Charchapatra

ટેક્નોલોજીનો અતિરેક નુકસાન કરે છે

આપણી સગવડ અને સુવિધા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ જ ટેક્નોલોજીનો અતિરેક થાય ત્યારે તે નુકસાનકારક બની રહે છે. સભાખંડમાં બધાં સ્પષ્ટ સાંભળી શકે એ માટે સ્પીકરનો ઉપયોગ શરૂ થયો. પરંતુ આ જ લાઉડ સ્પીકરો દ્વારા હાઈ પીચ પર અવાજ કાનફાડુ બની જાય ત્યારે તે ત્રાસદાયક બને છે. જાહેરમાં છાસવારે ઊજવાતા ઉત્સવ પ્રસંગોમાં ડીજેનો ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણની ચરમ વૃદ્ધિ કરે છે. સંગીતનાં સાધનોમાં ટેક્નોલોજીના કારણે સંગીતનું સ્તર સુધર્યું હોય એવું લાગતું નથી.

કેમ કે જૂનાં ફિલ્મી ગીતોમાં ટાંચાં સાધનો વડે જે કર્ણપ્રિય મધુર સંગીત અપાયું એવું માધુર્ય અત્યારની ટેક્નોલોજીના ઉપયોગથી અપાતાં સંગીતમાં નથી. હમણાં એક કોલેજના વાર્ષિકોત્સવમાં એક દીકરીએ ખૂબ સુંદર ભરતનાટ્યમ્ રજૂ કર્યું. પરંતુ સ્ટેજના પરદા પર સતત બદલાતી LED ઇફેક્ટને કારણે એ નૃત્યની ભાવભંગિ અને મુખભાવો   સ્પષ્ટ રીતે કળી જ ન શકાયાં. સતત નેપથ્યના પડદે પડતી LED ઇફેક્ટ નૃત્યને અવરોધક બની. માનવીય સંવેદના અને મનોભાવો ટેક્નોલોજી કારણે રૂંધાઈ જાય એ પહેલાં ટેક્નોલોજીના ઉપયોગ વખતે વિવેકભાન જાળવતાં શીખવું અનિવાર્ય છે. નહીંતર AI મનુષ્યત્વને પણ નામશેષ કરી દેશે.
કીમ, સુરત- પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top