ભરૂચ: ફેક ફેસબુક એકાઉન્ટ (Facebook Account) બનાવી ફેસબુક સાઇટ ઉપર ફરિયાદી તથા ફરિયાદીના પરિવારના સભ્યોના ફોટા મેળવી તેમાં એડિટિંગ (Editing) કરી અશ્લીલ ફોટા (Photos) બનાવી ફેસબુક એકાઉન્ટની ટાઇમલાઇન ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા હતા. સાઇબર ક્રાઇમ (Cybercrime) પોલીસે એક્શન લઇ ટેક્નિકલ એનાલિસિસ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે તપાસ શરૂ કરી હતી.ભરૂચના પરિવારને 7 વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્સને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી ભોગ બનનાર પરિવારના સભ્યોના બીભત્સ ફોટો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી બદનામ કરતો હતો.
તપાસ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સોંપાઈ હતી
વર્ષ-2015થી ચાલતા આ સિલસિલામાં પરિવારે ૩ ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે એક્શન લઇ ટેક્નિકલ એનાલિસિસ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની મોટારેહા ગામ-ભુજ ખાતેથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપી સતુભા સોમુભા માધુભા જાડેજા (ઉં.વ.35) (રહે.,વંડી ફળિયું, મોટા રેહા, તા.ભુજ, જિ.કચ્છ)નું ફરિયાદીની પત્ની સાથે સગપણ તૂટી ગયું હતું. જે બાદ બદલો લેવા તે છેલ્લાં ૭ વર્ષથી આ કૃત્ય કરી રહ્યો હતો. મામલાની તપાસ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવામાં આવતાં ભુજના સતુભા જાડેજાની હરકત સામે આવી હતી.
વ્યાજખોરો સામે ભરૂચ પોલીસની ઝુંબેશ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં હવે વ્યાજખોરો સામે પોલીસે આંખ લાલ કરી છે. પોલીસ દ્વારા વ્યાજખોરોની વધુ વ્યાજ લેવાની પ્રવૃત્તિ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વગર લાઇસન્સે કે લાઇસન્સ ધરાવી વધુ વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા લોકો સામે હવે ગૃહ વિભાગ, ડીજી અને પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. નાગરિકોને વ્યાજે રૂપિયા ધિરધાર કરનાર ઈસમો ધીરાણ કરેલી રકમ સામે વધુ વ્યાજ વસૂલવાનું કૃત્ય કરતા હોય છે.આ અસામાજિક પ્રવૃત્તિનો મોટા ભાગે સામાન્ય પ્રજા અને મજબૂર નાગરિકો ભોગ બનતા હોય છે. આ પ્રકારે વ્યાજખોરો વધુ વ્યાજથી આર્થિક ફાયદો મેળવતા અને બેફામ બની ગરીબ અને મજૂરનું શોષણ કરવામાં આવે છે. જેનાથી કંટાળી કેટલીકવાર લોકો પોતાના જીવન પણ ટુંકાવી દેતા હોય છે.
વ્યાજ વસૂલતાં તત્ત્વો સામે ફરિયાદ નોંધાવવા અપીલ
ત્યારે આવા વ્યાજખોરોની પ્રવૃત્તિ અને નેટવર્કને નાબૂદ કરવા તેમજ માથાભારે વ્યાજખોરોને કાયદાનો પરિચય કરાવવા કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાં ડો.લીના પાટીલે ભરૂચ જિલ્લાના નાગરિકોને સરકાર માન્ય સિક્યોરિટી પર 12 ટકા અને વગર સિક્યોરિટીએ 15 ટકાથી વધુ વ્યાજ વસૂલતાં તત્ત્વો સામે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. વ્યાજખોરીની અસામાજિક પ્રવૃત્તિના ભોગ બનેલા નાગરિકો પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપવા તેમજ પોલીસ અધિકારીને રૂબરૂમાં મળી આ અંગે રજૂઆત કરવા જિલ્લા SP ડો.લીના પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.