કોઈ પણ પ્રસંગ હોય એનો ઉમંગ હોય,ઉત્સવ હોય એનો ઉત્સાહ હોય પણ એની ઉજવણીમાં ઉન્માદ ભળે ત્યારે એના પરિણામ ગંભીર અને ઉદ્વેગ કરાવનાર સાબિત થાય છે.હાલ શહેરમાં ઉજવાઈ રહેલા ગણેશોત્સવમા કદાચ પહેલી વાર જ આવું બન્યું છે કે શ્રદ્ધાને સ્થાને શોરબકોર અને મૂર્તિની ઊંચાઈ માટે દેખાદેખી તથા અર્થહીન ડી.જેના મોટા અવાજનો અતિરેક વધુ જોવા મળે છે.આ બાબતનો ચેપ નાના નગરો અને ગામો સુધી પણ ફેલાતો જાય છે. દૈનિકના હેવાલ મુજબ કયાંક ભીડ બેકાબૂ બની અને લોકો ઈજાગ્રસ્ત થયા તો કયાંક પંડાલ તૂટી પડ્યા તો કયાંક સજાવટમાં ધ્યાન ન અપાતાં વીજ કરંટથી મૃત્યુ પણ થયાં. આ માટે સરકારે ગણેશોત્સવની આચાર સંહિતા તૈયાર કરી એનો કડક અમલ થાય એનો સમય પાકી ગયો છે. આનંદ અને ભકતિના ઉત્સવો જીવલેણ બને એનાથી મોટી કરૂણતા બીજી કઈ હોઈ શકે?
સુરત – પલ્લવી ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વિશે ચર્ચા જરૂરી
સરકાર પોલ્યુશન કંટ્રોલને નામે સસ્તુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આપીને પૂરા નાણા વસૂલે છે. ઇથેનોલની આમ જનતા પાસેથી અભિપ્રાય પણ લેતી નથી અને સંસદ સભ્યો આ બાબતમાં અવાજ પણ ઉઠાવતા નથી. ઇથેનોલથી આમજનતાના વાહનોને નુકસાન થાય છે તેની ચિંતા મતદાર તરફે સરકારની છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લીધે એન્જીન પર દબાણ આવતા તે બગડે છે. પેટ્રોલની ટાંકી, પાઇપ, અન્ય પાર્ટસ પણ ડેમેજ થઇ રહ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝનાં અભિપ્રાય મુજબ વાહનોના કોમ્પોનન્ટ ખરાબ થઇ રહ્યા છે.
ઇથેનોલને લીધે વાહનોના માઇલેજ પણ ઘટી રહ્યા છે. જે મતદાતાના પોકેટ પર બોજો ઘણો જ વધી રહ્યો છે. એકંદરે સામાન્ય જનતા પિસાઇ રહી છે અને સરકાર દેશની કમાણી તરફ એક ચક્ષુથી જુએ છે. ઇથેનોલ એટલે આલ્કોહોલ જે મકાઇ, અનાજ, શેરડીના કૂચા જેવા પાકના અવશેષોમાંથી બનાવવામાં આવે છે. જો આ બિના પરત્વે સજાગ થઇશું નહિ તો હજુ પણ સરકાર ભવિષ્યમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારતા જ જશે તો કહેવાય નહિ. જેના પરિણામે આમજનતાની કમાણીનાં ભોગે સરકાર તેમની આવક વધારતા જ જશે એ નિર્વિવાદ છે. આમજનતાના વાહનોની ખરાબી થતા વધતી જ જશે.
અભ્યાસુ જનતાના મતે ઇથેનોલ કોરોસિવ એટલે કાટ લાગે તેવો પદાર્થ તેના કારણે ટેન્ક, ગિઅર સિફટીંગ અને અન્ય પાર્ટસ ધીમે ધીમે ખરાબ થતો જશે. આશા રાખીએ કે ભારતની કહેવાતી લોકશાહી સરકાર આ બાબત પરત્વે ઉકેલ લાવશે.
સુરત- ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.