દુબઈ : આજે ભારત (India) વિશ્વમાં સૌથી ખુલ્લા દેશો પૈકી એક છે અને તે મહત્તમ વિકાસ આપે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ દેશમાં રોકાણકારો (Investors)ને આમંત્રિત કરતા શુક્રવારે એક્સપો 2020 (Expo 2020)માં ભારતીય પવેલિયન (Indian pavilion)માં ભેગા થયેલા લોકોને વીડિયો સંદેશ (video message)માં મોદીએ કહ્યું હતું.
ભારત પ્રતિભાનું પાવરહાઉસ છે અને તે ટેકનોલોજી વિશ્વ, શોધ અને આવિષ્કારમાં ઘણું આગળ આવ્યું છે. અમારા આર્થિક વિકાસને વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપના સંયોજનનું બળ મળે છે, એમ તેમણે કહ્યું હતું. ભારતના પવેલિયનની થીમ ‘મુક્તતા, તક અને વિકાસ’નો સંદર્ભ આપતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું આજે ભારત વિશ્વમાં સૌથી ખુલ્લા દેશો પૈકી છે, જે શીખવા માટે, દ્રષ્ટિકોણ પ્રત્યે, નવી શોધ પ્રત્યે, રોકાણ માટે ખુલ્લું છે. ભારત તમને મહત્તમ વિકાસ આપશે.
ભારત આવો અને અમારા વિકાસનો એક ભાગ બનો, એમ વડા પ્રધાને રોકાણકારોને આમંત્રિત કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું, છેલ્લાં 7 વર્ષોમાં ભારત સલકારે આર્થિક વિકાસને ઉંચે લાવવા કેટલાંક સુધારાઓ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું, ‘ભારતમાં શોધની તક છે, ભાગીદારીની તક છે, પ્રગતિની તક છે. ભારત આવી આ તકોનો લાભ ઉઠાવો’. 8 વર્ષની યોજના અને કરોડો ડોલરના ખર્ચ બાદ મધ્યપૂર્વના પ્રથમ વૈશ્વિક મેળાનું ભવ્ય ઉદઘાટન શુક્રવારે દુબઈમાં કરાયું હતું, એવી આશા છે કે મહિનાઓ સુધી ચાલનારા આ મેળાથી રણ દેશથી સ્વપ્ન નગરીમાં પરિવર્તીત થયેલા દેશમાં મુલાકાતીઓ આવશે અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચાશે.
કોરોના વાયરસ મહામારીએ ‘એક્સપો 2020’ને એક વર્ષ માટે પાછળ કર્યું હતું અને સંયુક્ત અરબ અમીરાતમાં આવનારા લોકોની સંખ્યા પર પણ તે અસર નાંખી શકે છે. પણ 6 મહિના સુધી ચાલનારા આ પ્રદર્શનથી દુબઈ પાસે પોતાની અનોખી પૂર્વ-પશ્ચિમ અપીલને દર્શાવવાની મોટી તક છે, એક એવી જગ્યા જ્યાં વેપાર માટે બધાનું સ્વાગત છે. બહુ લાંબો સમય નહીં થયો હોય જ્યારે 1080 એકડનું એક્સપો સ્થળ વિરાન રણ હતું. હવે આ ભવિષ્યનું સ્થળ બન્યું છે જ્યાં રોબોટ્સ માસ્ક ન પહેરેલાં મુલાકાતીઓ સામે નાચીને અને બૂમો પાડીને માસ્ક પહેરવા કહેશે, નવું મેટ્રો સ્ટેશન, લાખો ડોલરનું પવેલિયન અને તથાકથિત જિલ્લાઓ જેમને ‘ટકાઉપણ’ અને ‘તક’ જેવા નામ આપ્યા છે.
એક્સપોમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, ઈટાલી, યુએઈ સહિત 190 કરતા વધુ દેશો પોતાના પર્યટન આકર્ષણો, શોધ અને મહત્વાકાંક્ષાને દર્શાવવા પોતાના પવેલિયનનો ઉપયોગ કરી રહ્યા છે. એક્સપોમાં પ્રવેશ કરવા માટે મુલાકાતીઓએ નેગેટીવ પીસીઆર ટેસ્ટ અથવા કોવિડ-19ની રસી મૂકાઈ હોવાનું પ્રમાણપત્ર દેખાડવું પડશે. સૌપ્રથમ વૈશ્વિક મેળો વર્ષ 1851માં લંડનમાં યોજાયો હતો. આ પહેલાંના મોટાભાગના મેળાઓ યુરોપ અને અમેરિકામાં થયાં હતાં, કોઈ પણ મેળો મધ્યપૂર્વમાં આયોજિત કરાયો ન હતો.