SURAT

સુરતની 250 ટ્રેન જ્યાંથી ઉપડવાની છે તે ઉધના રેલવે સ્ટેશન પર સુવિધાના નામે મીંડું, મુસાફરોને ભારે હાલાકી

સુરતઃ સ્માર્ટ સિટી સુરત શહેરમાં નવું હાઈફાઈ રેલવે સ્ટેશન બની રહ્યું છે. તા. 8 જાન્યુઆરીથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 અને 3 બે મહિના માટે બંધ રાખવાના છે. જેના લીધે 250 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશન ડાયવર્ટ કરવામાં આવી છે. તેના લીધે આગામી દિવસોમાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડમાં અનેકગણો વધારો થશે પરંતુ ઉધના રેલવે સ્ટેશનની વધુ મુસાફરો હેન્ડલ કરવાની કેપેસિટી નહીં હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. અહીં સુવિધાના નામે મોટું શૂન્ય છે. સિનીયર સિટિઝન અને દિવ્યાંગો માટે માત્ર નામ પૂરતી સુવિધા છે. વ્હીલચેર તૂટેલી છે. પ્લેટફોર્મ 4-5 પર લિફ્ટ નથી. સ્ટેશન બહારના સાંકડા રસ્તા પર રિક્ષાવાળાઓનો કબ્જો છે.

સ્ટેશનના ગેટ પર રિક્ષાવાળાની દાદાગીરી
ઉધના રેલવે સ્ટેશન બહારનો રોડ સાંકડો છે. ઉપરથી અહીં સ્ટેશનના મેઈન ગેટ પાસે જ રિક્ષાવાળા ઉભા રહી જાય છે. ગેટની અંદર પ્રવેશવાની પણ જગ્યા રાખતા નથી. પ્રાઈવેટ વાહન કે ઓલા, ઉબેર જેવી ટેક્સીમાં આવ્યા હોય કે જવા માંગતા હોય તો તેઓને વાહન પણ ઉભું રાખવા દેતા નથી. દિવ્યાંગ અને સિનીયર સિટીઝનની પણ આ રિક્ષાવાળા દયા કરતા નથી. ઉબેરના એક ડ્રાઈવરે કહ્યું કે, અહીં રિક્ષાવાળાની દાદાગીરીના લીધે અમે વાહન લાવી શકતા નથી. દૂર ઉભા રહેવું પડે છે. વળી, રિક્ષાવાળા મનફાવે તેમ ત્રણથી ચાર ગણા ભાડાની માંગણી કરી મુસાફરોને હેરાન કરે છે. નવાઈની વાત એ છે કે પોલીસ પણ સ્ટેશનના ગેટ પર ભીડ કરતા રિક્ષાવાળા સામે કોઈ કાર્યવાહી કરતી નથી.

સ્ટેશનમાં દિવ્યાંગ માટે તૂટેલી વ્હીલચેર
ઉધના રેલવે સ્ટેશનના 1 અને 2 નંબરના પ્લેટફોર્મ પર લિફ્ટ છે, પરંતુ 4 અને 5 નંબર પર દાદરા ચઢવા અને ઉતરવા પડે છે. દિવ્યાંગ અને સિનીયર સિટીઝન પેસેન્જરોને તેના લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વળી, સ્ટેશન પર નિયમ અનુસાર બે વ્હીલચેર છે, પરંતુ તે ભાંગેલી છે. તેથી તેનો કોઈ ફાયદો દિવ્યાંગને મળતો નથી. ઉપરથી સ્ટેશનના મુખ્ય ગેટથી અંદર પ્રવેશવા કે બહાર જવાના રસ્તા પર દિવ્યાંગોની વ્હીલચેર જઈ શકે તેવો કોઈ રસ્તો જ રાખવામાં આવ્યો નથી. આ બધું સ્ટેશન માસ્તરની નજર સામે જ હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

સ્ટેશન માસ્તરની કચેરી બહાર પ્લેટફોર્મ પર પાર્સલના ઢગલા
પ્લેટફોર્મ પેસેન્જરો માટે હોય છે. પરંતુ સ્ટેશન માસ્તરની કચેરીની બાજુમાં જ પાર્સલ વિભાગ આવ્યું છે. તેથી મેઈન ગેટની અંદર પ્રવેશતા જ મુસાફરોએ પાર્સલોના ઢગલા વચ્ચેથી ચાલવા રસ્તો શોધવો પડે છે. આગામી દિવસોમાં જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર મોટા ભાગની ટ્રેનોના સ્ટોપ આપવામાં આવ્યા છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા વધારવા બાબતે પણ પશ્ચિમ રેલવે ધ્યાન આપવું જોઈએ.

Most Popular

To Top