ઘેજ : વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે માં (Express Way) નવસારી (Navsari) પ્રાંત અધિકારીએ કૌટુંબિક વિવાદના કિસ્સાઓમાં પંચરોજ મુજબ ઝાડોનું વળતર અલગથી ચુકવવાની શરૂઆત કરાતા અસરગ્રસ્ત ખેડૂતોને (Farmer) મોટી રાહત થવા પામી છે. ચીખલી તાલુકામાં પણ વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે ના નિર્માણ માટે ઝાડો કાપવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે સહ ખાતેદારોના વિવાદ કે અન્ય કારણોસર જે ખેડૂતો વળતર મેળવી શક્યા નથી તેવા ખેડૂતોએ ઘેજ, મલિયાધરા, ચરી સહિતના ગામોમાં કબજા પાવતી પર સહી કરવા નનૈયો ભણી દઇ ઝાડ અને મકાનનું વળતર પંચરોજ મુજબ અલગથી ચુકવવા રજુઆત કરી હતી અને આ રજુઆત અગાઉ એપીએમસી ચેરમેન કિશોરભાઇ, ભાજપ અગ્રણી ડો. અશ્વિનભાઇ, ડો. અમીતાબેન, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, ખેડૂત સમિતિના ઘેજના પ્રતિનિધિ હિતેશભાઇ, ભરડાના ભીખુભાઇ, ખાલપાભાઇ સહિતનાઓએ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને પણ કરી હતી.
આ દરમ્યાન નવસારીના પ્રાંત અધિકારી રાજેશભાઇ બોરડે વિવાદાસ્પદ કિસ્સાઓમાં સુનાવણી રાખી હતી. હાલે કૌટુંબિક વિવાદવાળા કિસ્સાઓમાં જમીનનું વળતર બાકી રાખી પંચરોજ મુજબ ઝાડનું વળતર જે તે ખેડૂતોને ચૂકવવાની શરૂઆત કરાતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. બીજી તરફ પ્રાંત અધિકારી રાજેશભાઇ બોરડના નિર્ણયથી એક્ષપ્રેસ-વેના કામની પણ ગતિ વધશે તે ચોકકસ વાત છે. કેટલાક કિસ્સાઓમાં તો એકલ દોકલની સંમતિના વાંકે વળતર નહીં મેળવી શકતા પુન:વસન માટે પણ મુશ્કેલી સર્જાઇ હતી. તેવામાં પ્રાંત અધિકારીના નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત થઇ છે.
દલાલી પેટે ખેડૂતો પાસે નાણાં ખંખેરવા અધીરો બન્યો સરકારી બાબુ
ચીખલી તાલુકામાં વડોદરા -મુંબઇ એક્ષપ્રેસમાં ઝાડોનું વળતર અલગથી ચુકવવાના નિર્ણય સાથે જ અન્ય વિભાગમાં ફરજ બજાવતો એક વિવાદાસ્પદ સરકારી બાબુ દલાલી કરવા તલપાપડ બનતા ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાંત અધિકારી દ્વારા તટસ્થતાથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો હોવા છતાં આ નિર્ણય પોતે જ કરાવ્યો હોવાના બણગા ફુંકી કેટલાક ગામોમાં પ્રાંત કચેરીના સ્ટાફના નામે દલાલી પેટે ખેડૂતો પાસે નાણાં ખંખેરવા અધીરો બન્યો છે.
આ કર્મચારીની કેટલાક વર્ષ પહેલા સ્થાનિકોની રજૂઆતને પગલે વતનથી દૂર બદલી પણ કરી દેવાઇ હતી. બધા જ જાણે છે કે બુલેટ ટ્રેન અને એક્ષપ્રેસ-વે માં સી.આર. પાટીલની સૂચનાથી જ ખેડૂતોને માતબર વળતર મળ્યુ છે તેમ છતાં ખેડૂતોનો મસીહા થઇને ફરતો આ સરકારી બાબુ તેના થકી જ આ વળતર મળ્યું હોવાના બણગા ફૂંકી રહ્યો છે. વધુમાં પોતાનો રોફ જમાવવા તેના ખાનગી વાહનમાં પણ નિયમ વિરુધ્ધ ગર્વમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવીને ફરી રહ્યો છે ત્યારે આવા લોભીયા તકવાદી લોકોથી ખેડૂતો સાવચેત રહે તે પણ જરૂરી છે.