Charchapatra

પરીક્ષા, જીવનનો મહત્ત્વનો ભાગ, જીવન નથી

ઠંડીની મોસમ સાથે પરીક્ષાની મોસમ શરૂ થઈ ગઈ છે. જે પરિવારનાં સંતાનો બોર્ડની પરીક્ષા આપનાર છે તેમાંનાં ઘણાં ઘરોમાં વાતાવરણ તંગ અને ગરમ થવું શરૂ થઈ ગયું હશે!ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા છે.આ વર્ષે બહુ વહેલી પરીક્ષા!? શું થશે? કેટલાંક ઘરમાં વર્ષની શરૂઆતથી અને કેટલાક ઘરમાં ખાસ ડિસેમ્બરથી ચિંતા,રઘવાટ,પ્રેશર અને ભયનું વાતાવરણ સર્જાય છે. આવા ઘરમાં પ્રવેશતાં પણ ડર લાગે છે. પરીક્ષા મહત્ત્વની છે,પણ જીવનથી વધુ નથી.લાગણીશીલ બાળક ડરી જાય છે,હતાશ થઈ જાય છે જેની પરિણામ પર અસર પડે છે.

બાળકની ક્ષમતાનો વિચાર અભરાઈએ ચડાવીને અપેક્ષાનાં પોટલાં નીચે દબાવવાનો વિચાર કે અત્યાચાર આતંકવાદથી ઓછો ન લેખાય.આવું તંગ વાતાવરણ ઘરમાં અને બાળકના મનમાં નકારાત્મક ઊર્જા પેદા કરે છે.બાળક પરીક્ષા કે પરિણામના ડરથી આત્મહત્યા સુધી પહોંચે એ સ્વીકાર્ય નથી. માતાપિતાની ચિંતા,લાગણી અને અપેક્ષા સ્વીકાર્ય છે,પણ બાળકની ક્ષમતા,રસ અને પસંદ પણ એટલાં જ મહત્ત્વનાં છે.ખરેખર તો બોર્ડની પરીક્ષા આપનાર બાળકના ઘરમાં આખું વર્ષ,પણ જો એ શક્ય ન હોય તો પરીક્ષા પૂર્વેના બે માસ સકારાત્મક ઊર્જા, હળવાશ કે સામાન્ય વાતાવરણ હશે તો બાળક ભણવાના તનાવથી મુક્ત થઈ,આત્મવિશ્વાસ સાથે વાચન કરી શકશે. બાળકને અહેસાસ કરાવીએ કે ચિંતા ન કર. અમે સૌ તારી સાથે છીએ.પરીક્ષા છે,ઉત્સવ સમજી ઉજવીએ.પરિવારનો આવો પ્રોત્સાહક વ્યવહાર અને હૂંફ હશે તો બાળક અવશ્ય  પ્રગતિ કરી શકશે.
સુરત      – અરુણ પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉપેક્ષિત છતાં પોષક ફળ શિંગોડાં
વ્રત અને તપ નિમિત્તે ઉપવાસી સનાતનીઓને શિંગોડાં અજાણ્યાં નહીં હોય પણ આપણે શિંગોડાંને કેટલાં જાણીએ છીએ? એશિયા અને આફ્રિકાનું વતની એવું આ ફળ હકીકતમાં બહાર જોવા નથી મળતું કારણ કે તે પાણીમાં ઊગતા છોડનાં મૂળ પર ચોંટેલું હોય છે. સંસ્કૃતમાં શૃંગાટક અને હિન્દીમાં સિંઘાડા તરીકે ઓળખાતાં શીંગોડાંનાં ફળ પર શીંગડાં જેવા કાંટા હોવાથી તે શિંગોડાં કહેવાય છે. તેને સૂકવીને ગરનો લોટ બનાવવામાં આવે છે અને ફરાળ તરીકે વપરાય છે. ચીનમાં શિંગોડાં વધારે વપરાય છે.

શિંગોડાંના કોચલાને કાળા રંગી બજારમાં બાફીને વેચાય છે અને અંદરનું ફળ સ્વાદિષ્ટ અને શક્તિવર્ધક મનાય છે. શિંગોડામાં વિટામીન એ અને સી, સાઈટ્રિક એસિડ, ગંધક, પ્રોટીન, નિકોટેનીક એસિડ, મેંગેનીઝ થાઈમિક, કાર્બોહાઈડ્રેટ, રેસા, કેલ્શિયમ, જસત, લોહતત્ત્વ, પોટેશિયમ, સોડિયમ અને આયોડિન જેવાં તત્ત્વો મળે છે. શિંગોડાં બવાસીર,નબળા ગર્ભાશય, થાઈરોઈડ, ત્વચાની બળતરા, ગળામાં ચેપ, દમ, નસકોરી ફૂટવી, આંખની નબળાઈ વગેરે માટે ઉપયોગી ઔષધ નીવડી શકે. આ ફળ પોષણ અને સ્વાસ્થ્ય રક્ષા માટે ઉપયોગી હોવા છતાં ખાસ કરીને આપણું ધ્યાન એનાં પર જતું નથી.
સુરત      – સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top