સારી તંદુરસ્તી માટે ખાનપાનમાં પણ સંતુલન રાખવું બહુ જરૂરી છે. ઘણી વાર આપણે જાતે જ સમજયા – વિચાર્યા વગર મલ્ટીવિટામિન્સનું વધુ પ્રમાણમાં સેવન કરીએ છીએ અથવા તો ૩૦ વર્ષ બાદ હાડકાં કમજોર થઇ જાય છે એમ વિચારી પ્રોટિન અને કેલ્શિયમની કેપ્સ્યુલ ખાઇએ છીએ પરંતુ ડોકટરની સલાહ વિના સમજયા – વિચાર્યા વિના સપ્લીમેન્ટસ લેવાની આદત નુકસાનકારક બની શકે છે. લેન્સ્ડ ડાયટનો અર્થ છે સમતોલ આહાર. પોષક તત્ત્વોનું આ સંતુલન કેવી રીતે જાળવવું એ દરેક વ્યકિતની શારીરિક સ્થિતિ પ્રમાણે અલગ હોઇ શકે છે.
એટલે દરેક વ્યકિતનો સમતોલ આહાર જુદો હોય છે. જેમાં બધાં પોષક તત્ત્વોનું સપ્રમાણ અને જરૂર પડે તો ડૉકટરની સલાહ મુજબ સપ્લીમેન્ટસનું યોગદાન હોય છે. મોટા ભાગે જોવા મળે છે કે ઘણાં લોકો યોગ્ય જાણકારી વિના જ કોઇ પણ લક્ષણ દેખાય તો પોતાની મરજી મુજબ જ પ્રોટિન અને કેલ્શિયમનાં સપ્લીમેન્ટસ લેવાનું શરૂ કરી દે છે. એની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. સપ્લીમેન્ટ બાબતે સૌથી પહેલાં તો એ સમજી લો કે સામાન્ય રીતે કોઇ પણ વ્યકિતને વધારાના સપ્લીમેન્ટની જરૂર પડતી નથી કારણ કે આપણા ભોજનમાંથી જ બધાં પોષક તત્ત્વો મળી રહે છે. આથી ભોજનમાંથી જ જરૂરી પોષક તત્ત્વો મળે એવી કોશિશ કરવી જોઇએ.
ઊણપ હોય ત્યારે જ લો
બજારમાં મળતાં મલ્ટીવિટામિન્સ અંગે વિચારીએ તો એનું કંપોઝિશન અને એની માત્રા બંને પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે સલાહ વિના લીધેલા સપ્લીમેન્ટસના કંપોઝિશનમાં એની માત્રામાં કમી હોઇ શકે છે અને માત્ર માનસિક સંતોષ મળે છે કે આપણે સપ્લીમેન્ટસ લઇએ છીએ. વિટામિન સપ્લીમેન્ટસમાં મોટા ભાગે વિટામિન B-12 ના સપ્લીમેન્ટસના સેવનમાં બેદરકારી રાખવામાં આવે છે કારણ કે આજે લોકો વિટામિન B-12 અને D3 બાબતે વધુ જાગૃત થયા છે. ઘણાં લોકો સલાહ વિના જ આડેધડ કેપ્સ્યુલ લેવાનું ચાલુ કરી દે છે પરંતુ એની યોગ્ય ટેસ્ટ કરાવ્યા બાદ જ લેવા જોઇએ. નોકરી – વ્યવસાયમાં કામના વધુ કલાકો, એરકન્ડિશન વગેરેને કારણે પણ લોકો તડકામાં રહેતા નથી એટલે વિટામિન D-3 ની ઊણપ સર્જાય છે. વિટામિન B-12 સામાન્ય રીતે નોનવેજમાંથી મળે છે એટલે શાકાહારીઓમાં એની ઊણપ જોવા મળે છે. આથી સમયાંતરે વિટામિન B-12 અને વિટામિન D-3 ની ટેસ્ટ કરાવ્યા પછી જ એના સપ્લીમેન્ટ લેવા જોઇએ.
