ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે કે તેમની કંપની પોતાનું રિબ્રાન્ડિંગ મેટા તરીકે કરી રહી છે.આ કંપનીના વર્ચ્યુઅલ રિઆલિટી વિઝનને ભવિષ્ય માટે આગળ કરવા માટેના પ્રયાસમાં આ નામ રાખવામાં આવ્યું છે, જે વિઝનને ઝુકરબર્ગ મેટાવર્સના નામે ઓળખાવે છે.
આજે કંપનીની એક કનેક્ટ ઇવેન્ટમાં ઝુકરબર્ગે આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આજે આપણે એક સોશ્યલ મીડિયા કંપની તરીકે ઓળખાઇએ છીએ પણ આપણા ડીએનએમાં આપણે એક એવી કંપની છીએ કે જે લોકોને જોડવા માટેની ટેકનોલોજી સર્જે છે. તેમણે જણાવ્યું હતું કે આ દિશામાં મેટાવર્સ એ એક નવો માર્ગ છે.
નામ બદલવા અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે ફેસબુક નામ એ આપણે જે કરીએ છીએ તેનું પુરેપુરું પ્રતિબિંબ પાડતું નથી. મેટાવર્સ બાબતે ખૂબ આશાવાદી એવા ઝુકરબર્ગે કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે આગામી દાયકામાં મેટાવર્સ એ એક અબજ લોકો સુધી પહોંચી જશે.
તેમણે જણાવ્યું હતું કે મેટાવર્સ એક એવું સ્થળ હશે કે જ્યાં લોકો એક બીજા સાથે સંવાદ કરી શકશે, કામ કરી શકશે અને ઉત્પાદનો અને સામગ્રી સર્જી શકશે, અને તે બાબતે તેમણે આશા વ્યક્ત કરી હતી કે મેટાવર્સ એ નવી ઇકોસિસ્ટમ બની રહેશે, જે સર્જકો માટે લાખો રોજગારીની તકોનું નિર્માણ કરશે.
ફેસબુકનું નામ બદલવાની જાહેરાત એ એવા સંજોગો વચ્ચે આવી છે જ્યારે આ કંપની તેના લીક્ડ દસ્તાવેજોને પગલે એવા આક્ષેપોનો સામનો કરી રહી છે કે તે પોતાના યુઝરોની સલામતી કરતા પોતાના વિકાસને વધુ મહત્વ આપે છે.
એફબી સોશ્યલ મીડિયા સાઇટનું નામ ફેસબુક જ રહેશે
ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે તે તેની મુખ્ય કંપનીનું નામ બદલવામાં આવ્યું છે. આ કંપનીની ફ્લેગશીપ સોશ્યલ મીડિયા સાઇટ, કે જે ૨૦૦૪માં શરૂ થઇ હતી તેનું નામ ફેસબુક જ રહેશે. પહેલી ડિસેમ્બરથી ફેસબુકના શૅર્સ એમવીઆરએસના નામથી ટ્રેડ થશે. એની માલિકીની વૉટસએપ અને ઇન્સ્ટાગ્રામના નામ પણ એ જ રહેશે.
વિવાદથી છેડો ફાડવા નામ બદલ્યું?
એવો પણ તર્ક થઇ રહ્યો છે કે તાજેતરમાં ફેસબુક પેપર્સ લીકને કારણે કંપનીના કેટલીક આંતરિક બાબતો કથિત રીતે છતી થઇ ગઇ અને આ કંપની પોતાના ગ્રાહકોના હિત કરતા પોતાના વિકાસને જ વધુ મહત્વ આપે છે તેવા જે વિવાદો ઉભા થયા તેમનાથી વેગળા જવા માટે કંપનીનું નામ બદલી નાખવામાં આવ્યું છે.
મેટા ગ્રીક શબ્દ છે, શું છે આ વર્ચ્યુઅલ રિયાલ્ટી?
મેટા ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે બિયોન્ડ, પેલે પાર.
ફેસબુક હવે વર્ચ્યુઅલ રિઆલ્ટીમાં જવા માગે છે અને એક દાયકામાં એક અબજ લોકોને જોડવાનો લક્ષ્યાંક છે. મેટાવર્સમાં યુઝર્સના અવતાર રિયલ ટાઇમમાં યુઝર સાથે એમના એક્સપ્રેશન બદલશે. માર્ક ઝુકરબર્ગે કહ્યું કે વર્ચ્યુઅલ રિયાલ્ટીથી લોકોનું જીવન બદલાઇ જશે અને સર્જકો માટે લાખો રોજગારી ઊભી થશે.