Madhya Gujarat

મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવી વાહનમાલિકોને પરત ન આપી છેતરપિંડી આચરી ડાકોરમાં છેતરપિંડી કેસમાં કોન્સ્ટેબલ સહિત 4 પકડાયાં

નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર ચાર સાગરિતોને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી પોલીસે 32 ગાડીઓ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં ડોનબોસ્કો સ્કુલની સામે આવેલા સ્વાગત હોમ્સમાં રહેતાં રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ વ્યવસાયે વકીલ છે.

પરંતુ તેઓ થોડા સમય પહેલા આર્થિક મુશ્કેલીમાં મુકાયાં હોય તેવા વાહનમાલિકોને ટાર્ગેટ કરી ગાડીના ભાડા પેટે તગડી રકમ આપવાની લાલચ આપતાં હતાં. ગાડીના બદલામાં દર મહિને તગડું ભાડું મળવાની લાલચમાં વાહનમાલિકો લલચાઈ જતાં હતાં. આમ અનેક વાહનમાલિકોએ પોતાની મોંઘી ગાડીઓ રવિન્દ્રભાઈ પાસે ભાડે મુકી હતી. જો કે ભાડાકરાર પુરા થયાં બાદ પણ રવિન્દ્ર ભટ્ટ વાહનમાલિકોને ગાડી પરત સોંપાતો ન હોઈ મામલો પોલીસમથક સુધી પહોંચ્યો હતો. આ બાબતે ભરૂચ તાલુકાના પાલેજ ગામમાં રહેતાં અનવરઅલી મહોમંદઅલી સૈયદે ગત તા.૬-૩-૨૧ ના રોજ રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ વિરૂધ્ધ ડાકોર પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી બાજુ અમદાવાદમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી એટલે કે કિંમતી ગાડીઓ ઉંચા ભાડે મેળવી વાહનમાલિકને પરત ન આપનાર ચિંતન શર્મા, અક્ષય દેસાઈ, વિશાલ પ્રજાપતિ અને કલરવ દેસાઈને અમદાવાદના ઓઢવ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કડકાઈ દાખવી આ ચારેયની પુછપરછ કરતાં તેઓએ ડાકોરના રવિન્દ્રભાઈ પ્રમોદરાય ભટ્ટ સાથે મળી છેતરપિંડીનું રેકેટ ચલાવતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી કુલ 32 ગાડીઓ જપ્ત કરી ડાકોર પોલીસમથકમાં સોંપ્યાં હતાં. ડાકોર પોલીસે ચારેય આરોપીઓનો કબ્જો મેળવ્યાં બાદ કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અક્ષય દેસાઈ ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે

લક્ઝુરીયસ ગાડીઓ ઉંચી કિંમતી ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકને પરત ન સોંપી છેતરપિંડી આચરનાર ચિંતન શર્મા, અક્ષય દેસાઈ, વિશાલ પ્રજાપતિ અને કલરવ દેસાઈને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જે બાદ પોલીસે ચારેય જણાંની પુછપરછ હાથ ધરી હતી. જેમાં અક્ષય દેસાઈ નામનો આરોપી આઈ ડિવિઝન ટ્રાફિક વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને તે આવી ગાડીઓની નંબરપ્લેટ કાઢી અલગ-અલગ જગ્યાએ ગીરવે મુકવાનું કામ કરતો હતો. ચિંતન અને વિશાલ આ કામના મુખ્ય આરોપી રવિન્દ્ર ભટ્ટ સાથે મળી ડાકોરથી ગાડીઓ લાવી અમદાવાદમાં વેચવાનું તેમજ સંતાડી રાખવાનું કામ કરતાં હતાં. જ્યારે કલરવ પટેલ આવી ગાડીઓ ખરીદતો હતો.

Most Popular

To Top