આભાસી વિશ્વ પ્રસ્તુત કરતી ફિલ્મોની નાયિકાઓનું અંગત જીવન જુદું જ હોય છે. સમર્પિત ભાગે જીવતી અભિનેત્રીઓમાંની કેટલીક અપવાદરૂપ પણ હોય છે. સંધ્યા શાંતારામના પતિને ત્રણ પત્નીઓ હતી અને જયારે ફિલ્મ નિર્માણમાં નાણા ભીડ આવી ત્યારે બે પત્નીઓએ તેમના ઘરેણા આપવા માટે મરજી બતાવી નહીં ત્યારે ત્રીજી પત્ની સંધ્યાએ તેના તમામ ઘરેણા પતિને ચરણે ધરી દીધા હતા અને જયારે આંખના ઓપરેશન પછી દેખરેખ માટે નર્સની જરૂરત ઉભી થઇ ત્યારે પણ સંધ્યાએ જાતે નર્સની ભૂમિકા સ્વીકારી લીધી.
શાંતારામની ફિલ્મ કંપનીનું નામ પ્રભાત હતું પણ તેમના જીવનમાં તો સંધ્યા જ પ્રભાત થઇને આવી હતી તે એટલી હદે સમર્પિત હતી કે મહાન ફિલ્મ સર્જક મહેબૂબ ખાન તરફથી જયારે તેમની મહત્વાકાંક્ષી ફિલ્મની નાયિકા બનાવવાની ઓફર થઇ ત્યારે પતિ શાંતારામની તો સંમતિ હતી છતાં પતિ સિવાય બીજે કશેય કામ નહીં કરવા મક્કમ રહી. પતિની આગલી પત્નીઓમાં સંતાનોને સ્વીકારી લીધા અને પોતે નિસંતાન જ રહી. એજ રીતે ચેતના આનંદને વરી ચૂકેલી પ્રિયા રાજવંશ પણ માત્ર ચેતન આનંદની જ ફિલ્મોમાં નાયિકા બની રહી, ઉપરાંત ચેતન આનંદની ગૃહિણી બનીને જીવી. તે પણ સમર્પિત ભાવે દૃષ્ટાંતરૂપ બની ગઇ.
સુરૈયા ભલે દેવઆનંદને દિલોજાનથી ચાહતી રહી પણ લગ્ન શકય નહીં બનતા આજીવન કુંવારી રહી. જો ફિલ્મ જંગલી પછી તરત જ સાયરાબાનુ દિલીપકુમાર સાથે શાદીના બંધનમાં બંધાઇ ગઇ હોત તો તે પણ દિલીપકુમારને સદા ચાહતી હોવાથી બાકીની જિંદગી સમર્પિત ભાવે ગૃહિણી થઇ રહી હોત. નરગીસજીની ઉત્તરાવસ્થા પણ એજ રંગે રંગાયેલી છે. મધર ઇન્ડિયાની પ્રતિષ્ઠા પામ્યા બાદ આદર્શ પતિ સુનિલ દત્ત સાંપડતા ફિલ્મ કારકિર્દી છોડી સમર્પિત પત્ની બની ગૃહ સંસારમાં પરોવાઇ સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પૂરું પાડયું.
સુરત- યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.