Business

શાળા કોલેજોમાં કસરત રમત ગમત એ બધાની તો “ગેમ” થઇ ગઈ છે

કેળવણી,ઘડતર એ બધા શબ્દો વ્યાપક અર્થછાયા ધરાવે છે. શિયાળો આવે એટલે માત્ર ઠંડીની ઋતુ નથી આવતી. શિક્ષણના ક્ષેત્રમાં તે અનેકવિધ પ્રવૃત્તિની ઋતુ લાવે છે. શાળાકીય શિક્ષણમાં આમ તો દર શનિવારે રમતગમતનો તાસ હોય અને એમાંય શિયાળાની ઋતુ આવે એટલે પ્રાર્થના પછી તરત સમૂહ કસરતનો કાર્યક્રમ થાય. શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક મિત્રો સમગ્ર સ્કૂલનાં બાળકોને સમૂહમાં અંગ કસરત કરાવે.

હવે આવું દૃશ્ય જોવા મળતું નથી.જૂની હિન્દી ફિલ્મોમાં આ સમૂહ કસરતનાં દૃશ્ય અને તેમાં થતી રમૂજ કાયમ જોવા મળતી. હવે તો બાળકો કસરત શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે. પોલીસ કે અન્ય ભરતી આવે ત્યારે ઘડિયાળના કાંટે દોડ લગાવનારા યુવાનો પણ સ્કૂલમાં દોડ કે કસરત કરતા નથી. બાળકના ઘડતરમાં લખવા વાંચવા સિવાયના શિક્ષણનું પણ મહત્ત્વ છે તે સરકારવાળી સ્કૂલ સૌએ સમજવા જેવું છે. સરકારને શાળા કોલેજોમાં શારીરિક શિક્ષક અધ્યાપકની ભરતી કરવામાં રસ નથી.

શાળા કોલેજોમાં રમત અને અંગકસરત માત્ર કાગળ ઉપર ચાલે છે કારણ કે શાળાઓ પાસે રમતનાં મેદાન નથી. જે પ્રાથમિક શિક્ષણમાં રમત અને કસરત શિક્ષણનો અગત્યનો ભાગ છે ત્યાં આ સ્કૂલો કોમ્પ્લેકસમાં ચાલે છે. શાળાઓ પાસે રમતના મેદાન નથી, ટેકનીકલી મેદાન છે પણ સ્કૂલથી દૂર છે અને તેનો મહિને એકાદ વાર ઉપયોગ થાય છે. સરકારના શિક્ષણ વિભાગને અપાર કાર્ડ જનરેટ કરવામાં જે રસ છે તે બાળકોના રમત ગમત અને કસરતમાં નથી.

આમ તો યોગ અને આસનો ભારતની દુનિયાને ભેટ છે. હજુ હમણાં સુધી ખેતીપ્રધાન ગ્રામ વ્યવસ્થામાં અંગ કસરત અને શારીરિક મહેનત આપણા રોજિંદા જીવનનો ભાગ હતું. ગામ,શહેરોમાં યુવાનો કબ્બડી ખો ખો જેવી રમત રમતાં બાળકો થપ્પો પકડદાવ જેવી સ્ફૂર્તિદાયક રમત રમતાં અને શાળાઓમાં પણ આ રમતો રોજ રમાતી. હવે શહેરોમાં ક્રિકેટ પણ આખું નથી રમાતું.ક્રિકેટ રમત કરતાં મનોરંજન વધારે થઇ ગયું છે. બોક્સ ક્રિકેટ રૂપિયાવાળાં લોકો માટે સ્ટેટ્સ સિમ્બોલ બનતું જાય છે. ક્રિકેટમાં મેદાનમાં રમવાને બદલે સટ્ટો રમાય છે.

ભારતની માંગણી થઇ વિશ્વ યોગ દિવસની શરૂઆત થઇ પણ યુરોપના દેશોમાં જૂન જુલાઈમાં ગરમી હોય, સૂર્ય પ્રકાશ હોય, ડિસેમ્બર- જાન્યુ.ના દિવસોમાં ત્યાં ખૂબ ઠંડી હોય, વરસાદ હોય માટે તેમણે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો. આપણે જૂનમાં બફારો વરસાદ અને તાપ હોય જ્યારે યોગ માત્ર દેખાવ પૂરતો થાય, સરકારી ઉજવણી જેટલો થાય. આપણે ખરેખર યોગ અને આસનો કરવા માંગતા હોઈએ તો તે આ શિયાળામાં જ થયા. સરકાર વિશ્વ યોગ દિવસનું સન્માન કરે, પણ જો ભારતમાં ખરેખર યોગ કરાવવા હોય  તો આ ઠંડીના દિવસોમાં “રાષ્ટ્રીય યોગ દિવસની” જાહેરાત કરે અને શાળા કોલેજોમાં વ્યાયામ શિક્ષક અધ્યાપકની ભરતી કરે. 

