Gujarat

દોઢ કરોડ સુધી મેડિકલ સાધનો ખરીદવા ધારાસભ્યના ફંડમાંથી ખર્ચ કરવા સરકાર મંજૂરી આપે

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરીને એવી રજૂઆત કરી છે કે રાજયમાં કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોને તેમના ધારાસભ્ય તરીકેના વિકાસ ફંડમાંથી ૨૫ લાખ નહીં પરંતુ દોઢ કરોડની રકમ કોરોના કાળમાં મેડિકલ સુવિધાઓ વિકસાવવા માટે ખર્ચ કરવાની સરકારે મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચ દ્વારા હાલમાં જે સુઓમોટો જાહેર હિતની રીટની સુનાવણી કરાઈ રહી છે, તેમાં પક્ષકાર તરીકે તેઓને બન્ને જોડાવવાની મંજૂરી આપવી જોઈએ.

તાજેતરમાં રાજય સરકારે એવો નિર્ણય લીધો હતો કે રાજયમાં ધારાસભ્યો તેમના ધારાસભ્ય તરીકેના વિકાસ ફંડમાંથી ૨૫ લાખની રકમ તેમના મત વિસ્તારમાં કોરોના કાળમાં ઓકિસજન સુવિધા કે મેડિકલ સાધનોની સુવિધા વિકસાવવા માટે ખર્ચ કરી શકશે.

જો કે રીટમાં એવી દલીલ કરાઈ છે કે કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં દોઢ કરોડની રકમ કોરોના મહામારીને ધ્યાને રાખીને જરૂરી મેડિકલ સાધન સામગ્રી ખરીદવા સહાય પેટે ધારાસભ્ય તરીકેના વિકાસ ફંડમાંથી ખર્ચ કરવાની સરકારે મંજૂરી આપવી જોઈએ.

Most Popular

To Top