આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન બની ગયા હોય તેમ લાગે છે. આરોગ્યની કાળજી રાખવી એ ખૂબ સારી બાબત છે.કારણ કે “પહેલું સુખ તે જાતે નર્યા.’ પરંતુ કેટલાક લોકો સોશ્યલ સાઇટ્સ પર મૂકાયેલી માહિતીના આધારે અખતરા કર્યા કરે છે. આયુર્વેદના નામે ઘણી બીમારીને લગતા ઘરગથ્થુ નુસખા અપનાવે છે. જે અખતરા ક્યારેક ખતરા બનતા હોય છે. ભલે ઘરગથ્થુ ઉપાયોમાં રોજિંદા મસાલા જેવી નિર્દોષ ઔષધિ હોય છતાં એક વ્યક્તિને ફાયદો થયો હોય એટલે એનાથી બીજી વ્યક્તિને ચોક્કસ ફાયદો થશે જ એવું હોતું નથી.
કારણ કે આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિ વાત, પિત્ત અને કફ પ્રકૃત્તિમાંથી કોઈ પ્રકૃતિ ધરાવતા હોય છે. એટલે એકને જે નુસખો અનુકૂળ આવ્યો હોય તે બીજાને અનુકૂળ રહેશે જ તે ચોક્કસ કહી શકાય નહીં. વળી અજમો ,જીરું , સૂંઠ, મરી વગેરે નિર્દોષ ઔષધિ હોવા છતાં તેને યોગ્ય માત્રામાં લઈએ તો જ અસર કરે . તેથી માત્ર યુ ટ્યુબ કે ફેસબુક પર જોઈને અખતરા કરતાં ખતરામાં પડી શકીએ છીએ. માહિતી આપનાર યોગ્ય ચિકિત્સક છે. તેની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે આજે ઊંટવૈદું કરી ફેમસ થનારનો તોટો નથી. તેથી જ આરોગ્ય સંબંધી કોઈ પણ જાણકારી પૂરતી ચોકસાઈ પછી પોતાની પ્રકૃતિ અનુસાર જ અનુસરવી તેમાં જ આપણું હિત રહેલું છે.
સુરત – ભાવના ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.