વલસાડ : સોમવારથી બોર્ડની પરીક્ષાઓ (Board exam) શરૂ થઈ રહી છે, ત્યારે કપરાડાના મોટાપોઢામાં બંધ કરી દેવાયેલું પરીક્ષા કેન્દ્ર (Exam center) શરૂ નહીં કરાતા 6 શાળાના 900 થી વધુ પરીક્ષાર્થીઓએ 15 થી 20 કી.મી. દૂર અન્ય પરીક્ષા કેન્દ્રો ઉપર જવાની ફરજ પડશે. જોકે વાલીઓ આ માટે મોટાપોઢા હાઈસ્કૂલના સંચાલકો અને લોક પ્રતિનિધીઓની નિષ્ક્રિયતા માની રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 28 માર્ચથી ધો.10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે કપરાડા તાલુકાના મોટાપોઢા હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રને અગાઉ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે રદ કરી દેવાયું હતું. જોકે ત્યારબાદ આ કેન્દ્રને ફરી શરૂ કરાવવા શાળા સંચાલકો કે પછી આ વિસ્તારના આગેવાનોએ પણ કોઈ રસ નહીં દાખવતા ચાલુ વર્ષે મોટાપોઢા કેન્દ્રને મંજૂરી નહીં મળતા આ કેન્દ્રમાં પરીક્ષા આપવા આવતા આશરે 6 થી 7 શાળાઓ અને ખુદ મોટાપોઢા શાળાના મળી કુલ આશરે 900 થી વધુ વિદ્યાર્થીઓએ 15 થી 20 કીમી દૂર આવેલા કરવડ, ડુંગરા, અંબાચ, અંભેટી અને નાનાપોઢા કેન્દ્ર સુધી પરીક્ષા આપવા જવાની ફરજ પડશે. જેમાં તેમનો સમય અને પૈસાનો પણ વ્યય થશે.
કેન્દ્રને ફરી શરૂ કરવા સંચાલકો અને લોકપ્રતિનિધિઓ નાકામ
મોટાપોઢાના પરીક્ષા કેન્દ્રને રદ કરાયા બાદ ફરી શરૂ કરવા અને સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવા જ્યાં પરીક્ષા કેન્દ્ર હતું. ત્યાંના સંચાલકો, વિસ્તારના આગેવાનો કે પછી લોક પ્રતિનિધિઓએ પણ કોઈ પ્રયાસ નહીં કરતા આખરે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા દૂર સુધી લંબાવવુ પડશે.
આ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ બાજા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપશે
મોટાપોઢા હાઈસ્કૂલના આચાર્ય ત્રિવેદીએ જણાવ્યું કે, કેન્દ્રને અગાઉ રદ કરાયું હતું. જોકે બે વર્ષ કોરોનાને લઈ પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરવા કાર્યવાહી થઈ ન હતી. હાલ આ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ કરવડ, અંભેતી, અંબાચ, ડુંગરા અને નાનાપોઢા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપશે.
વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 માં 51433 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વલસાડ : આગામી સોમવારથી ધો.10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે જિલ્લામાં ધો.10 અને 12 માં કુલ 51433 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વલસાડ જિલ્લામાં ધો.10 માં 32914 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 11895, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 6624 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.10 અને 12 ની પરીક્ષા માટે 56 કેન્દ્રો બનાવાયા છે. આ કેન્દ્રોમાં 156 બિલ્ડીંગોમાં અને 1760 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે 2978 અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવશે. પરીક્ષાઓ સુપેરે પાર પાડવા 3 ઝોનલ અધિકારીઓ,6 કન્ટ્રોલ રૂમ સ્ટાફ, 58 ઝોનલ કચેરી સ્ટાફ, 264 સરકારી પ્રતિનિધિ, પરીક્ષા સ્થળ પર 156 સ્થળ સંચાલક અને સીસીટીવીથી સુસજ્જ પરીક્ષા બિલ્ડીંગ ખાતે કુલ 2591 કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.