ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા તરફ પ્રયાણ કરતાં હોય એવા સમયે દરેક વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટેના પર્યાયો જુદા જુદા હોય છે. કોઈક વિદ્યાર્થી માટે પરીક્ષા એટલે તેના સપનાંઓને સાકાર કરવાની સીડી, તો કોઈક માટે હાયપર ટેન્શન અને ફિયર , તો કોઈક માટે પોતાની ક્ષમતાઓને સાબિત કરી બતાવવાનો અવસર , તો કોઈક માટે પરીક્ષા એટલે બર્ડન અને કન્ફ્યુઝન, તો કોઈક માટે વર્ષ દરમિયાન નક્કી કરેલાં લક્ષ્યોને અર્જુનની જેમ પાર પાડવાની તૈયારી,તો કોઈક માટે પરીક્ષા એટલે એવી સાયકોલોજી કે ‘એ તો આવશે અને જશે’ ;આપણે તો મોજ મજા ચાલુ રાખવાની.
ખૈર , પરીક્ષા એટલે શું ? તેની ચર્ચાઓ ઘણી થઈ ગઈ.પણ હવે હું વાત કરીશ પરીક્ષા એટલે શું ના હોઈ શકે? પરીક્ષા માત્ર ત્રણ જ કલાકમાં તમારી તમામ શક્તિઓ કેટલી છે એની ચકાસણી બિલકુલ નથી, પરીક્ષા એટલે તમે ‘જીવનમાં ફેલ થયા છો’એ પુરવાર કરવા માટેનું ટેગ ક્યારે પણ નથી, પરીક્ષામાં જો તમે બે ત્રણ સબ્જેક્ટસમાં ફેલ થયા હોય તેના કારણે તમારા કરિયરના બીજા ઓપ્શન્સ બંધ થઈ ગયા એની સાબિતી ક્યારેય પણ નથી. ભલે તમે એકાદ પેપરમાં ટેન્શન અને ફિયરના કારણે ગરબડ કરી હોય પણ પરીક્ષા એ તમે દરેક પેપરમાં ફિયર અને ટેન્શનમાં જ રહેશો એવું ક્યારે પણ સૂચિત કરતી નથી. પરીક્ષા એ તમારી ભૂલોને કારણે કે અન્ય કારણોસર તમારી પરીક્ષા બિલકુલ સારી નથી ગઈ એના દોષનો ટોપલો તમારી જાત પર ઢોળવા માટે ક્યારેય નથી આવતી, પરંતુ પરીક્ષા માત્ર તમને એટલું જ કહેવા આવે છે’
કંઈ વાંધો નહીં; હજુ સમય છે,અવસર પણ છે, તું તારી ભૂલોને સુધારી લે.’પરીક્ષા એ તમે કેટલા પાણીમાં છો એનો ચિતાર આપે છે અને સાથે સાથે એ તમને કહે છે કે ‘તું ખાબોચિયાંમાંથી નીકળીને સમુદ્રમાં પણ તરી શકે છે.’ પરીક્ષા તમને ડુબાડવા માટે નહીં, પરંતુ તમને તરતાં શીખવાડવા માટે આવે છે.પરીક્ષા એ માત્ર તમારી કાબેલિયતનું મૂલ્યાંકન કરે છે પણ એનું જજમેન્ટ ક્યારેય નથી આપતી. પરીક્ષા માત્ર તમારા પ્રયત્નોને હાઈલાઈટ કરે છે,બિરદાવે છે અથવા તો તમારા પ્રયત્નો કેટલા ઓછા પડ્યા તે દર્શાવે છે પરંતુ પરીક્ષા ક્યારેય તમારી જાતને અન્ડરએસ્ટીમેટ કરવા નથી આવતી. તમારા પરીક્ષાના પરિણામમાં ભલે ‘ફેલ’ લખાઈને આવે પણ હવે જીવનમાં ‘તમારા જીતવાના ચાન્સ હવે પૂરા થયાં’એવું ક્યાંય પણ લખાઈને નથી આવતું. પરીક્ષા એક રસ્તો છે; મંઝિલ નથી.
ભરૂચ – સૈયદ માહનુર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
હસ્તધૂનન
એકમેકને મળતી વેળા હાથ મિલાવીને કરવામાં આવતો વિવેક એટલે હસ્તધૂનન. કોરોના કાળમાં સામસામે હાથ મેળવીને કરાતો સત્કાર બંધ થયો હતો. હવે હાથ મિલાવીને કે વધુ અંગત મિત્રો હોય તો જાદુની ઝપ્પી પણ આપવામાં કોઈ વાંધો નથી. આમ તો શેઈક હેન્ડ-શેક હેન્ડ એ મળતી વેળા હાથ મિલાવીને વધુ વાર હલાવવાની વિલાયતી ચાલ. હાથ મિલાવીને વધુ વાર હલાવવાનો અંગ્રેજી રિવાજ બે દેશના વડાપ્રધાન મળે ત્યારે જોવા મળે છે. આપણે ત્યાં સ્નેહીજનો, ઓળખીતા અને મિત્રો પરસ્પર મળે ત્યારે હાથોહાથ મેળવતા હોય છે.
હસ્તધૂનન અને હાથતાળી એ બે વચ્ચે ભેદરેખા છે. કોઈ કાર્યક્રમ સરસ હોય, કોઈ વક્તવ્ય, કોઈ નેતા-અભિનેતાની રજૂઆત શાનદાર હોય તો હથેળીઓ વડે તાળીઓથી માન આપવામાં આવે છે. આવા સંજોગોમાં શ્રોતાઓ એક સાથે ઊભા થઈને તાળીઓ દ્વારા બહુમાન પણ આપે છે. ખાસ કરીને તાળીઓ વડે વધાવવાની રસમ સર્વત્ર જોવા મળે છે. આજે હાથતાળી એટલે યાદ આવી ગઈ કે, કેટલાકને હાથતાળી આપવાની ખોટી આદત હોય છે.
ઘણાં લોકો વાતવાતમાં છેતરી જાય. એકબીજાને બનાવીને કે છેતરીને છટકી જવાની આદત હોય. ક્યારેક ચાલાકી કરીને છેતરીને આનંદ મેળવે. કોઈ સેવક શેઠને છેતરે ત્યારે નિમકહરામ નીવડ્યો એમ પણ કહેવામાં આવે છે. એમ પણ ખોટી વાહવાહ અને નામના મેળવવી મોટે ભાગે સૌને ગમે. કોઈ કામ ન કરે અને નામના મેળવવા ધમપછાડા કરે ત્યારે નામના હાથતાળી આપી જાય એમ પણ બને. જે કામ કરે તેની વાહવાહ થાય છે. કશું જ ન કરે અને હાથ પાછળ રાખીને ફરફર કરનારને નામના-પ્રસિદ્ધિ હાથતાળી આપતી ફરે છે. માત્ર સેવા ખાતર સેવા કરીએ તોય ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે