Charchapatra

મોંઘવારી સાથે ખર્ચા પણ તો વધ્યા છે

આપણે હંમેશા વધતી મોંઘવારીને સરકારી નીતિ સાથે જોડી દઇએ છીએ. પણ જયાં એક કમાવવાળો અને દશ ખાવાવાળા હોય કે પછી ચાર ખાવાવાળા હોય તે વચ્ચેનો તફાવત જે સમજી શકે તે મુદ્દાને યોગ્ય રીતે સમજી શકે. આપણા દેશનો વસ્તી વિસ્ફોટ જબરદસ્ત છે. વસ્તીને કાબૂમાન લાવવાની જરૂર છે. વળી આપણા ખર્ચાઓ પણ તો સતત વધારી દીધા છે. ખાનગી અને જાહેર લોન, પેટ્રોલ, ડીઝલ, ગેસનો ખર્ચ, લાઇટબીલ, ખાધા ખોરાકી હાથ ખર્ચી પર કાબૂ રાખ્યો નથી. તેથી તમે ગમે તેટલું કમાવો મહિનાના અંતે ઠનઠન ગોપાલ બની જઇએ છીએ અને સરકારને દોષ આપીએ છીએ. દેખાદેખી મોજશોખ એટલા બધા વધી ગયા છે કે આ તો કરવું જ પડેનો ભ્રમ આત્મહત્યા સુધી દોરી જાય છે.

તો જવાબદારી સરકારને માથે! આવકના સ્ત્રોત 2 કે 3 અને ખર્ચાના સ્ત્રોત 50-100હોય તો પાથરવું ટૂકું જ પડે ને. આપણી આગલે પેઢી લોનનો ઉંધો અર્થ સમજાવતી ન લો આજે વ્યવસ્થા જ એવી ઉભી થઇ છે કે દરેક વ્યકિત લોન માથે લઇ સતત તાણમાં જીવે છે. તમે ફકત ઘરમાં બેસી રહોને તો વ્યકિત દીઠ પાંચથી દસ હજાર માસિક ખર્ચ તો થાયજ તેવી પરિસ્થિતિ આપણે સર્જી છે અને મહિને પચાસ હજાર કેવી રીતે કમાવાય છે તે કમાનારને જ પૂછો. યુવતી, દિકરા-દીકરી કાબૂ બહારના ખર્ચા કરે છે તેનો અભ્યાસ સાથેનો માસિક ખર્ચ રૂા. દશથી પચાસ હજારનો થયો છે ત્યારે બાપ તો બાપડો જ બની જાય ને! મોંઘવારીને નહી ખર્ચાને દોષ દો, તેની પર નિયંત્રણ લાવો. વધુ બેલેન્સ થઇ જશે.
સુરત            – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અખબાર આપના જીવનનું એક સાથી-દોસ્ત
‘ખિંચો ન કમાનોકો, ન તલવાર નિકાલો જબ તોપ હે મુકાબીલ તો અખબાર નિકાલો સવાર પડે આપના ધર્મ કર્મનું પહેલું આ કામ કરીએ છીએ. તે બાદ બીજું કામ તે અખબાર વાંચવાનું. અખબાર વાંચવાની એક જાતની તાલાવેલી હોય છે. કેમકે અખબાર આપને દેશ વિદેશના સમાચારો વિદ્વાન લેખકોના લેખો, કાવ્યો, વાર્તાઓ આપના જીવન વ્યવહારની અનેક બાબતો રજૂ કરીને જ્ઞાન સાથે ગમ્મત, સંસક્ાર માનવતા દયા આ બધાનું આપનું માર્ગદર્શન બને છે. અખબારનો જો એક દિવસ ખાલી જાય તો એની કદર આપને માલમ પડે છે. આપણે આ અખબારને કેમ ભૂલીએ? અખબાર ચલાવનારની સંસ્થાઓ, વ્યવસ્થાપકો, વિદ્વાન લેખકો, ચર્ચાપત્રીઓના આપને આભારી છે. આપને અલ્લાહ ઇશ્વર પાસે એજ દુઆ પ્રાર્થના કરીએ આ સઘળાને અમૂલ્ય સેવા કરવાની શકિત સહેત, લાંબુ આયુષ્ય બક્ષે એજ આપના દિલની દોઆ પ્રાર્થના શુભેચ્છા.
સુરત   – મોહસીન એસ. તારવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઇ-વાહનોની બેટરીનો ખતરો
પેટ્રોલ-ડીઝલના ભાવના તોતીંગ વધારા સામે ઇલેકટ્રીક વાહનો એક સરસ વિકલ્પ છે. સોલાર સિસ્ટમથી કુદરતી ઊર્જાનો સંચય કરી આપણે ઇ-કાર કે ઇ-બાઇકનો વિકલ્પ અપનાવી આપણા બજેટને ખોરવાતું અટકાવી શકે છે. પરંતુ દરેક વસ્તુના સારા – નરસાં બંને પાસા હોય એમ, ચાર્જિંગમાં ઇલેકટ્રીક વાહનોની બેટરી ફાટી આગ લાગવાના ઘણા કિસ્સા સંભળાય છે. બેટરી ફાટવાથી ઇ-વાહન તો બળીને ખાખ થઇ જાય છે. પરંતુ આગ લાગે તો બીજુ ઘણુ નુકશાન પણ થઇ જાય છે. આવી જ દુર્ઘટના ઇ-રીક્ષા સાથે પણ બની ચુકી છે. તો આવાં ઇ-વાહનો બનાવતી કંપનીએ આ બેટરીની ગુણવત્તા, એની ચાર્જિંગની ક્ષમતા કે પછી અન્ય કારણો તપાસવા જોઇએ. સૌરઉર્જાનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવામાં જાગૃત પ્રજા ભવિષ્યમાં ઇ-વાહનોનો ઉપયોગમાં પણ આગળ વધે. અને માટે જ આવી દુર્ઘટના ઇ-વાહનોના માલિક સાથે ન બને કે કોઇ અન્ય જાનહાની કે માનહાની ન થાય. એ માટે બેટરીની જો કોઇ ખામી હોય તો તે અંગે તપાસ કરી એના પ્રત્યે યોગ્ય કાર્ય કરવામાં આવે તો ભવિષ્યમાં ઇ-વાહનોની સેફટી વધારી બેટરીનો ખતરો દૂર કરી શકાય.
અમરોલી        – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top