Business

વોટ્સએપ અને ફેસબુકને દિલ્હી હાઈકોર્ટનો આંચકો, CCIની તપાસ પર સ્ટે આપવાનો ઈન્કાર

નવી દિલ્હી: (New Delhi) વોટ્સએપ અને ફેસબુકને (Whatsapp And Facebook) દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વોટ્સએપ અને ફેસબુક વિરુદ્ધ CCI તપાસ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. WhatsAppની નવી ગોપનીયતા નીતિ અંગે CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની તપાસ ચાલુ રહેશે. વોટ્સએપ અને ફેસબુક દ્વારા દાખલ કરાયેલી બંને અપીલોને ફગાવી દેતા જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેન્ચે ગુરુવારે મેસેજિંગ એપને આપવામાં આવેલી નોટિસ પર CCI દ્વારા આપવામાં આવેલા સ્ટેને આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે તેમની અપીલમાં કોઈ યોગ્યતા નથી. તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ બેન્ચે 25 જુલાઈ 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. ફેસબુક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ફેસબુક WhatsAppનું ઔપચારિક માલિક છે અને એવું કહેવાય છે કે તે પ્લેટફોર્મ ફેસબુક સાથે તેનો ડેટા શેર કરે છે. તેનો અર્થ એ નથી કે તે તપાસ માટે જરૂરી પક્ષ છે.

Facebook સામે CCIની તપાસનો વિરોધ કરતાં રોહતગીએ વધુમાં દલીલ કરી હતી કે CCI પાસે WhatsAppની નવી ગોપનીયતા નીતિની તપાસ કરવા માટે કોઈ પ્રાથમિક સામગ્રી ઉપલબ્ધ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે વોટ્સએપ અને ફેસબુક ( જે હવે મેટા છે) દ્વારા સિંગલ જજ બેંચના આદેશને પડકારતી અપીલને ફગાવી દીધી હતી. કોર્ટે ગયા વર્ષે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.

ઈન્ટરનેટ કંપનીઓની નવી ગોપનીયતા નીતિની તપાસ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશને પડકારતી વોટ્સએપ અને ફેસબુકની અરજીઓને ફગાવી દેતા ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમે કહ્યું કે અપીલ કોઈપણ યોગ્યતા વગરની હતી. તેમણે કોર્ટનો અગાઉનો આદેશને માન્ય રાખ્યો હતો. 2021 માં કોર્ટે CCI દ્વારા જારી કરાયેલ નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જેમાં વોટ્સએપને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનની નવી અપડેટ કરેલી ગોપનીયતા નીતિ પર માર્ચમાં આદેશ આપવામાં આવેલી તપાસના સંબંધમાં ચોક્કસ માહિતી સબમિટ કરવા કહ્યું હતું.

22 જુલાઇના રોજ અગાઉની સુનાવણીમાં ફેસબુકે લેટેસ્ટ WhatsApp ગોપનીયતા નીતિમાં CCI તપાસનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટને કહ્યું હતું કે CCI ફક્ત ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની માલિકી હોવાને કારણે આ બાબતની તપાસ કરી શકતી નથી. સુનાવણી દરમિયાન META તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે બે પ્લેટફોર્મ અલગ-અલગ સંસ્થાઓ છે. તેમણે સબમિટ કર્યું કે ફેસબુકે 2014માં WhatsAppને હસ્તગત કર્યું હતું.

Most Popular

To Top