National

દિલ્હીના મહિપાલપુરમાં ફરી વિસ્ફોટ જેવો અવાજ: ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી, જાણો શું થયું..!!

દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં ગુરુવારની સવારે વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાતા હલચલ મચી ગઈ હતી. રેડિસન હોટલ નજીકથી અવાજ આવ્યા બાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.

દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં આજે તા. 13 નવેમ્બર સવારે 9:18 વાગ્યે રેડિસન હોટલ નજીક વિસ્ફોટ જેવો મોટો અવાજ સંભળાયો હતો. આ અવાજ સંભળાતા જ આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ હતી. લોકોને લાગ્યું કે અહીં કોઈ વિસ્ફોટ થયો છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.

પ્રારંભિક તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટ સ્થળ મળી આવ્યું નથી. ફાયર બ્રિગેડ અધિકારીઓએ જણાવ્યું કે તેમને મહિપાલપુર વિસ્તારમાં વિસ્ફોટ અંગે સવારે કોલ મળ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન કોઈ આગ કે વિસ્ફોટના પુરાવા મળ્યા નથી.

પોલીસનું નિવેદન
દિલ્હી પોલીસના દક્ષિણ-પશ્ચિમ જિલ્લા DCP એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમણે જણાવ્યું કે, “કોલ મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોલ કરનાર વ્યક્તિ ગુરુગ્રામ તરફ જઈ રહી હતી ત્યારે તેને મોટો અવાજ સંભળાયો હતો. ઘટનાસ્થળે તપાસ કરતાં કોઈ વિસ્ફોટના નિશાન મળી આવ્યા નથી.”

સ્થાનિક પૂછપરછ દરમિયાન પોલીસે એક સુરક્ષા ગાર્ડ પાસેથી જાણકારી મેળવી કે ધૌલા કુઆન તરફ જતી ડીટીસી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે આ મોટો અવાજ થયો હતો.

નોધનીય છે કે સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ આખી રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં મહિપાલપુરના આ અવાજે લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટ ફેલાવ્યો હતો.

પોલીસે હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે અને ચિંતાનો કોઈ મુદ્દો નથી. તેમ છતાં, તપાસકર્તા ટીમો એલર્ટ પર છે અને વિસ્તારની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે.

Most Popular

To Top