Charchapatra

બાહ્ય ક્રિયાકાંડો એ ધર્મ નથી જ

ન્યાય, સત્ય, પ્રામાણિકતા, ફરજ, માનવતા, ચારિત્ર્ય, પ્રેમ, સમભાવ વગેરે મૂલ્યોનું જીવનમાં મહત્ત્વ સમજવાને બદલે આપણે ટીલાં-ટપકાં જેવાં પ્રતીકો સાથે ભજન-આરતી, નમાજ, પૂજા, દર્શન, જાત્રા, હજ જેવા બાહ્ય ક્રિયાકાંડોને મહત્ત્વ આપ્યું. પરિણામે બાહ્ય પ્રદર્શન જ સાચો ધર્મ છે એવું પ્રસ્થાપિત થતું ગયું. કાળક્રમે પોતાનું આધિપત્ય સ્થાપવા, પોતાના મતનું મહત્ત્વ સ્થાપવા બાહ્ય ઉપાસના પદ્ધતિઓમાં ફેરફાર કરી નવો ફાંટો પડ્યો. આવા એક પછી એક અનેક ફાંટાઓ અસ્તિત્વમાં આવ્યા. દરેક ફાંટાના વડાને સેંકડો-હજારો ઘેંટાં મળતાં ગયાં. 

પોતાનો વાડો જ શ્રેષ્ઠ એવી રાઈ મગજમાં ભરવામાં આવી હોવાથી બીજા વાડામાં ઉછરતા ઘેંટા પ્રત્યે નફરતની ભાવના જન્મતી ગઈ. માણસ તરીકે પોતાનું અસ્તિત્વ છે અને સામેની વ્યક્તિ પણ માણસ જ છે એટલે એના પ્રત્યે દયા,કરુણા, પ્રેમ, સમભાવ હોવો જોઈએ એ વાત તદ્દન વિસરાઈ ગઈ. વાડાઓ જેમ જેમ વિસ્તરતા ગયા તેમ તેમ માણસ તરીકે આપણે સંકુચિત થતા ગયા. દુનિયાની મોટા ભાગની સમસ્યાઓ આવા સંકુચિત સ્વાર્થી વિચારોમાંથી ઉદભવી છે. કટ્ટરતા ક્યારેય માણસનું કે સમાજનું ભલું કરી શકે નહીં એવી સમજ પેલી રાઈને કારણે નષ્ટ થઈ ગઈ.

પોતાની દુકાન ચલાવવા માટે અસત્ય અને અતાર્કિક વાતોથી અનુયાયી ગ્રાહકોનું બ્રેઇનવોશ કરનારા માનવતાના સૌથી મોટા દુશ્મનો છે.  સાધુ, સંત, બાવા, ફકીર, સ્વામી, બાપુ, મહર્ષિ, મહારાજ  વગેરે જાણે ભગવાનના દવાખાનાના કમ્પાઉન્ડરો હોય અને સર્વ દુઃખોની દવા આપી શકે છે એવી જાહેરાત કરતા રહ્યા અને એ સત્ય છે એવું  માનનારા બહુમતીમાં છે, જે આપણું દુર્ભાગ્ય છે.  કાર્લ માર્ક્સે આ વાત બહુ વહેલી પારખી હશે એટલે જ દોઢસો વર્ષ પહેલાં કહેલું કે, ધર્મ એ લોકોનું અફીણ છે!
સુરત     – સુનીલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top