સપ્લીમેન્ટસ વધારે ન લો
પોષક તત્ત્વોની ઊણપનાં લક્ષણો દેખાતાં હોય છે અને એના પરથી વ્યકિતમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામિન્સની કમી છે કે નહીં તે ખબર પડે છે. કોઇ એક તત્ત્વની ઊણપનું લક્ષણ કોઇ બીજા તત્ત્વની કમી તરફ પણ ઇશારો કરી શકે છે. દા.ત. હાડકાંમાં દુખાવો કેલ્શિયમ ઓછું હોવાથી થઇ શકે છે અથવા વિટામિન D-3 ને કારણે પણ હોઇ શકે. પરંતુ જો હકીકતમાં એ વિટામિન D-3 ને કારણે હોય અને કેલ્શિયમની ઊણપ સમજીને લેવામાં આવે તો કેલ્શિયમનું અધિક સેવન એની માત્રાને અસર કરી શકે છે એટલે લક્ષણો જોઇને જ કોઇ પણ ટેસ્ટ કે સલાહ વિના લેવાતાં સપ્લીમેન્ટસ જોખમકારક બની શકે છે. એનાથી શરીરમાં કોઇ એક તત્ત્વની માત્રા વધી શકે છે. જેનાથી કોઇ અન્ય સમસ્યા પણ સર્જાઇ શકે છે.
ટ્રાયલમાં સમય લાગે છે
સપ્લીમેન્ટ લેવાના સંદર્ભમાં લક્ષણોના આધારે મલ્ટી વિટામિન સપ્લીમેન્ટસની ૧૫-૨૦ દિવસની ટ્રાયલ લેવામાં આવે છે. જો તમારા સાંધામાં દુખાવો થતો હોય, વજન વધતું હોય, થાક વધુ લાગતો હોય તો તમે ટ્રાયલ લઇને જોઇ શકો છો પરંતુ આ સમયમાં વ્યકિતની સ્થિતિમાં સુધારો દેખાવો જોઇએ. જો ન દેખાય તો બીજી શકયતા વિચારી ટેસ્ટ કરાવો. એ કોઇ બીમારીનું લક્ષણ પણ હોઇ શકે છે પરંતુ જે કંઇ કરો ડોકટરની સલાહ મુજબ જ કરો.
જરૂરી બાબતો….
જયારે કેલ્શિયમ લો…
કેલ્શિયમનું વધુ સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે. ચકકર આવવા, બ્લોટિંગ, પેટ ખરાબ થવું જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. એની સાથે સાથે મહિલાઓમાં પીરિયડસનો દુખાવો પણ વધી શકે છે. એને કારણે નસો અને મસ્તિષ્કના સંચાલનમાં પણ મુશ્કેલી આવી શકે છે. કિડનીમાં પથરી – સ્ટોનની તકલીફનું પણ જોખમ રહે છે.
બી કોમ્પ્લેકસ અંગે પણ વિચારો
બી કોમ્પ્લેકસના સેવનથી સામાન્ય રીતે ગંભીર સમસ્યા ઉદ્ભવતી જોવા મળતી નથી કારણ કે એ પાણીમાં ઓગળી જાય છે.
પ્રોટિનને નજરઅંદાજ ન કરો
પ્રોટિનના સેવનની જો વાત કરીએ તો મુખ્ય હેતુ સંતુલન જાળવવાનો છે. આ સંતુલન છે પ્રોટિનનું સેવન અને વ્યાયામનું કારણ કે પ્રોટિનના સેવન સાથે વ્યાયામનું યોગ્ય સંતુલન રાખવામાં ન આવે તો લેવામાં આવેલું વધારાનું પ્રોટિન કિડની અને લિવરમાં જમા થવાનું શરૂ થઇ જાય છે.