એક તો ભારતમાં ઔપચારિક  શિક્ષણ શરૂ થયાના આટલા વર્ષ પછી પણ, આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળકોને શાળામાંથી સારા સંસ્કાર મળે, તેનો સર્વાંગી વિકાસ થાય.  હવે આજની  શિક્ષણવ્યવસ્થામાં શિક્ષણ માંડ માંડ મળે છે તો સંસ્કાર ક્યાંથી મળે! શારીરિક સ્વાસ્થ્ય ક્યાંથી મળે? ન મળે એવું નથી. પણ, મળે ખરા અને ના પણ મળે. શિક્ષક દરેક વિદ્યાર્થીને  વ્યક્તિગત ભણાવતો નથી તો તેની વ્યક્તિગત બાબતોનું ધ્યાન ક્યાંથી રાખે? હા, ઘણાં એવું માને છે કે સારી સારી વાર્તાઓ કહેવાથી બાળકોમાં સંસ્કાર આપોઆપ આવે …જો આવું માનતા હો તો તે ભૂલભરેલું છે.

ખરેખર તો આપણે સંસ્કાર અને ટેવનો ભેદ સમજવાની જરૂર છે. જે બાબત પ્રયત્નપૂર્વક શીખવાડવામાં આવે છે. બાળક એ ગમે કે ના ગમે કરે છે, મન જુદી દિશામાં હોય અને વર્તન જુદી દિશામાં હોય તે ટેવમાં બની શકે છે. ટેવ મોટે ભાગે બાહ્ય વર્તન છે જે જોઈ શકાય છે, ઔપચારિક છે. જયારે સંસ્કાર એ અનાયાસે વર્તનમાં પ્રગટે છે જેમાં એક માનવકલ્યાણનો વિચાર હોય છે. તેમાં સદગુણ હોય છે. બાળક જગતના નિરીક્ષણમાંથી અનાયાસે જ સારા નરસાનો ભેદ સમજવા માંડે છે, તે સંસ્કાર છે. તેને સૂચિત ના કરો તો પણ તે મુજબ વર્તે છે.

શક્ય છે કે ટેવ લાંબા ગાળે સંસ્કારમાં પરિવર્તિત થાય અને સંસ્કાર મુજબ વર્તનની માણસને ટેવ પડે . એટલે ભેદ ટૂંકા ગાળાનો અને આયાસ, અનાયાસનો છે. પણ શરૂઆતના તબક્કે અને શીખવાડવાની પદ્ધતિના સંદર્ભે તો ટેવ અને સંકાર જુદા જ છે. હવે મુદ્દો એ છે કે સંસ્કાર આપવાનું કામ સ્કૂલનું જ છે? શું સંસ્કાર માત્ર શાળામાંથી જ મળે? ના, કદાચ સારી સ્કૂલમાંથી બાળક સારી ટેવો શીખે અને આ ટેવો જ લાંબા ગાળે તેના સહજ સંસ્કાર બને પણ બાળકનું સહજ અને સમગ્ર વર્તન તો આખું સામાજિક પર્યાવરણ નક્કી કરે છે અને તેમાં મોટો ભાગ ઘર પરિવારનો છે.

ખાસ કહીએ તો ઘરના વડીલો કઈ રીતે વર્તે છે.શું વિચારે છે શું કરે છે તે જોતાં જોતાં બાળક ઘડાય છે. આપણે એવું માનીએ કે બાળકને તો જેવું શીખવાડીએ તેવું તે શીખે તો તે ભૂલભરેલું અને અર્ધ સત્ય છે. બાળક સતત આપણને જોતું હોય છે. આપણાં વાણી વર્તનને જોતું હોય છે, ધ્યાન રાખતું હોય છે. આપણે બાળકને ભલે કહીએ કે સાચું બોલવું, ચોરી ના કરવી, નફરત અને ગુસ્સો સારા નહિ વગેરે પણ જો આપણે જ તેની હાજરીમાં અન્ય સાથેની વાતમાં જુઠ્ઠું બોલતા હોઈએ, વારે વારે ગુસ્સો કરતા હોઈએ, ચોરી તો ડગલે ને પગલે હોય, નફરત અને હિસ્સાનું પ્રમોશન હોય તો બાળક આ નહીં કહેવાયેલી વાતો જ ગ્રહણ કરશે. કારણ તે આપણા, વડીલોના વર્તનમાં તેણે જોઈ છે. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top