Madhya Gujarat

મહિસાગરને વ્યસનમુક્ત અને તંદુરસ્ત જિલ્લો બનાવવા કવાયત

આણંદ : મહિસાગર જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને સંચારી રોગ મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં તમાકુના સેવન અને સરકાર દ્વારા અવારનવાર અપાતા પોષણક્ષમ ખોરાક વાસ્તવમાં ખાવામાં આવે છે કે કેમ ? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિસાગર કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સંચારી રોગ કમિટી મિટીંગ યોજાઇ હતી. જેમાં ગુજરાતભરમાં પ્રવર્તમાન રોગો અંગે જિલ્લા ક્ષેત્રે મહિસાગર આરોગ્ય તંત્રની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં તમામ તાલુકા મુજબ આંકડા સાથે કેસની વિગતો સહિત કેવી કામગીરી થઈ રહી છે, જેની રજુઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા અન્ય આરોગ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તમાકુના સેવન અને સરકાર દ્વારા અવારનવાર અપાતા પોષણક્ષમ ખોરાક વાસ્તવમાં ખાવામાં આવે છે કે કેમ ? તે અંગે પણ ચિંતા વ્ચક્ત કરવામાં આવી, જિલ્લાના તમામ વિભાગો આ ક્ષેત્રે કેવી રીતે કામગીરી કરી શકે તે અંગે વિચારણના અંતે કલેકટર દ્વારા તમાકુનું સેવન ઓછું થાય તે માટે નક્કર પગલા લેવા તથા ખોરાકના એક જ સ્ત્રોતના બદલે જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ લોકો કરતા થાય તે માટે કામગીરી થાય તેવા પ્રયત્નો હાથ ધરવા માર્ગદર્શન અપાયું હતું.

કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાના અંતે તેમને પડતી મુશ્કેલીઓ તથા જિલ્લામાં ક્યાં ક્ષેત્રે વધુ કામની જરુર છે. તે અંગે સુચના આપવામાં આવી હતી. અહી નોંધનીય છે કે, મિટીંગમાં ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના પ્રતિનીધી દ્વારા તમાકુ પ્રતિબંધની જરુરીયાતો અંગે રજુઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ, શિક્ષણ અધિકારી પી.એન.મોદી, માહિતી અધિકારી શૈલેષ બલદાણીયા, પુરવઠા અધિકારી, સર્વેક્ષણ અધિકારી, પોલીસ પ્રતિનિધી, વન-વિભાગ પ્રતિનિધી વગેરે હાજર રહ્યા હતા.

Most Popular

To Top