National

બિહારમાં બાકાત મતદારો આધાર વડે પણ ઓનલાઇન દાવા કરી શકશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 22 (PTI): સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે બિહારમાં મતદારયાદીમાંથી બાકાત થઇ ગયેલા મતદારોને તેમના દાવાઓ આધાર કાર્ડ વડે અથવા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઇઆર) પ્રક્રિયામાં સૂચવવામાં આવેલા અન્ય ૧૧ દસ્તાવેજોમાંથી કોઇ પણ એક વડે ઓનલાઇન કે રૂબરૂ રીતે કરવાની છૂટ આપે.

૧ ઓગસ્ટના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા મતદારોને વાંધા દાખલ કરવામાં મદદ કરવા માટે રાજકીય પક્ષો આગળ ન આવવા બાબતે ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારબાદ તેમણે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીને કોર્ટ કાર્યવાહીમાં રાજકીય પક્ષોને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ રજૂઆત કરી કે ચૂંટણી પંચે ૬૫ લાખ બાકાત રાખવામાં આવેલા મતદારોની સંપૂર્ણ યાદી કારણો સાથે જાહેરમાં મૂકી છે અને તેને જિલ્લા ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય, પંચાયત અને બ્લોક સ્તરની કચેરી, વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરી છે. તેમણે ઉમેર્યું કે, યાદીઓ દરેક મતદાન મથક પર પણ મૂકવામાં આવી છે.

કોર્ટે રાજકીય પક્ષોને તેમણે જે બાકાત મતદારોને મદદ કરી હોય તેમના દાવા ફોર્મ પર આગામી સુનાવણીની તારીખ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું. તેણે આ મામલાની વધુ સુનાવણી 8 સપ્ટેમ્બરના રોજ મુલતવી રાખી હતી. તેણે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને તેમના 1.60 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટો (BLA) ને ચોક્કસ નિર્દેશો જારી કરવાનો નિર્દેશ આપ્યો, જેથી મૃતક જાહેર કરાયેલા અન અન્ય મતવિસ્તારમાં સ્થળાંતર કરનારા દર્શાવાયેલા 65 લાખ બાકાત મતદારોના દાવા ફોર્મ ભરવામાં સુવિધા મળે.

કોંગ્રેસના પ્રભારી સંદેશાવ્યવહાર મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે પક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરે છે. લોકશાહી ભારતના ચૂંટણી પંચના ક્રૂર હુમલામાંથી બચી ગઈ છે એમ તેમણે કહ્યું હતું. આજે ચૂંટણી પંચ સંપૂર્ણ ઉઘાડું પડી ગયું છે અને તેના જી૨ ટેકેદારો નિર્ણાયક રીતે હારી ગયા છે એમ કોંગ્રેસના સંગઠનના ઇન-ચાર્જ મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું.

Most Popular

To Top