કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને સોંપવામાં આવી છે જે મુજબ કોન્ટ્રાક્ટ કર્મીઓ ગામમાં વીજ વપરાશ ધરાવતા ગ્રાહકોના ઘેર ઘેર ફરીને મીટર રિડિંગ કરી એમજીવીસીએલ દ્વારા ફાળવવામાં આવેલા મીટર રિડિંગ પર દર્શાવેલ વપરાશ આંક સાથે કંપનીના યુનિટ દર મુજબ બિલ આપવામાં આવે છે, જેમાં અવારનવાર છબરડાઓ થતા હોવાની ઘટનાઓ પણ બને છે.
જે મધ્યે તાજેતરમાં કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં રહેતા ફુલસિંહ રણછોડભાઈ સોલંકીના ઘરનું બુધવારે બિલ બનાવવા માટે આવેલી એક યુવતીએ રૂ. ૫૩૩૬ જેટલું બનાવીને આપ્યું હતું.જે પાછલા બિલોની સરખામણીમાં અનેકગણું વધારે હોવાથી મકાન માલિકે ગુરુવારે પોતાના મીટર રિડિંગ આંકનો મોબાઈલમાં ફોટો પાડીને કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં કચેરીમાં પોતાના મિટર રિડિંગનો ફોટો બતાવી હકીકત મુજબના યુનિટ વપરાશના આંક મુજબ બિલ બનાવતા ૩૪૭ જેટલું બિલ આવ્યું હતું. જેથી મીટર રીડર સામે ગ્રાહકને પાંચ હજાર રૂપિયાની ખોટી ચુક જોવા મળી હતી. આ ભુલચુકના એક દાખલાને કારણે એમજીવીસીએલ વિભાગના બીલ ફાડતા અને ગ્રાહકોની સાથે છબરડા કરતા કોન્ટ્રાક્ટ મીટર રીડરોની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.