નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. સપા નેતા સ્વામી પ્રસાદેનુ આજરોજ નવું નિવેદન સામે આવ્યું છે જેના કારણે માહોલ ગરમાયો છે. તેમણે કહ્યું કે જો કોઈ અન્ય ધર્મના વ્યક્તિએ કોઈની ગરદન કે જીભ કાપવાનું નિવેદન આપ્યું હોત તો ધર્મગુરુઓ અને સંતોએ તેને આતંકવાદી જાહેર કર્યો હોત, પરંતુ આજે આ લોકો મારું માથું અને જીભ કાપવાની વાત કરી રહ્યા છે, તો શું કરવું જોઈએ? હું તેમને શેતાન, જલ્લાદ કે આતંકવાદી માનું!.
આ અંગે અયોધ્યામાં રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ધાર્મિક નેતાઓ પર કટાક્ષ કર્યા બાદ સ્વામી પ્રસાદ મૌર્ય પર વળતો પ્રહાર કર્યો છે. આચાર્યએ કહ્યું કે ‘સાધુ-સંતો ભગવાનના ભક્ત છે, તેઓ તેમના કહેવાથી આતંકવાદી-જલ્લાદ નહીં બને’. વ્યક્તિ ગમે તેવી માનસિકતા ધરાવે છે, તે સંતો પ્રત્યે તે જ વ્યક્ત કરે છે જે તેની માનસિકતા હોય. તેની માનસિકતા જલ્લાદ, રાક્ષસ, પિશાચની છે તેથી તે આ અર્થમાં બોલી રહ્યો છે.
જાણકારી મુજબ સ્વામી પ્રસાદે તાજેતરમાં રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી કારણ કે તેમાં બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ ગ્રંથ લખ્યો છે. આ બાબતની નોંધ લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત રાખવો જોઈએ અથવા તો આ સમગ્ર પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેંવુ નિવેદન આપ્યું હતું. સ્વામી પ્રસાદના આ નિવેદન ના કારણે ભારે હોબાળો થયો હતો. આટલું જ નહીં તેની સામે લખનૌમાં આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A, 298, 504 અને 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જો કે સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કહ્યું હતું કે તેમણે ન તો ભગવાન રામનું અપમાન કર્યું છે અને ન તો રામચરિતમાનસનું અપમાન. તેમણે કહ્યું હતું કે અમને કેટલીક ચોપાઈઓ સામે વાંધો છે. સ્વામી પ્રસાદે કહ્યું હતું કે તેમણે કોઈ પુસ્તક કે ભગવાન વિરુદ્ધ કંઈ કહ્યું નથી. હું મારા નિવેદન પર અડગ છું. અમે રામાયણના તે પંક્તિઓ સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં દલિતો અને પછાત લોકોનું અપમાન કરવામાં આવ્યું છે, તે ભાગ રામચરિતમાનસમાંથી હટાવવા કહ્યું છે. સ્વામી પ્રસાદે કહ્યું હતું કે જો સંત મહંતો, ધર્મ આચાર્યો, મોટા પુજારી પંડાઓને ગાળો ગમતી નથી, તો આપણને અપમાન કેવી રીતે ગમશે. એમ પણ કહ્યું કે માત્ર એક ચોક્કસ જાતિના લોકો જ તેમનો વિરોધ કરી રહ્યા છે. પૂજારીઓને ડર છે કે જો મારી સલાહ પર દલિત અને પછાત લોકો એક થઈ જશે તો લોકો મંદિરમાં આવવાનું બંધ કરી દેશે, જેના કારણે પ્રસાદ અને પેટ પૂજા બંધ થઈ જશે. તેનો ધંધો અટકી જશે.