નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાને (12th Exam) લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાંજે સીબીએસઈ (CBSE) ધોરણ-12ની પરીક્ષાને લઈને એક મહત્વની બેઠક (Meeting) બોલાવી છે. બેઠકમાં સંભવત: બધાજ રાજ્યો અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા બાદ તેમને બોર્ડ પરીક્ષાના બધા સંભવિત વિકલ્પો વિશે માહિતી આપવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષાઓ અંગે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં કોઈ નિર્ણય આવી શકે છે. બેઠક બાદ 12માં ધોરણની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
10 મી બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શિક્ષણ સચિવ અને સીબીએસઈ અધિકારીઓની સલાહ લીધા પછી લેવામાં આવ્યો હતો. આ વખતે પણ લાખો વિદ્યાર્થીઓ કેટલાક આવા જ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષા લેશે. અંગેની વધુ સ્પષ્ટતા 1 જૂનના રોજ કરવામાં આવનાર હતી તે અનુસાર ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયું છે. પીએમ મોદીની બેઠક યોજાયા બાદ અન્ય રાજ્યો પણ પોતાનો સ્પષ્ટ નિર્ણય જાહેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ફરી એકવાર ટ્વિટ કરીને 12 મી બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર લઇને કહ્યું કે 12 અને પરીક્ષાને લઈને બાળકો અને માતા-પિતા ખૂબ જ ચિંતિત છે. તેઓ ઇચ્છે છે કે રસીકરણ વિના, 12 મી પરીક્ષા ન હોવી જોઈએ. હું કેન્દ્ર સરકારને 12 મી પરીક્ષા રદ કરવા અપીલ કરું છું. ભૂતકાળના પ્રભાવના આધારે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં 23 મી મેએ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા પછી શિક્ષણમંત્રીએ મંગળવારે સવારે 11 વાગ્યે 12 મી બોર્ડની પરીક્ષાઓની જાહેરાત કરવાના હતા. પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે આ શક્ય બન્યું નથી. ત્યારે હવે મંગળવારે આ નિર્ણયનો સમગ્ર આધાર વડાપ્રધાન મોદી પર છે તેવું લાગી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5:30 વાગ્યે બેઠક કરશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં અંતિમ પરિણામ બહાર આવી શકે છે. આ પહેલા પણ એપ્રિલમાં વડા પ્રધાને બોર્ડની પરીક્ષાઓ યોજવાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.