસપાસ ચીનના દક્ષિણ પ્રાંતમાં તીવ્ર હીટવેવ અને દુષ્કાળ છે. બંધમાં પાણીનું સ્તર ઘટી રહ્યું હોવાથી હાઇડ્રોપાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન અટકી ગયું છે અને સામે હીટ વેવને કારણે એર કન્ડીશનીંગની માંગ વધી રહી છે.

પાવર આઉટેજને રોકવા માટે, સિચુઆન પ્રાંતમાં ઊર્જાની લગભગ ૮૦ ટકા જરૂરિયાત માટે હાઇડ્રો પાવર પર નિર્ભર ફેક્ટરીઓને કામગીરી અટકાવવાનો આદેશ અપાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે શાંઘાઈ અને નજીકના કુનશાનમાં આ વર્ષની શરૂઆતમાં જે કોવિડ લોકડાઉન લાગુ કરાયું હતું તેવી જ અસર આ શટડાઉનથી થશે. કારણ કે કોવિડ-સંબંધિત ફેક્ટરી શટડાઉન સૈદ્ધાંતિક રીતે એવા વિસ્તારોમાં કરાય છે જ્યાં ચેપ વધુ હોય છે અને ક્લોઝલૂપ પરિસ્થિતિ હેઠળ કામગીરી ધીમે ધીમે ફરી શરૂ થઈ શકે છે, પણ પાવરની અછતની અસરો વધુ વ્યાપક હોય છે.

કેટલાક મોટા ઉત્પાદકો કે જેમણે સિચુઆનમાં કામગીરી અટકાવવી પડી છે તેમાં જાપાની કારનિર્માતા ટોયોટા અને ચાઈનીઝ લિથિયમ બેટરી જાયન્ટ CATLનો સમાવેશ થાય છે. કાચા માલની મુખ્ય કંપનીઓને પણ ફટકો પડ્યો છે અને તેની અસર સપ્લાય ચેનને થશે. દા.ત. સોલર પેનલ્સ માટે મુખ્ય કાચો માલ એવા પોલિસિલિકોનના વિશ્વના સૌથી મોટા સપ્લાયર – ટોંગવેઇએ ઉત્પાદન બંધ કર્યું છે. ચીન, વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પાવર કટોકટી એવા સમયે આવી છે જ્યારે કોરોના, કડક લોકડાઉન અને યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેન પહેલેથી જ ખોરવાયેલી છે. આનાથી એલ્યુમિનિયમ જેવી ધાતુઓથી લઈને ઓટોમોટિવ પાર્ટ્સ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓનો સપ્લાય જોખમમાં મૂકાશે.

વર્તમાન કટોકટીએ કૃષિ ક્ષેત્રને પણ સખત અસર કરી છે. પાવર કટોકટીથી પ્રભાવિત પ્રાંતો ચીનની ‘ફૂડ બાસ્કેટ’ છે જે ચીનના કૃષિ ઉત્પાદનના ૨૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચીનમાં નબળી લણણીની કૃષિ કોમોડિટીના વૈશ્વિક બજાર પર અસર પડશે, જેના કારણે પહેલાથી જ ઊંચા ભાવમાં વધુ વધારો થશે. ગોલ્ડમેન સૅશે ચેતવણી જારી કરી છે કે ગરમ હવામાનને કારણે ચોખાની લણણી સૌથી વધુ જોખમમાં મૂકાશે. ચીનના કૃષિ મંત્રાલયે પણ સ્વીકાર્યું હતું કે જુલાઈથી ઊંચા તાપમાન અને ઓછા વરસાદને કારણે અનાજના ઉત્પાદનમાં ઘટાડાનો ગંભીર પડકાર ઊભો થયો છે.

તાજેતરનાં વર્ષોમાં ઊર્જાનો વપરાશ ઘટાડવાના સરકારના પ્રયાસો છતાં ચીનનો વીજ વપરાશ તેના સામાન્ય દરથી લગભગ બમણા દરે વધી રહ્યો છે. ચીને ૨૦૨૧ માં વ્યાપક વીજળી આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલસાના પુરવઠાની અછત અને અન્ય સમસ્યાઓને કારણે લાખો ઘરો અને વ્યવસાયોને વીજકાપ સહન કરવાની ફરજ પડી હતી અને એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ તેમજ ખાતર ઉત્પાદન જેવાં ક્ષેત્રો સહિત ઘણા ઉદ્યોગોને અસર થઈ હતી. પરંતુ આ વર્ષે દુષ્કાળ અને વીજળીની અછત ૨૦૨૧ ના આઉટેજ કરતાં પણ અર્થતંત્ર પર મોટી અસર કરશે એવું અર્થશાસ્ત્રીઓ માને છે.

પાવર કટને કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડી છે. ખાસ કરીને ખાતર, રસાયણો, સ્ટીલ અને કાચ જેવાં ક્ષેત્રો, જે ચીનની તેમજ વૈશ્વિક સપ્લાય ચેન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી તે અર્થતંત્ર પર મોટી અસર કરશે. તાજેતરમાં માત્ર ચીન જ એક એવો દેશ નથી, જે ઊંચા તાપમાનનાં આર્થિક પરિણામો સામે ઝઝૂમી રહ્યું છે. જર્મનીમાં ગરમ ઉનાળાને કારણે યુરોપ માટે મુખ્ય શિપિંગ માર્ગ એવી રાઈન નદીનું પાણી ખૂબ નીચા સ્તરે પહોંચી ગયું. નદી છીછરી બનતાં કોમોડિટીઝ અને ઇંધણ વહન કરતાં વહાણો માટે પસાર થવું મુશ્કેલ બન્યું, જેથી આ વિસ્તારના વેપારને ભારે અસર પડી.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top