World

એલોન મસ્કે EVM પર ઉઠાવ્યા સવાલ, ભાજપના નેતાએ આપ્યો જવાબ, રાહુલ ગાંધીએ EVMને બ્લેક બોક્સ કહ્યું

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને એલોન મસ્કના એક નિવેદને નવા વિવાદને જન્મ આપ્યો છે. જાયન્ટ ટેસ્લા અને સોશિયલ મીડિયા સાઇટ X ના CEO એલોન મસ્કએ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે આપણે ચૂંટણી પ્રક્રિયામાંથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને દૂર કરવા જોઈએ. કારણ કે તેને મનુષ્યો અને AI દ્વારા હેક કરવામાં આવે તેવી શક્યતાઓ હજુ પણ અમુક અંશે છે, જોકે ઓછી છે.

એલોન મસ્કે પ્યુઅર્ટો રિકોમાં તાજેતરની ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ અંગે યુએસ નેતા રોબર્ટ એફ કેનેડી જુનિયરની ચિંતા પર પ્રતિક્રિયા આપીને નવો વિવાદ ઊભો કર્યો હતો. ઈલોન મસ્કના દાવા પર ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં બનેલા ઈવીએમ એક ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે. જે કોઈપણ રીતે કનેક્ટ થઈ શકતા નથી, ન તો બ્લૂટૂથ, વાઈફાઈ, ન ઈન્ટરનેટ સાથે.

આ સાથે રાજીવ ચંદ્રશેખરે સુરક્ષિત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને કેવી રીતે યોગ્ય રીતે ડિઝાઈન કરવું અને કેવી રીતે બનાવવું તે અંગેનું ટ્યુટોરીયલ પણ મસ્કને ઓફર કર્યું છે. આ ચર્ચામાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એલોન મસ્કને જવાબ આપતા કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો યોગ્ય રીતે ડિઝાઈન અને નિર્માણ કરી શકાય છે જેમ કે ભારતે કર્યું છે. અમને આના પર ટ્યુટોરીયલ આપવામાં વધુ આનંદ થશે.

મસ્કની પોસ્ટને રિ-પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં EVM બ્લેક બોક્સ જેવું છે. તેની તપાસ કરવાની કોઈને છૂટ નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.

જણાવી દઈએ કે મસ્કે ઇવીએમની વાત અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરની પોસ્ટ પર કરી હતી. તેમણે કેનેડી જુનિયરની પોસ્ટને રિ-પોસ્ટ કરીને કહ્યું કે કેનેડી જુનિયરે પ્યુઅર્ટો રિકોની ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત ગેરરીતિઓ વિશે વાત કરી અને પેપર બેલેટ પર પાછા ફરવાની વાત કરી છે. રોબર્ટ એફ. કેનેડી જુનિયરે વોટિંગ ફ્રોડના સેંકડો કેસો પર એસોસિએટેડ પ્રેસના અહેવાલને ટાંક્યો અને આવા કેસોને ઓળખવા અને સુધારવા માટે બેલેટ પેપરના મહત્વ પર ભાર મૂક્યો હતો.

જણાવી દઈએ કે ભારતમાં આ વર્ષે એપ્રિલમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના 100% ક્રોસ-ચેકિંગની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે આ માંગને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આ સિવાય અનેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top