અમદાવાદ, તા. 03 (પીટીઆઇ) : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચો બાબતે ઉઠી રહેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે આ ખોટો ઉહાપોહ બંધ કરીને પોતાનું ડિફેન્સ મજબૂત બનાવીને મેચ રમવા ઉતરો. મોટેરામાં ત્રીજી ટેસ્ટ બે દિવસમાં પુરી થયા પછી પીચ મામલે ઇંગ્લેન્ડના માજી ક્રિકેટરો દ્વારા ટીકાઓ કરવામાં આવી રહી છે, ત્યારે ગુરૂવારથી શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું હતુ કે ટર્ન લેતી પીચો બાબતે હંમેશા વધુ પડતો ઉહાપોહ અને ઘણી ચર્ચાઓ ઉઠે છે.
કોહલીએ કહ્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે જો આપણું મીડિયા એ વિચારોનું ખંડન કરીને એવા વિચારો રજૂ કરવાની સ્થિતિમાં છે કે માત્ર સ્પિન પીચોની જ ટીકા કરવી અયોગ્ય છે તો તે સંતુલીત વાતચીત ગણાશે. તેણે કહ્યું હતું કે કમનસીબે દરેક જણા સ્પિન પીચનો રાગ આલાપે છે. જો કોઇ ટેસ્ટ ચોથા કે પાંચમા દિવસ સુધી પહોંચે છે તો કોઇ કંઇ બોલતું નથી પણ જો તે બે દિવસમાં પુરી થાય તો બધા એક જ રાગ આલાપવા માંડે છે.
ન્યુઝીલેન્ડમાં અમે 36 ઓવરમાં હારી ગયા ત્યારે બધાને પીચનો નહીં અમારો વાંક દેખાયો હતો : કોહલી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુધઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાને મળેલી એક હારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઝડપી બોલરોને મદદરૂપ એ વિકેટ પર અમે ઝઝુમ્યા હતા અને તે સમયે પીચની નહીં પણ બેટ્સમેનોની ટેકનીકની ટીકા કરવામાં આવી હતી. એ મેચ 36 ઓવરમાં અમે ત્રીજા દિવસે હારી ગયા હતા પણ ભારતીય મીડિયાએ પીચ બાબતે કંઇ લખ્યું નહોતું પણ એટલું જ લખ્યું હતું કે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં ઘણું ખરાબ રમી. કોઇએ પીચની ટીકા કરી નહોતી.
અમે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવાને કારણે જ વિદેશમાં સફળતા મેળવી શક્યા : વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમ વિદેશમાં રમવા જાય છે ત્યારે પીચ બાબતે કોઇ ફરિયાદ કરતી નથી તેના સ્થાને અમે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળીએ છીએ અને તેના કારણે જ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ વિદેશમાં સફળતા મેળવી શકી છે. તેણે કહ્યું હતું કે અમારી સફળતાનું રહસ્ય એ જ છે કે અમે ગમે તે પ્રકારની પીચ પર રમ્યા હોઇએ, અમે કદી તેના બાબતે ફરિયાદ કરી નથી અને અમે એ રીતે જ રમવાનું ચાલુ રાખીશું તેણે કહ્યું હતું કે આપણે જાત સાથે પ્રમાણિક બનવાની જરૂર છે.