સુરતઃ કાયદાનો દુરુપયોગ કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. આ સિલસિલામાં આજે સુરત પોલીસે જશવંતસિંહ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. જશવંતસિંહ સામે સચીન GIDCના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગવાનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 3 માર્ચના રોજ સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા 60 જેટલા ઉદ્યોગકારો સાથે સચીન નોટીફાઈડ કચેરી ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રોસેસિંગ, કમર કેમિકલ, વીવીંગ તથા એન્જિનિયરના ઉદ્યોગકારોને પોલીસે અપીલ કરી હતી કે તેઓને હેરાન કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધ ફરિયાદ કરે. આરટીઆઈની અરજી કરી ઉદ્યોગકારોને હેરાન કરતા બ્લેકમેઈલ કરનારા વિરુદ્ધ પોલીસને જાણ કરે.
આ મિટિંગમાં પોલીસ તરફથી નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નિરવસિંહ ગોહિલ, સચીન જીઆઈડીસીના પોલીસ ઈન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ અને ઉદ્યોગકારો તરફથી સચીન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયુર ગોળવાળા તેમજ નોટિફાઈડ ચેરમેન મિતુલ મહેતા સહિત 60 ઉદ્યોગકારોએ હાજર રહી જશવંતિસંહ બ્રહ્મભટ્ટ વિરદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી. જેના પગલે પોલીસે જશવંતસિંહ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ખંડણીખોરીનો ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી હતી અને તેની ધરપકડ કરી હતી.
આરોપીએ 300 ઉદ્યોગકારો વિરુદ્ધ અરજી કરી હોવાની આશંકા
દરમિયાન મળતી માહિતી મુજબ આરટીઆઈ એક્ટિવિસ્ટ જશવંતસિંહ બ્રહ્મભટ્ટે કાયદાનો દુરુપયોગ કરતા સચીન જીઆઈડીસીના 300 ઉપરાંત પાંડેસરા, કતારગામ, ઇચ્છાપોર જીઆઈડીસીના ઉદ્યોગકારો સામે આરટીઆઈની અરજી કરી હતી. તે ઉદ્યોગકારોને ગેરકાયદે બાંધકામ માટે બ્લેકમેઈલ કરતો હતો. ઉદ્યોગકારોની ફરિયાદને પગલે પોલીસે જશવંતસિંહ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
