Charchapatra

ગાંધીવાદનો અતિરેક

હમણાં ગાંધી જયંતી ગઈ, તે નિમિત્તે ગાંધીવાદનો ગાંધીખોરો દ્વારા અતિરેક થયો. ગાંધીજીના ઘણા વિચારો પૈકીનો એક એવા અહિંસા પર ઘણા લેખકોએ લખ્યું પણ ગાંધીજીની ઘણી વાતો પર મૌન રાખે છે. કઈ કઈ વાતો તે જુઓ. ગાંધીજી ગાંધીજી કરીને અહિંસાનું ચૂરણ એવા ગાંધીખોરોને એવું ફાવી ગયું છે કે તેઓ પોતે હિંસા કરે છે પણ પોતાના વિચારો સાથે અસહમત થનારા સાથે સૌમ્ય રીતે તર્કથી ઉત્તર આપવાના બદલે ગાળાગાળી કરે છે. આવા લોકો ગાંધીને મહાન ચિતરવા તેમના સ્વદેશીની વાત નહીં કરે, કેમ કે તેઓ સ્વદેશીની વાતો કરે તો પોતે વિદેશી ચીજો વાપરતા પકડાઈ જવાનો ડર તેમને હોય છે.

ગાંધીજી જેવી સાદગીની અને ટ્રેનના થર્ડ ક્લાસ ડબ્બામાં મુસાફરીની વાત નહીં કરે કારણકે ગરમીમાં પરસેવો છૂટી જાય અને મોંઘી ગાડી વટ પાડવા લીધી હોય તે બતાવી કેવી રીતે શકાય? એક-એક ચીજનો નાનામાં નાની વસ્તુનો છેક સુધી ઉપયોગ કરવાની ગાંધીજીની વાત નહીં કરવાની કારણકે તેનાથી ઉપભોગતાવાદ કેવી રીતે ફેલાવી શકાય? ગાંધીજીની પ્રાકૃતિક ચિકિત્સાની વાત આ લોકો નહીં કરે કેમ કે, પ્રાકૃતિક ચિકિત્સા સરળ, સહજ અને ઓછી ખર્ચાળ હોય. ગાંધીજી મરતી વખતે હે રામ બોલ્યા હતા પણ અને શ્રી રામમંદિરનો વિરોધ કરવાનો, રામને કાલ્પનિક માનીને રામમંદિરની જગ્યાએ હૉસ્પિટલ, શૌચાલયની વાત કરવાની પણ ગેરકાયદેસર બાંધકામો, ધર્મસ્થળો અને ગેરકાયદે વકફ કરાતી જમીનોનો વિરોધ નહીં કરવાનો. એટલે આ ગાંધીખોરો સગવડભરી રીતે ગાંધીજીને યાદ કરી તેમનો જ સ્વાર્થ સાધે છે.
માંગરોળ – દેવકી ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top