નવસારી(Navsari) : દેશના ૭ લાખ ઉમેદવારોમાંથી વિજલપોરના (Vijalpor) મોહિત શર્માની (Mohit Sharma) ભારતીય વાયુદળમાં પસંદગી થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં પહેલા યુવાનની ભારતીય વાયુ દળમાં પસંદગી થઈ છે. ત્યારે હવે મોહિત શર્મા દોઢ વર્ષ પાયલોટની ટ્રેનિંગ લેવા જશે.
દેશની સેવા એ દેશના તમામ નાગરિકોનું સૌપ્રથમ કર્તવ્ય છે. હાલના ઘણા યુવાનો દેશની સેવા કરવા માટેના વિચારો કરતા હોય છે. જેમાં આર્મી, વાયુ દલ, નૌકા દલ જેવી વિવિધ જગ્યાએ નોકરી મેળવવા માંગતા હોય છે. જેના માટે મહેનત પણ કરતા હોય છે. પરંતુ ઘણી વાર યુવાન-યુવતીઓએ નિષ્ફળતાનો સામનો પણ કરવો પડતો હોય છે. જોકે દેશની સેવા કરનારાઓ હાર માને એ તેઓને મંજુર ન હોય. જેથી તેઓ વારંવાર પ્રયાસો કરતા હોય છે. ત્યારે નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં રહેતા વધુ એક યુવાને તેની નિષ્ફળતાને સફળતાની ચાવી બનાવી છે.
આર્મી, વાયુ દલ કે નૌકા દલમાં જવા માટે દેશના લાખ્ખો યુવાનો-યુવતીઓ તૈયારીઓ કરતા હોય છે. પરંતુ તેમાંથી માત્ર ગણતરીના ઉમેદવારો જ પસંદગી પામતા હોય છે. તે પરીક્ષામાં પાસ થનાર કેટલાક ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેઓની પસંદગી થાય છે. ભારતીય વાયુ દલમાં જવા માટે આ વખતે દેશના ૭ લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જે પૈકી ઘણા પાસ થયેલા ઉમેદવારોએ ઈન્ટરવ્યું આપ્યા હતા. જેમાં વિજલપોરમાં રહેતા મોહિત શર્માએ પણ ઈન્ટરવ્યું આપ્યું હતું. આખરે મોહિત શર્માની ભારતીય વાયુ દલમાં પસંદગી થઈ ગઈ છે. જોકે આ અગાઉ મોહિત શર્માએ ૪ વાર પ્રયાસો કર્યા હતા. પરંતુ તેને માત્ર નિષ્ફળતા હાથ લાગી હતી. જોકે તેણે હાર માન્યા વિના સપનાને સાકાર કરવા માટે મહેનત કરી રહ્યો હતો. આખરે તેને સફળતા હાથ લાગી હતી. ભારતીય વાયુ દલમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી વિજલપોરના મોહિતની પસંદગી થઇ હોવાની જાણ થતા જ પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. હવે મોહિત વાયુ દલ અકાદમીમાં દોઢ વર્ષ માટે ટ્રેનીંગ લેવા જશે.
માતા-પિતાના સપોર્ટથી સફળતા મળી : મોહિત શર્મા
ભારતીય વાયુ દલમાં પસંદગી થતા ખુશીની લાગણી વ્યક્ત કરતા મોહિત શર્માએ જણાવ્યું હતું કે, હું વાર ૪ નિષ્ફળ રહ્યો હતો. તે છતાં પણ મારા માતા-પિતાએ મને ઘણો સપોર્ટ કર્યો છે. જેથી ૫મી વખત મારૂ ઇન્ડીયન એર ફોર્સમાં પસંદગી થઇ છે. જોકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હું પહેલો છું જેની પસંદગી થઈ છે. મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે તેનો મને ગર્વ છે.