પશ્ચિમ બંગાળ: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ સવારે સાત વાગ્યાથી મતદાન શરુ થયું હતું. ત્યારે મતદાન (Voting) દરમિયાન પશ્ચિમ બંગાળના (West Bangal) દક્ષિણ 24 પરગણામાં હોબાળો મચી ગયો હતો. અહીં કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ટોળા દ્વારા EVM અને VVPAT મશીનોને કથિત રીતે તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાના મતદાન પહેલા શુક્રવારે 31 મે 2024ના રોજ પણ એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં દક્ષિણ ચોવીસ પરગણાના ભાંગર વિસ્તારમાં બોમ્બ ફેંકાયા હતા. તેમજ મતદાન પહેલા શનિવારે સવારે પણ ભાંગરમાં હિંસા થઈ હતી. જાદવપુર લોકસભા મતવિસ્તાર હેઠળના ભાંગરના સતુલિયા વિસ્તારમાં થયેલી આ અથડામણમાં લગભગ 10 ISF અને TMC કાર્યકરો ઘાયલ થયા હતા. જેમાં ISF અને CPIM કાર્યકર્તાઓએ TMC પર આ હુમલાનો આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે હજુ પણ ઘણા એક્ટિવેટેડ બોમ્બ પડ્યા છે.
આ રીતે વિવાદ વધ્યો
આ હોબાળો ગુરુવારે રાત્રે શરૂ થયો હતો જ્યારે ટીએમસી કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર પછી કથિત રીતે તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ ઘાયલોને કોલકાતાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી બીજા દિવસે શુક્રવારે TMC કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. વિવાદ અહીં જ અટક્યો ન હતો. શનિવારે મતદાનના દિવસે પણ બંને પક્ષો સામસામે આવી જતાં મારામારી થઈ હતી.
જાદવપુર પશ્ચિમ બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ લોકસભા સીટોમાંથી એક છે. લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જી અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી ઈન્દ્રજીત ગુપ્તા જેવા મજબૂત ડાબેરી નેતાઓ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ પણ આ બેઠક પરથી સંસદીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1984ની સામાન્ય ચૂંટણીમાં મમતાએ દિગ્ગજ ડાબેરી નેતા સોમનાથ ચેટર્જીને કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી હરાવ્યા હતા.
આ વખતે ટીએમસીનો રસ્તો સરળ નથી
આ બેઠક એક સમયે ડાબેરીઓનો સૌથી મજબૂત ગઢ હતી, પરંતુ ધીમે ધીમે તૃણમૂલ કોંગ્રેસે અહીં પ્રવેશ કર્યો. હવે ભાજપ અહીં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહી છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ટીએમસીએ આ સીટ જીત મેળવી હતી. પરંતુ આ વખતે ટીએમસીની જીતનો રસ્તો સરળ નથી. ટીએમસીએ આ બેઠક પરથી અભિનેત્રી અને પાર્ટીની યુવા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ સયોની ઘોષને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે ડો. અનિર્બાન ગાંગુલીને મેદાનમાં ઉતાર્યા છે.