આસામના કરીમગંજ જિલ્લામાં એક સ્થળે ગુરુવારે રાત્રે એક ઇલેકટ્રોનિક મતદાન યંત્ર ભાજપના એક ઉમેદવારની કારમાં લઇ જવાતું કોઇએ જોઇ લેતા ભારે હોબાળો મચી ગયો હતો અને આ ઘટના પછી તોફાનો ફાટી નીકળતા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો.
ગઇકાલે મતદાન પુરું થયા બાદ કરીમગંજ ટાઉનના રાતાબારી મતવિસ્તારમાં ઇન્દિરા એમવી સ્કૂલના મતદાન મથક નજીક કેટલાક લોકોને જોવા મળ્યું હતું કે ભાજપના ઉમેદવારનીક કારમાં ઇવીએમ લઇ જવામાં આવી રહ્યું હતું.
આ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં લઇ જવા માટે ભાજપના ઉમેદવારની કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો! આ બાબતની જાણ થતાં જ હો-હા મચી ગઇ હતી. એઆઇયુડીએફ અને કોંગ્રેસના ટેકેદારોએ દાવો કર્યો હતો કે ઇવીએમ મશીનો સાથે ચેડા કરવા માટે તેમને ભાજપના ઉમેદવારના વાહનમાં લઇ જવામાં આવી રહ્યા હતા.
જે વાહનમાં ઇવીએમ લઇ જવાતું હતું તે કોઇ સરકારી વાહન ન હતું પણ ભાજપના એક ઉમેદવારની પત્નીના નામે નોંધાયેલું વાહન હતું. થોડી જ વારમાં વાહનની નજીક લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને તેમણે વાહનની તોડ ફોડ કરી હતી અને મશીન લઇ જતા ચૂંટણી અધિકારીઓ પર હુમલો કર્યો હતો.
આના પછી ચૂંટણી અધિકારીઓ ઇવીએમ છોડીને જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળે ધસી આવેલ પોલીસે ટોળાને વિખેરવા ગોળીબાર કર્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ ઘટના અંગે જો કે ભાજપના ઉમેદવાર ક્રિષ્નેન્દુ પૌલે ખુલાસો કરતા ઇવીએમ સાથે ચેડાની વાત ફગાવી હતી અને કહ્યું હતું કે ઇવીએમ લઇ જતાં ચૂંટણી અધિકારીઓએ આ વાહનમાં લીફટ લીધી હતી! જો કે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બીજી બાજુ આ ઘટના પછી ચૂંટણી પંચે આ વિસ્તારમાં ફેર મતદાનનો આદેશ આપ્યો છે.