Charchapatra

ખર્ચાળ ભારત કે ઇકોફ્રેન્ડલી ઈન્ડિયા

બોદા વચનો, બેસુમાર જાહેર ખર્ચાઓ, શાબ્દિક માયાજાળ, અણઘડ આયોજન, કોમી એખલાસને ગીરવે મૂકી રાજકીય લાભ ખાટવા નિતનવા નુસ્ખાઓએક તરફ લાગેલી જનઆક્રોશની આગને બીજી દિશામાં વાળીને પ્રજાની આંખે ધૂળ ઝીંકતા ચાલબાજીની નૌટંકીઓનો પર્દાફાશ તો આવનારો સમય કરશે. સત્તાનો દુરુપયોગ થઈ રહેલ છે, એ હકીકતની વાતો હવે મંજૂર નથી માલેતુજાર અજાણ નથી. સરાજાહેર અન્યાય થાય ત્યારે આવનારી પેઢીની પ્રજા માફ કરે એ ભીંત ભૂલવા જેવુ છે.

છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન આ દેશમાં સતત પરિવર્તનને બદલે જોખમી પુનરાવર્તન નિહાળી રહેલ અસંખ્ય અલ્પશિક્ષિત વર્ગ સમેત મોંઘવારીનો સતત માર ખાતો બહોળો મધ્યમવર્ગીય મતદાર હવે પછીની આવનાર પ્રત્યેક ચૂંટણીઓ યોજાશે ત્યારે પોતાનો મહામૂલો એક મત આપતી વખતે ક્ષણિક વિચારશે કે આ વખતે હું, જાહેર ખર્ચાઓ કરી સરકારી તિજોરીને ધીમેધીમે ખાલી કરીને માથા દીઠ જાહેર દેવુ વધારતા જતાં ભારતનું કાલ્પનિક ગુલાબી ચિત્ર દોરનારને મારો મત આપીશ? કે પછી આઝાદીનાં સમયથી જ ઈકોફ્રેન્ડ સમા ઈન્ટલીજન્ટ મૂલ્યનિષ્ઠ મતદાર બનીશ!
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સાંપ્રદાયિક સૌહાર્દ
સામાન્ય માણસો ગમે તે ધર્મ અને જાતિના હોય જ્યારે વાત રોજબરોજના જીવનની આવે છે તો એકદમ હળીમળીને શાંતિથી જીવન જીવતા હોય છે. વર્ષોથી જ્યારે એકબીજાની આડોશ પાડોશમાં રહેતા હોય ત્યારે દરરોજ સાથે બોલવા ચાલવાના સંબંધો હોય છે. વાર તેહવાર કે સારાનરસાં પ્રસંગોમાં સૌથી પહેલા આપણી સાથે ઉભા રહેતા હોય છે. પરંતુ જ્યારે કોઈ રાજનીતિક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે અમુક નાસમજ અને નાદાન લોકોને પોતાનો હાથો બનાવે છે ત્યારે આ સૌહાર્દ એ તણાવમાં બદલાય છે.

એવામાં ઉપરથી અમુક ન્યુઝ ચેનલો પર આવા બનાવોને આગમાં ઘી નાંખીને બતાવવામાં આવે છે. જ્યારે તમારું શહેર ગંદકી, રોગચાળા, ખરાબ રોડ રસ્તા, કે ભ્રષ્ટ અધિકારીઓનાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, પ્રાઇવેટ સેક્ટરની લૂંટ, દારૂનાં અડ્ડા કે આવી અનેક પ્રજાની સમસ્યાઓ સામે ખદબદી રહ્યું હોય ત્યારે કોઈ નેશનલ ન્યુઝ પર એની ચર્ચા કે ડીબેટ આજ સુધી જોઈ? પણ જેવી વાત ધર્મની કે સંપ્રદાયની હોય એટલે એ નેશનલ ન્યુઝ બની જાય. આ નેતાઓ જે પોતાને ધર્મના રક્ષકો માને છે એમના પરિવારના કોઈપણ સભ્યો આવે છે રસ્તા પર ધર્મની રક્ષા કરવા? હવે પ્રજા જાગી ગઈ છે અને પોતાની સમજણ શક્તિનો પરિચય આપે છે. લોકો આમ જ સાંપ્રદાયિક સૌહાર્દમાં જ રહે કોઈના દોરવાયા દોરવાઈ ન જાય એવી જ પ્રાર્થના.
સુરત     – કિશોર પટેલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top