સુરત શહેરમાં કુખ્યાત બનેલા ચિરાગ ગોટી સામે હવે ફરિયાદોની ઝડી લાગી છે.ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ખોટા કેસમાંફસાવવાનો પ્રયાસ કરનાર ચિરાગ ગોટી વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધાયા બાદ તેની ગેંગના ભોગબનેલા વધુ ૧૦ લોકો પોલીસ સમક્ષ આવ્યા છે. પોલીસે તમામની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને હવે આ કેસમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.ઓઈલના ધંધામાં ભાગીદારી તૂટતા બદલો લેવા માટે ભાગીદારને ડ્રગ્સ કેસમાંફસાવવાનો ગુનો બહાર આવ્યો હતો. કોર્ટમાં હાજર કરાયેલા ચિરાગ ગોટી વિરુદ્ધ પહેલાથી જ જુદાજુદા સાત ગુનાઓ નોંધાયેલા છે. હવે પોલીસ તેના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે, જે તેની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી શકે છે.આ દરમિયાન બીલીમોરામાં પણ ચિરાગ ગોટી વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગંભીર ગુનો નોંધાયો છે.
પોંસરી ગામે દોઢ વર્ષ અગાઉ હિસાબના મુદ્દે ભાગીદારના ભાઈ પાર્થ મિયાણી સાથે ક્રૂર વર્તન કરાયું હતું.ધોલાઈ બંદર નજીક ઓઈલ અને ડિઝલના છૂટક વેચાણ માટે શરૂ કરાયેલા ધંધામાં હિસાબમાં માત્ર ૧૧ હજાર રૂપિયાની ઘટ બતાવી પાર્થ પર આરોપ મૂકાયો હતો.આક્ષેપ મુજબ, ચિરાગ ગોટીએ પાર્થને માર મારી અપમાનજનક રીતે બળજબરી કરી, પછી પોતાની કારમાં બેસાડી સુરત લઈ ગયો. ત્યાં તેને ધમકી અપાઈ કે જો રૂપિયા લીધાની કબૂલાત નહીં કરે તો ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાશે. ડરી ગયેલા પાર્થએ કબૂલાત કરતાં તેના ઘરમાંથી ૧૧ હજાર રૂપિયા મંગાવી લેવામાં આવ્યા. મારપીટના કારણે પાર્થના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.ઘટનાની ગંભીરતા સામે આવતા પાર્થ બાબુભાઈ મિયાણીએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ચિરાગ ધનશ્યામભાઈ ગોટી સામે મારપીટ અપહરણ,જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણીના ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસ પી.આઈ. જયદીપસિંહ ચાવડા દ્વારા હાથ ધરાઈ છે.
ચિરાગ ગોટીના એક પછી એક કાળા કારનામા સામે આવતા શહેરમાં ભારે ચકચાર મચી છે. અગાઉથી જ ‘તાલીબાની’ ઢબે ત્રાસ આપવા માટે કૂખ્યાત બનેલા ચિરાગ ગોટી વિરુદ્ધ હવે ભોગ બનનારાઓ ખુલ્લેઆમ આગળ આવી રહ્યા છે. પોલીસ સૂત્રો મુજબ, વધુ લોકો પણ ફરિયાદ કરવા તૈયાર છે.સુરત પોલીસ હવે આ સમગ્ર ગેંગ પર કડક કાર્યવાહી માટે સજ્જ બની છે. જો ગુજસીટોક લાગુ પડે તો ચિરાગ ગોટી માટે કાનૂની ઘેરાવ વધુ કડક બનશે. શહેરમાં ફેલાયેલા ભયના માહોલ વચ્ચે લોકો હવે ન્યાયની આશા રાખી રહ્યા છે.ચિરાગ ગોટી ગેંગના વધતા ખુલાસાઓ સાથે સ્પષ્ટ બન્યું છે કે કાયદાનો હાથ લાંબો છે અને હવે એક પછી એક સત્ય બહાર આવી રહ્યું છે.