SURAT

દિવાળીમાં હોળી જેવી ગરમીઃ સુરતમાં પારો 36 ડિગ્રીને પાર, શું ગરમી હજુ વધશે?

સુરત: શહેરમાં આજે પણ તાપમાન આંશિક વધવા સાથે 36 ડિગ્રીને પાર કરી ગયું હતું, જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો. અલબત્ત રાત્રે લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી ઘટતાં ઉકળાટથી રાહત મળી હતી સાથે જ હવે ઠંડક શરૂ થવાની આશા પણ જાગી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરતમાં દિવાળી સમયે તાપમાનમાં થોડો વધારો નોંધાયો છે, જેને કારણે દિવસ દરમિયાન આકરી ગરમી અનુભવાઈ રહી છે. 30 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.

તો 31મી ઓક્ટોબરે મહત્તમ તાપમાન 0.4 ડિગ્રીના વધારા સાથે તે 36.2 ડિગ્રી પહોંચી ગયું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન 0.8 ડિગ્રીના ઘટાડા સાથે 25.8 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી જતાં દિવાળીના દિવસે પણ શહેરીજનોએ આકરી ગરમી અનુભવી હતી, આવું ઘણાં વર્ષોમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે.

બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 35 ટકા નોંધાયું હતું. એટલે કે તે ઉત્તરના સૂકા પવનોની અસર હતી, જેથી હવે ટૂંકમાં જ રાત્રે ઠંડક વધવાનો વર્તારો પણ આપે છે. અલબત્ત પવન અત્યંત મંદ રહેતાં ઠંડકની આશા હજુ ઠગારી નીવડી છે.
આવી વિષમ સ્થિતિને પગલે સુરતમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન લોકોને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક અનુભવાશે એવી સંભાવના છે. આ મિશ્ર મિજાજને કારણે, આગામી અઠવાડિયામાં પણ આ જ રીતે બેવડી ઋતુનું મિશ્રણ રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે શિયાળો શરૂ થશે.

તબીબોએ ઘરની બહાર ન નીકળવા આપી સલાહ
દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે પરંતુ ગરમી હજુ પીછો છોડતી નથી. શહેરમાં સતત વધી રહેલાં તાપમાને સુરતીઓને લાલચોળ કરી નાંખ્યા છે અને એક રીતે કહીએ તો દિવાળીના તહેવારોની મજાને બગાડી નાંખી છે. શહેરમાં હવામાનનો માહોલ આગળના દિવસોમાં પણ ગરમ રહેવાની સંભાવના છે.

આ વેળાએ વધતું તાપમાન અને ભેજના પ્રમાણને કારણે લોકોને શરદી-ઉધરસ જેવી તકલીફોનો સામનો કરવાની શક્યતા વધી શકે છે. તબીબો દ્વારા દિવસ દરમ્યાન હાઇડ્રેટેડ રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આવતા દિવસોમાં તાપમાન લગભગ યથાવત રહેવાની શક્યતા છે, જો કે પવનની ગતિમાં થોડો વધારો થાય તો સાંજ અને રાત્રીના સમયે વધુ આરામદાયક વાતાવરણ મળશે.

Most Popular

To Top