તાજેતરના સરકારી આંકડાઓ એક એવી હકીકત બતાવે છે, જેને અવગણવી હવે શક્ય નથી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાં લગભગ 65.7 લાખ બાળકો શાળા છોડીને બહાર નીકળી ગયાં. અને એમાં પણ સૌથી વધારે અસર કિશોરીઓ પર પડી છે. ગુજરાત માટે પણ આ સ્થિતિ એટલી જ ધક્કો પહોંચાડે તેવી છે. 2024માં જ્યાં 54,500 જેટલાં બાળકો શાળા છોડતાં હતાં, ત્યાં 2025–26માં આ આંકડો 2.4 લાખ સુધી ઉછળી ગયો. આટલી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ છોડી દે છે, તેનાં કારણો આપણી સામે સ્પષ્ટ છે: જેમાં રોજગારી માટે પરિવારને અહીં-ત્યાં ખસવું પડે છે. ઉપરાંત પરિવારની આવક ઘટતી જાય છે અને ખર્ચ વધે છે. હજુ પણ અનેક પરિવારોમાં દીકરીઓને ઘરકામ, પરિવાર સંભાળવા અને નાના ભાઈ-બહેનોની જવાબદારી નિભાવવી પડે છે.
દીકરાઓને નાનાં-મોટાં ધંધામાં જોડવામાં આવે છે. શું આપણે આપણી આગામી પેઢીને સાચે જ સુરક્ષિત અને શિક્ષિત ભવિષ્ય આપી રહ્યા છીએ? શું સરકાર ઘરગથ્થુ મજૂરી અને બાળમજૂરી સામે પૂરતાં કડક પગલાં લઈ રહી છે? શું આર્થિક રીતે નબળાં પરિવારો સુધી શિક્ષણ સહાયતા યોગ્ય રીતે અને પૂરતી માત્રામાં પહોંચી રહી છે? શું સમાજ તરીકે આપણે જવાબદારી નિભાવીએ છીએ? કેમ કે શિક્ષણ અધિકાર છે અને શિક્ષણ માત્ર તેમનાં માતા-પિતાની જવાબદારી નથી…. એ તો સમગ્ર દેશની, સમગ્ર સમાજની, અને દરેક સજાગ નાગરિકની ફરજ છે. ચાલો, બાળકોને પાછાં શાળામાં લાવવાનું આંદોલન ફરી જીવંત કરીએ.
પરવત ગામ, સુરત- આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.